લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝકીઉર-રહમાન લખવીની ધરપકડ
Zaki-ur-Rahman Lakhvi arrested: પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ચીફ ઝકી-ઉર-રહમાન લખવીની ટેરર ફન્ડિંગ મામલામાં ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ચીફ ઝકી-ઉર-રહમાન લખવીની ટેરર ફન્ડિંગ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓને આર્થિક મદદ પહોંચાડવાના આરોપમાં પાકિસ્તાનના પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેની ધરપકડને મુંબઈ હુમલા સાથે કોઈ સંબંધ નથી.
પાકિસ્તાનના પંજાબ આતંક વિરોધી વિભાગના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે કે લખવીની લાહોરમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તે ડિસ્પેન્સરીના નામ પર મળેલા ફંડનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરતો હતો. તેને વર્ષ 2008માં મુંબઈ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદી જાહેર કર્યો હતો.
પાકિસ્તાન હંમેશા કરે છે નાટક
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી બ્લેકલિસ્ટ થવાના ડરથી બચવા માટે પાકિસ્તાન આ પ્રકારના નાટક કરતું રહે છે. આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીના નામ પર ઇસ્લામાબાદ સમયે-સમયે આતંકીઓ પર કાર્યવાહીનો દેખાડો કરે છે. આ પહેલા નવેમ્બરમાં પાકિસ્તાનની એફઆઈએએ મોસ્ટ વોન્ટેડની યાદીમાં મુંબઈ હુમલામાં સામેલ 11 આતંકીઓના નામને સામેલ કર્યા હતા.
મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ
મહત્વનું છે કે 26 નવેમ્બર 2008ના પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓની મદદથી લશ્કર એ તૈયબાના આતંકીઓએ મુંબઈમાં ઘણા સ્થળે હુમલા કર્યા હતા. આ આતંકી હુમલામાં ઘણા વિદેશી સહિત આશરે 155 લોકોના મૃત્યુ થયા હતા. આ હુમલાનો માસ્ટર માઇન્ડ ઝકીઉર રહમાન લખવી છે જેની પાકિસ્તાનમાં ધરપકડ કરાયા બાદ જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.
ભારતે ખોલી હતી પોલ
ભારતે પાકિસ્તાનની પોલ ખોલતા જણાવ્યું હતું કે પાકે FATFના એક્શન પ્લાનના 27 પાસાઓમાંથી માત્ર 21 બિંદુઓ પર કામ કર્યું છે. છ બિંદુઓ પર કામ કર્યું નથી. તે પણ બધા જાણે છે કે પાકિસ્તાન આતંકી સંગઠનો અને લોકોને આસરો આપી રહ્યું છે અને તેણે UNSCએ જણાવેલા મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ અને ઝકીઉર રહમાન લખવી જેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે