અમેરિકા, ચીન, જાપાન, રશિયા સહિત દુનિયાભરના નેતાઓ કેમ છે મોદીના જબરા ફેન...?
Happy Birthday PM Modi: ઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...? વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધોની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે.
Trending Photos
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ આજે દેશ અને દુનિયાભરમાં ભારતના પ્રધાનમંત્રી મોદી સૌથી વધુ લોકચાહના ધરાવતા નેતાઓમાં શિખરે છે. અમેરિકા હોય કે ચાઈના, રશિયા હોય કે જાપાન દુનિયાભરના દેશોના રાષ્ટ્રપ્રમુખો પણ પ્રધાનમંત્રી મોદીના કાયલ છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધોની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે કબુલ્યું કે, રાજનીતિમાં મોદી સૌ કોઈના ગુરુ છે. દુનિયાભરમાં લોકો મોદીથી પ્રભાવિત છે. મોદી એક જબરદસ્ત પ્રભાવશાળી નેતા છે. ભારતની જનતા મોદીને ખુબ ચાહે છે. વિદેશમાં પણ મોદીનાં ખુબ ચાહકો છે.
બબ્બે વાર વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલાં બરાક હુસેન ઓબામાએ કહ્યું હતુંકે, સમગ્ર વિશ્વને ભારતના પ્રધાનમંત્રી મોદી પાસે ઘણી બધી આશાઓ છે. હું ભાગ્યશાળી છુંકે, પ્રધાનમંત્રી મોદી મારા સારા મિત્ર છે. મોદી પાસે ઘણું શિખવા જેવું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે જો બાઈડેન ઘણીવાર મોદી સાથે જોવા મળ્યાં છે. બાઈડને અગાઉ કહ્યું હતુંકે, તેઓ મોદીની નિર્ણય લેવાની ક્ષમતા, તેમની કાર્યપ્રણાલી, તેમની લોકચાહના અને સામાન્ય કુટુંબથી દુનિયાની સૌથી મોટી લોકશાહીના પ્રમુખ બનવાની સફરથી ખુબ પ્રભાવિત છે.
- જ્યારે અમેરિકાએ મોદીને વીઝા આપવાનો કરી દીધો હતો ઈન્કાર...
એક સમયે હતો જ્યારે અમેરિકાએ કાયદાનો હવાલો આપીને નરેન્દ્ર મોદીને વિઝા આપવાની પણ ના પાડી દીધી હતી. વર્ષ 2005માં મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તે સમયે અમેરિકાએ આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાને અટકાવવામાં મોદી નિષ્ફળ રહ્યા છે.
1998માં બનેલા કાયદા પ્રમાણે ધાર્મિક સ્વત્રંતતાનું ઉલ્લંઘન કરનાર વિદેશી નાગરિકોને કે કોઈપણ પદાધિકારીઓને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહી આવે. નરેન્દ્ર મોદી પ્રથમ એવા નેતા હતા જેમને આ કાયદા હેઠળ અમેરિકાના વીઝા આપવાનો ઇનકાર કરાયો હતો.
10 વર્ષ સુધી અમેરિકી સાંસદે મોદીની આલોચના કરી હતી. ભારતમાં કરાયેલી તમામ તપાસમાં મોદી નિર્દોષ સાબિત થાય. પરંતુ અમેરિકાએ તેની નીતિમાં કોઇ બદલાવ નહોતો કર્યો.
જોકે, બાદમાં પરિસ્થિતિ બદલાઈ...થોડા જ સમયમાં ગુજરાતનાં સફળ મુખ્યમંત્રી અને એક પ્રભાવશાળી શાસક તરીકેની મોદીની છબી દુનિયાભરમાં ઉભરી આવી. દુનિયાનાં અનેક નેતાઓએ તેમને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યુ. આ સાથે જ અમેરિકાનાં તેવર પણ બદલાયાં. અમેરિકી સંસદના અનેક સદસ્યોએ કહેવાનું શરૂ કર્યું કે આપણે મોદી સાથેના સબંધો સારા કરવા જોઇએ. કારણ કે મોદી દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશનાં પ્રધાનમંત્રી બની શકે છે. એ ધારણાં પણ સાચી ઠરી અને વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડ્યા અને સીધી ભારતના પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થઈ ગયાં.
- મોદીના PM બનતાની સાથે જ બરાક ઓબામાએ દોસ્તીનો હાથ લંબાવ્યો
વર્ષ 2014માં મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા અને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મોદી સામે મિત્રતાનો હાથ લંબાવ્યો. 2014માં મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઓબામા પ્રશાસને તેમને આવકાર્યા. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમને માર્ટિન લ્યુથરકિંગ જ્યૂનિયર સ્મારકમાં લઇ ગયા હતા. પીએમ મોદીએ અહીં મેડીસન સ્કેવરમાં અમેરિકામાં વસતા 20 હજાર જેટલાં મૂળ ભારતીયોને સંબોધન કર્યું. મેડિસન સ્વેરમાં ભારતીયોએ મોદી-મોદીનાં નારા લગાવ્યા.
