ટ્રુડોનું ખાલિસ્તાનીઓને સમર્થન કેનેડા માટે ઘાતક; ભારત-કેનેડાના સંબંધ બગાડવામાં કેવી છે પાકિસ્તાનની ભૂમિકા?
આગામી ચૂંટણીઓ પહેલાં જ કનેડાની જનતાએ ટ્રુડોનો વિકલ્પ પણ શોધી લીધો છે. એવામાં હવે કનેડાનું મીડિયા ટ્રુડોનો ખરો ચહેરો દુનિયા સામે લાવી રહી છે. હવે કેનેડાના પ્રચાર માધ્યમોએ પણ ટ્રુડોને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી છે. ટ્રુડો પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે. ભારત અને કેનેડાના સંબંધો બગાડવામાં પાકિસ્તાનની ભૂમિકાનો પણ પર્દાફાશ થઈ ગયો છે.
Trending Photos
ઝી મીડિયા/નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકીઓને સમર્થન આપીને કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડો જ્યાં ભારત સાથેના સંબંધ બગાડી બેઠા છે, ત્યાં હવે કેનેડાના પ્રચાર માધ્યમોએ પણ ટ્રુડોને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી છે. ટ્રુડો પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે. ભારત અને કેનેડાના સંબંધો બગાડવામાં પાકિસ્તાનની ભૂમિકાનો પણ પર્દાફાશ થઈ ગયો છે.
ખાલિસ્તાન સમર્થક આતંકીઓ માટે ભારત સાથે સંબંધ બગાડીને જસ્ટીન ટ્રુડોએ પોતાની પ્રાથમિકતા જાહેર કરી દીધી છે. અંગત રાજકી સ્વાર્થ માટે તેમના આ વલણની સમગ્ર કેનેડામાં ટીકા થઈ રહી છે. આગામી ચૂંટણીઓ પહેલાં જ કનેડાની જનતાએ ટ્રુડોનો વિકલ્પ પણ શોધી લીધો છે. એવામાં હવે કનેડાનું મીડિયા ટ્રુડોનો ખરો ચહેરો દુનિયા સામે લાવી રહી છે.
જે આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ટ્રુડોએ ભારતને જવાબદાર ઠેરવ્યું છે, તે જ નિજ્જરના પુત્રએ કેનેડાના મીડિયામાં એક મોટો ખુલાસો કર્યો છે. નિજ્જરના પુત્ર બલરાજ નિજ્જરનો દાવો છે કે તેના પિતા સપ્તાહમાં બે વખત કેનેડાની જાસૂસી એજન્સીના અધિકારીઓને મળતા હતા. નિજ્જરની હત્યાના એક-બે દિવસ પહેલાં પણ આ મુલાકાત થઈ હતી. બલરાજનો દાવો છે કે તે તેના પિતા અને કેનેડા પોલીસની બેઠકમાં પણ હાજર હતો, આ બેઠકમાં પોલીસે હરદીપસિંહ નિજ્જરને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી.
એટલે કે કેનેડાની જાસૂસી એજન્સીઓને પહેલાથી શંકા હતી કે નિજ્જરની હત્યા થઈ શકે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે પોલીસને શંકા કોના પર હતી. ટ્રુડોએ જ્યાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યાં તેઓ આ દાવાના પુરાવા રજૂ નથી કરી શક્યા. જો કે હવે એવી વાત પણ સામે આવી રહી છે કે નિજ્જરની હત્યામાં પાકિસ્તાનનો હાથ છે.
ભારત અને કેનેડાના સંબંધ વણસે તેવી મેલી મુરાદ સાથે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIએ નિજ્જરની હત્યા કરાવી છે. સૂત્રોનું માનીએ તો ISI નિજ્જર પર કેનેડામાં પ્રવેશેલા ગેંગસ્ટર્સને મદદ કરવાનું દબાણ કરતી હતી. જો કે નિજ્જરનો ઝુકાવ ખાલિસ્તાનના જૂના નેતાઓ પ્રત્યે હતો. નિજ્જરે વાત ન માનતા ISIએ તેને રસ્તામાંથી કાયમ માટે હટાવી દીધો, હવે ISI નિજ્જરનો વિકલ્પ શોધી રહી છે.
