પાકિસ્તાન દબાણમાં: હાફિઝના જમાત અને FIF સહિત 70 આતંકી સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

સોમવાર સુધી એનસીટીએની વેબસાઈટ પર આ સંગઠનોને દેખરેખ હેઠળની યાદીમાં રાખવામાં આવ્યા હતા, હવે મંગળવારે તેમને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં સામેલ કરાયા છે 

પાકિસ્તાન દબાણમાં: હાફિઝના જમાત અને FIF સહિત 70 આતંકી સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનને આખરે આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા અને તેના સહયોગી સંગઠન ફલાહ-એ-ઈન્સાનિયર ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવાની ફરજ પડી છે. જમાત-ઉદ-દાવા મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનું સંગઠન છે. પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનયિમ-1997 અંતર્ગત આ કાર્યવાહી કરી છે. તેની સાથે જ કુલ 70 આતંકવાદી સંગઠનને પ્રતિબંધિત યાદીમાં નાખવામાં આવ્યા છે. 

સોમવાર સુધી એનસીટીએની વેબસાઈટ પર આ સંગઠનોને દેખરેખ હેઠળની યાદીમાં રાખવામાં આવ્યા હતા, હવે મંગળવારે તેમને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં સામેલ કરાયા છે. આ અગાઉ, બપોરે પાકિસ્તાન આતંકવાદી મસૂદ અઝહરના ભાઈ અને પુત્ર સહિત કુલ 44 આતંકીઓની ધરપકડ કરી ચૂક્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર દબાણ પેદા કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભારતે હવાઈ હુમલો કરીને પીઓકેમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓનો સફાયો કરી નાખ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાન પર વૈશ્વિક દબાણ પણ બનવા લાગ્યું હતું. આમ, વૈશ્વિક દબાણને પગલે પાકિસ્તાન છેલ્લા બે દિવસથી આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરી રહ્યું છે. 

પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠનોની યાદી

પાકિસ્તાન સરકારની રાષ્ટ્રીય આતંકવાદ નિરોધી એજન્સીની વેબસાઈટ મુજબ જેયુડી અને એફઆઈએફ સંગઠન આતંવાદ વિરોધી અધિનિયમ-1997ની બીજી અનુસુચીની ધારા 11-ડી(1) અંતર્ગત ગૃહમંત્રાલયની દેખરેખ હેઠળ છે. આ વેબસાઈટને સોમવારે જ અપડેટ કરવામાં આવી હતી. એનસીટીએની વેબસાઈટ અનુસાર, જેયુડી અને એફઆઈએફને દેખરેખ હેઠળ રાખવામાં આવનારા સંગઠનોની યાદીમાં નાખવાનું જાહેરનામું 21 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. 

આ અગાઉ પાકિસ્તાને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો પર મોટી કાર્યવાહી કરતાં મંગળવારે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ મુફ્તી રઉફ અઝહર અને તેના પુત્ર હમઝા અઝહરને કસ્ટડીમાં લીધા છે. આંતરિક બાબતોના મંત્રી શહરયાર આફ્રિદીએ જણાવ્યું કે, વિશ્વ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પુલવામા હુમલા બાદ ભારતે સોંપેલા ડોઝિયરનો અભ્યાસ કરી રહ્યું છે. કુરેશીએ જૈશ-એ-મોહમ્મદના વડા મોલાના મસૂદ અઝહરના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની યાદીમાં નામ હોવા અંગે જીઓ ન્યૂઝને જણાવ્યું કે, "પાકિસ્તાન 12 માર્ચના રોજ કેટલાક મહત્વનાં નિર્ણય લેવાનું છે. અમે આ નિર્ણયની અત્યંત નજીક પહોંચી ગયા છીએ. અમે પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં તમાશો બનાવ દેવા માગતા નથી. જોકે, કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઘરેલુ હિતધારકોને વિશ્વાસમાં જરૂર લઈશું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news