શ્રીલંકામાં પહેલા પણ ઊભી થઈ હતી આવી સ્થિતિ, રાજીવ ગાંધીનો એક નિર્ણય...બન્યો તેમના મોતનું કારણ

શ્રીલંકામાં પહેલા પણ ઊભી થઈ હતી આવી સ્થિતિ, રાજીવ ગાંધીનો એક નિર્ણય...બન્યો તેમના મોતનું કારણ

શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ ચરમસીમાએ છે. આખી દુનિયાની નજર હાલ શ્રીલંકા પર છે. દેશના રાષ્ટ્રપતિ ગૂમ છે અને પ્રધાનમંત્રી રાજીનામું આપવા જઈ રહ્યા છે. જનતાએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના સરકારી આવાસ પર કબજો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ આવતી કાલે રાજીનામું આપે તેવું કહેવાઈ રહ્યું છે. ચારેબાજુ અરાજકતાનો માહોલ છે. અનેક નેતાઓ એવી સલાહ આપી રહ્યા છે કે ભારતે શ્રીલંકાની મદદ કરવી જોઈએ. અહીં તમને ખાસ જણાવવાનું કે આવું જ કઈક શ્રીલંકામાં ત્યારે પણ થયું હતું જ્યારે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ (LTTE) ના કારણે શ્રીલંકામાં ગૃહયુદ્ધ ચાલુ હતું. શ્રીલંકાએ ભારત પાસે મદદ માંગી અને તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ સેના મોકલી દીધી. શ્રીલંકામાં લોહિયાળ થયું અને અનેક ભારતીય સૈનિકો પણ શહીદ થયા. રાજીવ ગાંધીનો આ નિર્ણય આગળ જઈને તેમની હત્યાનું કારણ પણ બન્યું. 

શ્રીલંકામાં સિંહાલીની વસ્તી વધુ છે. જ્યારે તમિલ લઘુમતીમાં છે. LTTE એ આ તમિલોની લડત લડવા માટે હથિયાર ઉઠાવ્યા હતા અને શ્રીલંકામાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું. વર્ષ 1983માં LTTE એ શ્રીલંકાની સેનાના 13 જવાનને મોતન ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને શ્રીલંકામાં તમિલો વિરુદ્ધ હિંસા ભડકી ગઈ. સેના અને LTTE વચ્ચે યુદ્ધ જેવા હાલાત બની ગયા. LTTE એ જાફના પર કબજો જમાવી લીધો હતો. 

LTTE નો કહેર જોતા શ્રીલંકાની સરકારે ભારત સરકાર પાસે મદદ માંગી હતી. 29 જુલાઈ 1987ના રોજ રાજીવ ગાંધીના નેતૃત્વવાળી ભારત સરકાર અને શ્રીલંકા વચ્ચે શાંતિ સમજૂતિ પર હસ્તાક્ષર કરાયા હતા અને ભારતે શ્રીલંકામાં પોતાની સેના મોકલી હતી. બંને દેશો વચ્ચે થયેલા આ કરારનો હેતુ LTTE અને તેના ચીફ વી.પ્રભાકરણને રોકવાનો હતો. 

આમી એક્શન રાજીવ ગાંધીની હત્યાનું બન્યું હતું કારણ
જુલાઈ 1987માં જ ભારતીય સેનાના જવાનો જાફના પહોંચવા લાગ્યા હતા. જો કે ભારતીય સેના માટે આ મિશન નિષ્ફળ સાબિત થયું અને ભારતના લગભગ 1200 સૈનિકો આ લડાઈમાં માર્યા ગયા હતા. ત્યારબાદ આ કરાર 1991માં રાજીવ ગાંધીની હત્યાનું કારણ પણ બન્યું. LTTE ના ઉગ્રવાદીઓએ ષડયંત્ર રચીને રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કર્યો. સ્યૂસાઈડ બોમ્બ દ્વારા કરાયેલા વિસ્ફોટમાં રાજીવ ગાંધીનું મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ અપડેટ...
શ્રીલંકાના લેટેસ્ટ હાલાતની વાત કરીએ તો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેમના પરિવારે ખુબ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આવું જ કઈક રાષ્ટ્રપતિના નાના ભાઈ બાસિલ રાજપક્ષે સાથે પણ જોવા મળ્યું. જ્યારે તેમણે મધરાતે દેશ છોડવાની કોશિશ કરી. તેઓ દેશ છોડવાની ફિરાકમાં હતાં અને મધરાતે કોલંબો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ઈમીગ્રેશન સ્ટાફે ડ્યૂટી કરવાની ના પાડી દીધી. એરપોર્ટ યુનિયને બાસિલ રાજપક્ષે વિરુદ્ધ ખુબ નારેબાજી કરી અને હંગામો કર્યો. બાસિલ રાજપક્ષે સિલ્ક રૂટનો ઉપયોગ કરીને શ્રીલંકાની બહાર જવા માંગતા હતા. પણ વિરોધના પગલે તેમણે પાછા ફરવું પડ્યું. બાસિલ રાજપક્ષે શ્રીલંકાના પૂર્વ નાણામંત્રી છે અને હાલમાં જ રાજીનામું આપ્યું હતું. 

શ્રીલંકામાં રાજપક્ષે પરિવાર વિરુદ્ધ ખુબ આક્રોશ છે. દાવો થઈ રહ્યો છે કે ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને ભાગી ગયા છે. જો કે સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેના પ્રવક્તાએ કહ્યું કે તેઓ હજુ દેશમાં જ છે. 73 વર્ષના ગોટાબાયા રાજપક્ષેએ હજુ ઔપચારિક રીતે રાજીનામું આપ્યું નથી. તેઓ ક્યાં છે તે કોઈને ખબર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news