ISI કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને ફંડિંગ પૂરું પાડે છે, એ વાત જગજાહેર છે. નિજ્જરના પાકિસ્તાન સાથેના કનેક્શનના પણ પૂરતા પુરાવા છે. એટલે કે પાકિસ્તાનની જાસૂસી એજન્સી કેનેડામાં ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, પણ કેનેડાના પ્રધાનમંત્રી કાર્યવાહી કરવાની જગ્યાએ આતંકીઓની આળપંપાળ કરી રહ્યા છે, તેમને રાજકીય છત્રછાયા પૂરી પાડે છે. આ જ કારણ છે કે હવે કનેડાનું મીડિયા પણ ટ્રુડો, પાકિસ્તાન અને ખાલિસ્તાની આતંકીઓનો ખરો ચહેરો ઉજાગર કરી રહ્યું છે.
કેનેડાના અગ્રણી અખબાર નેશનલ પોસ્ટના એક તંત્રી લેખમાં લખાયું છે કે, અફઘાનિસ્તાનમાં જ્યારે શીખ સમુદાય આતંકના માહોલમાં ફસાઈ ગયો હતો, ત્યારે ભારતે તેમને બચાવીને પોતાના દેશમાં શરણાર્થીનો દરજ્જો આપ્યો હતો. કથિત શીખ રક્ષકો (ખાલિસ્તાનીઓ) કે કેનેડાએ ત્યારે કંઈ નહતું કર્યું. પાકિસ્તાનમાં શીખ સમુદાય પર અત્યાચાર કરાય છે, ત્યારે ભારત તેમના માટે અવાજ ઉઠાવે છે અને સમર્થન આપે છે. આ અત્યાચાર પર કથિત શીખ રક્ષકો મૌન સાધી લે છે, કેમ કે તેમને પાકિસ્તાનથી પૈસા મળે છે. તેથી તેઓ ક્યારેય પાકિસ્તાન પાસેથી જમીન લેવાની વાત નથી કરતા, કેમ કે હકીકત એ પણ છે કે પાકિસ્તાનના પંજાબમાં મોટી સંખ્યામાં શીખો વસતા હતા. આમાંથી કેટલાક શીખ વિભાજન બાદ ભારતના પંજાબમાં આવી ગયા.
કેનેડાના અખબારે લખેલી બાબતો ફક્ત ભારત જ નહીં, દુનિયાભરમાં વસતો દરેક શીખ જાણે છે અને સમજે છે. શીખ સમુદાયે ખાલિસ્તાનની ચળવળને ક્યારેય ટેકો નથી આપ્યો. ફક્ત મુઠ્ઠીભર આતંકીઓ પાકિસ્તાનના ફંડિંગ પર વિદેશી ધરતી પર પોતાનો એજન્ડા ચલાવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે કેનેડા જેવા વિકસિત દેશનો પ્રધાનમંત્રી આતંકીઓને આશ્રય અને પ્રોત્સાહન આપે છે.
ભારતે નિજ્જર સહિતના ઘણા ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ કેનેડાને પુરાવા સોંપ્યા છે, પણ કેનેડાને તેમના વિરુદ્ધ તપાસ કરવાની કોઈ જરૂર નથી જણાતી. તેનું કારણ એ છે કે ટ્રુડોની સરકારમાં કેટલાક મંત્રીઓ ખાલિસ્તાન સમર્થકો છે. કનેડામાં સામાન્ય ચૂંટણીઓ હવે દૂર નથી, ત્યારે ટ્રુડો આ મંત્રીઓને ખુશ રાખીને તેમનું સમર્થન મેળવવા આતંકીઓ સામે કાર્યવાહી નથી કરી રહ્યા. હદ તો ત્યારે થાય છે જ્યારે ટ્રુડો ખાલિસ્તાની આતંકીઓની સાથે હિટલરના નાઝીવાદનું પણ સમર્થન કરી બેઠાં. તાજેતરમાં જ કેનેડાની સંસદમાં નાઝિઓ તરફથી લડનાર પૂર્વ સૈનિકનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ મામલે કેનેડાની સંસદમાં જ વિવાદ થતા ટ્રુડોએ સંસદ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગવી પડી છે.
આ તમામ બાબતો એ વાતની સાબિતી છે કે ટ્રુડો આતંકવાદના સમર્થક છે. તેમનું આ વલણ સમગ્ર કનેડાને ભારે પડે તેમ છે. ટ્રુડો પોતે તો સુધરવાનું નામ નથી લેતાં, પણ કેનેડાની જનતા સમજી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે