માલદીવઃ સત્તાપલટો થતાં ભારતનું મહત્વ વધ્યું, સોલિહના ભાષણમાં માત્ર ભારત

માલદીવની ચૂંટણીમાં વિજય બાદ શનિવારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહનો શપથગ્રહણ સમારોહ હતો, જેમાં ભારતના એકમાત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું 

માલદીવઃ સત્તાપલટો થતાં ભારતનું મહત્વ વધ્યું, સોલિહના ભાષણમાં માત્ર ભારત

માલેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ સોલિહે શપથ લીધા બાદ તેમના ભાષણમાં વિશ્વના અનેક શક્તિશાળી દેશોનાં નામનો ઉલ્લેખ ન કરીને માત્ર ભારતનો જ ઉલ્લેખ કર્યો હતો. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર રાષ્ટ્રાધ્યક્ષ હતા, જેમને આ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ અગાઉ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે માલદીવની સંસદના અધ્યક્ષ કાસિમ ઈબ્રાહિમની સાથે અનેક વરિષ્ઠ અધિકારીઓ આવ્યા હતા. 

પીએમ મોદીએ નેશનલ સ્ટેડિયમમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધા બાદ ભારત સાથેના સંબંધો અંગે રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ સાથે વાટાઘાટો કરી હતી. મોદી અહીં અન્ય નેતાઓને પણ મળ્યા હતા. જેમાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ, મૌમુન અબ્દુલ ગયુમ, શ્રીલંકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગનો સમાવેશ થાય છે. 

નરેન્દ્ર મોદીના 2014માં ભારતના વડા પ્રધાન બન્યા બાદ માલદીવની આ પ્રથમ મુલાકાત હતી. 

વ્યૂહાત્મક દૃષ્ટિએ માલદીવ મહત્વનો દેશ
માદલીવમાં તાજેતરમાં થયેલી ચૂંટણી બાદ થયેલા સત્તા પરિવર્તનથી ચીનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ચીન પ્રત્યે નરમ વલણ ધરાવતા રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર અબ્દુલ્લા યામીનનો પરાજય થયો છે, જ્યારે ઈબ્રાહિમ મોમ્મદ સોલિહનો વિજય થયો છે, જેઓ ભારત તરફી વલણ ધરાવે છે. ચીન માલદીવમાં હસ્તક્ષેપ કરીને ભારતને ઘેરવા માગતું હતું. જે હવે શક્ય બનશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news