કુલભૂષણ જાધવને ફરીથી કોન્સ્યુલર એક્સેસ આપવાનો પાકિસ્તાને કર્યો ઈન્કાર 

પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને પાકિસ્તાને ફરીથી કોન્સ્યુલર એક્સેસ સુવિધા આપવાની ના પાડી દીધી છે.

કુલભૂષણ જાધવને ફરીથી કોન્સ્યુલર એક્સેસ આપવાનો પાકિસ્તાને કર્યો ઈન્કાર 

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને પાકિસ્તાને ફરીથી કોન્સ્યુલર એક્સેસ સુવિધા આપવાની ના પાડી દીધી છે. આ અંગે અમારા સહયોગી WION ન્યૂઝ ચેનલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સવાલ કર્યો તો પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે ફરીથી મીટિંગ થશે નહીં. ભારતે આ મુદ્દે હજુ પ્રતિક્રિયા આપી નથી. 

આ અગાઉ પાકિસ્તાન સરકારે બે સપ્ટેમ્બરના રોજ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવી હતી. ભારતે પાકિસ્તાનના ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ગૌરવ આહલુવાલિયાને જાધવને મળવા મોકલ્યા હતાં. ગૌરવ આહલુવાલિયા અને કુલભૂષણ જાધવ વચ્ચે અઢી કલાક મુલાકાત ચાલી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાને બંનેની મુલાકાત કોઈ અજાણ્યા સ્થળે કરાવી હતી. આ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. પાકિસ્તાન તરફથી બિનશરતી કોન્સ્યુલર એક્સેસની વાત થઈ હતી. આ મુલાકાત  બાદ ભારતે કહ્યું કે મુલાકાત દરમિયાન જાધવ દબાણમાં જોવા મળ્યા હતાં. સમગ્ર રિપોર્ટ આવ્યાં બાદ કાર્યવાહી કરીશું. પાકિસ્તાન દ્વારા  કુલભૂષણ જાધવ પર ખોટા આરોપોને કબુલ કરવાનું દબાણ છે. કુલભૂષણ જાધવ માટે ન્યાયની કોશિશ ચાલુ રહેશે. જાધવને ભારત સુરક્ષિત પાછા લાવવાની કોશિશ પણ ચાલુ રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવના માતા સાથે વાત કરી હતી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભારત લગભગ 3 વર્ષથી કુલભૂષણ જાધવના કોન્સ્યુલર એક્સેસ લેવાની કોશિશ કરી રહ્યું હતું. ભારતના રિટાયર્ડ નેવી અધિકારી જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. ત્યારબાદ ભારત આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ ગયું હતું. કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી હતી. આ વર્ષ જુલાઈમાં આઈસીજેએ પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે તે જરાય વાર કર્યા વગર જાધવને કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવે. 

(સિદ્ધાંત સિબ્બલના ઈનપુટ સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news