અફઘાનિસ્તાન મુદ્દે ડબલ ગેમ રમીને ખુશ થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમનો પર્દાફાશ થઈ ગયો છે. તે હવે વૈશ્વિક સ્તરે ભરોસાપાત્ર રહ્યું નથી.

અફઘાનિસ્તાન મુદ્દે ડબલ ગેમ રમીને ખુશ થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો

વોશિંગ્ટન: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમનો પર્દાફાશ થઈ ગયો છે. તે હવે વૈશ્વિક સ્તરે ભરોસાપાત્ર રહ્યું નથી. કદાચ આ જ કારણ છે કે બાઈડેન પ્રશાસને પાકિસ્તાન સાથેના સંબંધોનું નવેસરથી સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન એકબાજુ જ્યાં તાલિબાનના આતંકીઓની મદદ કરતું રહ્યું ત્યાં દુનિયાને એ પણ દેખાડતું રહ્યું કે તે અફઘાનિસ્તાન સરકારની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનની આ કરતૂતથી અમેરિકા ગુસ્સે ભરાયું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને અમેરિકી સદનમાં આ જાણકારી આપી. 

સદનમાં ચર્ચા દરમિયાન એન્ટની બ્લિંકને સ્વીકાર્યું કે પાકિસ્તાને બે બાજુથી રમત રમી છે. તેણે દુનિયાને ઉંઘે રવાડે ચડાવી. જે જોતા અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોની ફરીથી સમીક્ષા કરશે. આ સાથે જ નક્કી કરશે કે ક્ષેત્રમાં પાકિસ્તાને શું ભૂમિકા ભજવવાની છે. આ દરમિયાન અમેરિકી સાંસદોનો પણ પાકિસ્તાન પર ગુસ્સો જોવા મળ્યો. 

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમ હવે જગજાહેર થઈ ગઈ છે. પાકિસ્તાનની દગાબાજીના કારણે બાઈડેન પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકો બે દાયકાથી ચાલી રહેલા પાકિસ્તાનના ખેલને લઈને નારાજ છે. બ્લિંકને આ સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાને હક્કાની સહિત તાલિબાની આતંકીઓને શરણ આપી. બીજી બાજુ તે આતંકવાદ વિરુદ્ધ પણ અનેક જગ્યાએ સહયોગ કરતું જોવા મળ્યું. તેની ભૂમિકા અને હિત પરસ્પર વિરોધી છે. 

બ્લિંકને એમ પણ કહ્યું કે તાલિબાન શાસિત સરકારને માન્યતા કે કોઈ મદદ જોઈએ તો તેણે આતંરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. આગળ જઈને પાકિસ્તાન સહિત તમામ દેશોને અમેરિકા તે અપેક્ષાઓથી માહિતગાર કરાવશે. જો કે તમામ અમેરિકી સાંસદોએ પાકિસ્તાનની બેવડી ગેમને લઈને તેના પર કડક કાર્યવાહીની માંગણી કરી છે. 

કેટલાકે તેનો બિન-નાટો સહયોગી (MNNA) તરીકેનો દરજ્જો ખતમ કરવાની માંગણી કરી છે. તેને મળનારી નાણાકીય મદદને રોકવાનું પણ કહ્યું છે. પાકિસ્તાને અમેરિકાની પીઠમાં ખંજર ભોંક્યું છે. અફઘાનિસ્તાનમાં મોટા પાયે અમેરિકી સૈનિકોએ કુરબાની આપી. પાકિસ્તાન અમેરિકાને મદદના નામે અબજો ડોલર ડકારતું રહ્યું. પાકિસ્તાનને એ પણ ચેતવણી અપાઈ છે કે તે તાલિબાન સરકારને માન્યતા આપવામાં ઉતાવળ ન કરે. 

તાલિબાનનો દોસ્ત, અમેરિકાનો દુશ્મન
સેનેટર જેમ્સ રિસ્ચે સ્પષ્ટ કહ્યું કે જે પણ દેશ તાલિબાનનું સમર્થન કરે છે તેમના માટે  અમેરિકા સાથેના સંબંધો પર જોખમ છે. અનેક સાંસદોએ તો સીધી રીતે પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવાની પણ વાત કરી છે. જો કે અમેરિકી એન્ટરપ્રાઈઝમાં સિનિયર ફેલો માઈકલ રૂબિને લખ્યું હતું કે ચા પર વાતચીત દરમિયાન ISI ના પૂર્વ પ્રમુખે પણ ખુલાસો કર્યો હતો કે અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાન બંને બાજુથી રમત રમી રહ્યું છે. એક બાજુ તે તાલિબાનને મદદ કરી રહ્યું છે અને બીજીબાજુ અમેરિકા પાસેથી પોતાના સહયોગની ભારે રકમ પણ વસૂલી રહ્યું છે. આઈએસઆઈના દ્રષ્ટિકોણથી આ જેકપોટ લાગવા જેવું છે. 9/11 હુમલા બાદથી અમેરિકાએ પાકિસ્તાનને લગભગ 23 અબજ ડોલરની સુરક્ષા સહાયતા કરી અને વધારાની રકમ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news