અને એ સાથે જ મહાસત્તા અમેરિકાને પણ મોદીની લોકપ્રિયતાનો ખ્યાલ આવી ગયો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત અમેરિકા ગયા ત્યારે 100 સાંસદોએ તત્કાલીન સ્પીકર જોન બોહેનરને પત્ર લખીને મોદી પાસે સંયુક્ત સત્રને સંબોધન કરવાની માંગ કરી હતી.
આ વાત અમેરિકામાં છવાયેલા મોદી મેજિકને સાબિત કરે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પ્રધાનમંત્રી મોદીનાં સબંધોમાં આ પ્રકારે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી. ઓબામાનાં કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ત્રણ વખત અમેરિકાની મુલાકાત લીધી. ઓબામાએ તેમના કાર્યકાળનાં અંતિમવર્ષમાં તેમની પસંદગીનાં કેટલાક નેતાઓને અમેરિકામાં આમંત્રણ આપ્યું હતું. જેમાંથી પ્રધાનમંત્રી મોદીનું નામ સૌથી પ્રથમ હરોળમાં હતું. આમ, મોદી અને ઓબામાની દોસ્તીથી બંન્ને દેશો વચ્ચે અનેક મુદ્દાઓને લઈને સંબંધોમાં સુધાર થયો.
- ડોનાલ્ડ ટ્રંપે કબુલ્યું કે રાજનીતિમાં મોદી સૌ કોઈના ગુરુ છે...
એટલું જ નહીં અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડૉલન્ડ ટ્રંપ પણ પીએમ મોદીથી એટલાં જ પ્રભાવિત રહ્યાં છે. એ વાત તો દુનિયા સામે ત્યારે આવી જ્યારે ટ્રંપે પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પોતાના કેમ્પેઈનમાં મોદીનો મંત્ર અપનાવ્યો.
ટ્રંપે સત્તાવાર રીતે પોતાની ચૂંટણીમાં અબકી બાર ટ્રંપ સરકારનો નારો વહેતો કર્યો. ભારતમાં અબકી બાર મોદી સરકારના નારા પરથી પ્રભાવિત થઈને ટ્રંપે આ સ્લોગન અપનાવ્યું. એટલું જ નહીં ટ્રંપ પોતે પણ એવું ઘણીવાર કહી ચૂક્યા છેકે, રાજનીતિમાં મોદી સૌ કોઈના ગુરુ છે.
નરેન્દ્ર મોદીએ ભારતને જગતગુરુ બનાવવાનો સંકલ્પ લીધો છે...વર્ષ 2018માં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં 23 જૂનથી 27 સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) સમિટ યોજાઈ. તે સમયે પીએમ મોદીએ આ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું. પહેલીવાર કોઇ ભારતીય પ્રધાનમંત્રીએ આ સમિટનું ઉદ્ઘાટન કર્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપના ભાષણથી દાવોસ સમિટનું સમાપન થયું. તે સમયે 26 જૂન 2018 દરમિયાન મોદી અને ટ્રંપ પહેલીવાર એકમંચ પર ભેગા થયાં હતાં. ત્યાર બાદ મોદી અને ટ્રંપ વચ્ચેની રાજકીય દોસ્તીનો સફર આગળ વધતો રહ્યો. જે ટ્રંપને વોશિંગ્ટન ડીસીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી લઈ આવ્યો.
- હ્યૂસ્ટનમાં યોજયેલાં 'હાઉડી મોદી'માં ટ્રંપે ફરી કર્યા મોદી મેજિકના વખાણ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર 2019ના દિવસે અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજયેલાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીયોને સંબોધિત કર્યા. એ સમયે ડોનલ્ડ ટ્રંપને ફરી એકવાર પોતાના અમેરિકામાં જ મોદી મેજિકનો પર્ચો જોવા મળ્યો.
મોદીનો Howdy Modi કાર્યક્રમ મૅડિસન સ્ક્વૅરથી પણ ભવ્ય હતો. હ્યૂસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં મોદી અને ટ્રંપ એકબીજાનો હાથ પકડીને સ્ટેજ પર આવ્યાં. જ્યાં ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાનો સંદેશો દુનિયાને આપ્યો.
આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેટભરીને વખાણ કર્યાં. જ્યાં ટ્રંપની હાજરીમાં મોદીએ આતંકવાદ અને કશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ હોવાની વાત કરી, અને લોકોએ ચિચિયારીઓ પાડીને મોદીનું અભિવાદન કર્યું.
આ ઈવેન્ટ થકી આવું પહેલી વખત બન્યું જ્યારે દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશના પ્રમુખ અમેરિકામાં આવડી મોટી રેલીને એકસાથે સંબોધી. જેમાં મોદી અને ટ્રંપ વચ્ચે એક અલગ જ કેમેસ્ટ્રી જોવા મળી.
હાઉડી મોદી કાર્યક્રમ વિશે પીએમ મોદીએ કહ્યુંકે, ભારતમાં બધું સારું છે.
- મોદી માટે ટ્રંપે તોડી અમેરિકી શાસનની વર્ષો જૂની પરંપરા...
અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો. જેમાં એક ખાસિયત પણ ખુબ ચર્ચામાં રહી. આ કાર્યક્રમમાં ટ્રંપના ભાષણ મંચ પર પ્રેસિડેન્શિયલ સીલની જગ્યાએ ભારત-અમેરિકાની મિત્રતાનો ધ્વજ લાગેલો હતો.
ટ્રંપ પ્રશાસને પહેલી વખત રાષ્ટ્રપતિના ભાષણ મંચ પર લગાવાતા પ્રતીકમાં ફેરફાર કર્યો હતો. પ્રેસિડેન્શિયલ સીલ અમેરિકન સરકારની વર્ષો જુની પંરપરાનો એક ભાગ માનવામાં આવે છે.
અમેરિકન સરકારની પરંપરા પ્રમાણે, રાષ્ટ્રપતિના ભાષણ મંચ પર પ્રેસિડેન્શિયલ સીલ જ લગાડવામાં આવે છે. દેશ-વિદેશમાં પણ રાષ્ટ્રપતિનું કોઈ પણ ભાષણ અથવા નિવેદન પ્રેસિડેન્શિયલ સીલ વાળા મંચ પરથી જ આપવામાં આવે છે.
કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ અથવા કાર્યક્રમમાં આ મંચમાં ફેરફાર કરવામાં આવતો નથી. રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાન દરમિયાન પણ પ્રેસિડેન્શિયલ સીલ હટાવવામાં આવતું નથી. પણ પહેલી વખત આ પરંપરામાં ફેરફાર થયો છે અને આ સીલની જગ્યાએ ભારત-અમેરિકાની મિત્રતાનો ધ્વજ લગાડાયો.
હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં 50 હજાર લોકોની હાજરીમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો પર મહત્વની ચર્ચા કરાઈ હતી. આ દરમિયાન પણ મોદી- ટ્રમ્પ વચ્ચે અલગ જ કેમેસ્ટ્રિ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છેકે, અમેરિકામાં 40 લાખથી વધારે NRI વસવાટ કરે છે, જેમાંથી 10 લાખથી વધારે ગુજરાતીઓ છે. કોઈપણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે આ મૂળ ભારતીયોનું સમર્થન ખુબ અગત્યનું છે.
- હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રંપે કહ્યું ભારત અને અમેરિકા એક સામાન છે...
''વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે કે ભારત અને અમેરિકાના સંબંધો કેટલા સારા સ્તરે પહોંચ્યા છે. આપણા બેઉ દેશોનું બંધારણ ત્રણ શબ્દોથી શરૂ થાય છે - વી ધ પીપલ.''
''આ દર્શાવે છે કે ભારત અને અમેરિકા એકસમાન છે. અમે અમારા નાગરિકો માટે સમર્પિત છીએ.''
''નરેન્દ્ર મોદીની યોજનાઓથી ભારતમાં 30 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા તે કમાલની વાત છે. આવનારા દસકામાં 14 કરોડ લોકો ભારતીય મધ્યમવર્ગમાં સામેલ થઈ જશે.''
''આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકા અને ભારતમાં લોકો સાધનસંપન્ન થઈ રહ્યા છે, કેમ કે આપણે નોકરશાહી અને લાગવગશાહીથી આવનારી અડચણો પર લગામ લગાવી છે.''
- નમસ્તે ટ્રંપમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ફરી દુનિયા સામે મોદીને નમસ્તે કર્યું...
દુનિયાની સૌથી મોટી લોકશાહીના નેતા નરેન્દ્ર મોદી, દુનિયાના સૌથી શક્તિશાળી દેશના નેતા ડોનાલ્ડ ટ્રંપ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના મોટેરામાં મળ્યા.
મોટેરા સ્ટેડિયમની સીટિંગ કૅપેસિટી કરતાં પણ વધુ એટલે કે સવા લાખથી વધુ લોકોથી ભરચક હતું. અને ઍરપૉર્ટથી સ્ટેડિયમ વાયા ગાંધી આશ્રમના રસ્તાની બંને બાજુ લોકો, બાળકો અને કલાકારો ટ્રંપ-મોદીની જોડીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું.
હાઉડી મોદી' ટ્રમ્પ માટે પહેલો અનુભવ હતો. 'નમસ્તે ટ્રમ્પ'ના બીજા અનુભવથી ટ્રંપ નતમસ્તક થઈ ગયા.
નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં ટ્રંપે પોતાના ભાષણમાં દુનિયા સામે ચાવાળા મોદીની વાત કરી, ભારત સહિત દુનિયાભરમાં મોદીના પ્રભાવની વાત કરી, મોદીની રાજકીય સુજબૂજ અને વૈશ્વિક સ્તરે મોદીની કૂટનીતિની વાત કરી.
એટલું જ નહીં ટ્રંપે મોદીનાં વિકાસ કાર્યોની ગાથા વર્તવી. આ સાથે ટ્રંપે સ્વામી વિવેકાનંદ, બોલીવૂડ- ફિલ્મ- સોલે અને દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગેની વાત કરી. ટ્રંપે પોતાના ભાષણમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર, વર્તમાન સમયના ક્રિકેટ કિંગ કહેવાતા વિરાટ કોહલીની વાત કરી. ટ્રંપે દિવાળી, હોળી અને નવરાત્રિ સહિતના તહેવારોની ઉજવણી સાથે ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિના વખાણ કર્યાં.
- સમગ્ર વિશ્વને ભારતના પ્રધાનમંત્રી મોદી પાસે ઘણી આશઓ છેઃ બરાક ઓબામા આઠ વર્ષ સુધી વિશ્વના સૌથી તાકતવાર દેશના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા પોતાના પરિવાર સાથે દલ્હીમાં પ્રધાનમંત્રી મોદીના મહેમાન બન્યા હતાં.
એ પહેલાં બરાક વર્ષ 2015માં ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થવા ભારત આવ્યા હતા. અગાઉ મોદી અને ઓબામા કેટલીય વાર મળી ચૂક્યા છે.
2015માં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ઘણી વાતો કહી હતી. બરાક ઓબામાએ પ્રધાનમંત્રી મોદીના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ સાથે ગરીબી, શિક્ષણની સ્થિતિને સુધારવા બાબતે પર્યાવરણ અને સ્ત્રી સશક્તિકરણની યોજનાના ખૂબ વખાણ કર્યા હતા.
જેમાં તેમણે લખ્યુ હતુ કે પ્રધાનમંત્રી મોદી 1 અરબથી અધિક લોકોને આગળ વધારનાર નેતા છે. તેમના અદભૂત નેતૃત્વને કારણે ભારત વૈશ્વિક ફલક પર ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વ ભારતના પ્રધાનમંત્રી મોદીને ઘણી આશાઓ સાથે જોઈ રહ્યુ છે. બરાક ઓબામા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ છે જે ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થયા હતા. આ પહેલાં જળવાયું કરાર માટે પણ ઓબામા લાંબા સમય સુધી મોદીને મનાવતા રહ્યાં હતા તે વાત પણ કોઈનાથી છુપાયેલી નથી.
- જો બાઈડેન અને કમલા હેરિસની જોડી પણ છે મોદીથી પ્રભાવિત...
ડોનાલ્ડ ટ્રંપને હરાવીને અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ બનેલા જો બાઈડેને શુભેચ્છા પાઠવીને પ્રધાનમંત્રી મોદીએ લખ્યું છે કે, "તમારી શાનદાર જીત માટે શુભેચ્છાઓ. એક ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ભારત-અમેરિકાના સંબંધોને લઈને તમે કરેલા યોગદાન પ્રશંસનીય છે.
મને ફરી એકવાર ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે તમારી સાથે કામ કરવામાં ખુશી મળશે." ભારતીય મૂળના કમલા હેરિસને પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યાં.
- અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેનનો ટૂંકો પરિચય...
જો બાઈડેનનું આખું નામ જોસેફ રોબનેટ બાઈડન જુનિયર છે. તેમનો જન્મ 20 નવેમ્બર, 1942એ પેન્સિલ્વેનિયા રાજ્યના સ્કેંટનમાં થયો હતો. તેમના પિતા કેથોલિક આયરિશ મૂળના હતા. જેમનું નામ જોસેફ રોબનેટ બાઈડેન હતું, તેમની માતાનું નામ કેથરીન યુજીન ફિનનેગન હતું.
જો બાઈડેનના કુલ ત્રણ ભાઈ અને બહેન છે. જેમાં જો બાઈડેન સૌથી મોટા છે. જો બાઈયન ઓબામાની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતાં. 78 વર્ષના જો બાઈડેન વર્ષ 2021ની 20મી જાન્યુઆરીએ સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળશે. આટલી મોટી ઉંમરે અમેરિકી રાષ્ટ્રપતિ બનનારા તેઓ પહેલાં નેતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે