ભારતના આ પડોશી દેશે વાયરસને પછાડવા માટે ફટાફટ નાગરિકોને આપી દીધુ 'કોરોના કવચ' જાણો કઈ રીતે?

નવાઈની વાત એ છે કે આ દેશને ભારતે જ વિનામૂલ્યે રસી આપી હતી. જેનો ઉપયોગ કરીને તેણે પોતાના 93 ટકા વયસ્ક નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કર્યા. તેની આ સફળતાથી મોટા મોટા દેશો પણ અચંબિત થઈ ગયા છે. 

ભારતના આ પડોશી દેશે વાયરસને પછાડવા માટે ફટાફટ નાગરિકોને આપી દીધુ 'કોરોના કવચ' જાણો કઈ રીતે?

નવી દિલ્હી: ભારત જ્યારે કોરોનાના ભીષણ કહેર સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે તે જ સમય સુધીમાં તેનો પાડોશી દેશ ભૂટાન પોતાના 93 ટકા લોકોનું રસીકરણ કરી ચૂક્યો છે. આ નાનકડા પહાડી દેશની સફળતા પર દુનિયાના મોટા મોટા દેશો છક થઈ ગયા છે. ભૂટાનના અનેક વિસ્તારો તો એવા છે કે ત્યાં જવા માટે રસ્તાઓ પણ ઉપલબ્ધ નથી. બર્ફીલી નદીઓ અને ઊંચા ઊંચા પહાડોથી ઘેરાયેલા આ દેશે ભારત તરફથી વિનામૂલ્યે મળેલી રસીથી સફળતાની નવી કહાની લખી નાખી છે. 

અત્યાર સુધીમાં 93 ટકા વયસ્ક વસ્તીનું થયું રસીકરણ
ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બનેલી ઓક્સપોર્ડ એસ્ટ્રાજેનેકા રસીની શીશીઓ ગત મહિને હેલિકોપ્ટરથી આ દેશમાં પહોંચી હતી. ત્યારબાદ આ પહાડી દેશે રસીકરણ ડ્રાઈવ શરૂ કરવા માટે સમગ્ર દેશના સ્વાસ્થ્યકર્મીઓને તૈનાત કર્યા. આ લોકોએ એક ગામથી બીજા ગામ સુધી ક્યારેક બરફ તો ક્યારેક નદીઓને ચીરતા રસીકરણનું કામ ચાલુ રાખ્યું. જેનું પરિણામ એ આવ્યું કે આ દેશમાં કુલ વસ્તીના 93 ટકા વયસ્કોમાં અત્યાર સુધી કોરોનાના રસીના ડોઝ પહોંચી ગયા છે. 

ઊંચા પહાડો અને બર્ફીલી નદીઓ પણ અટકાવી શક્યા નહીં
દુનિયાથી કપાયેલા અને અલગ થલગ રહેતા ભૂટાનના ગ્રામીણ વિસ્તારોના લોકોને રસીકરણ માટે મનાવવામાં પણ સ્વાસ્થ્યકર્મીઓને ખુબ પરેશાની આવી. લોકલ વોલેન્ટિયર્સ અને સ્વાસ્થ્યકર્મીઓએ વિસ્તારના મુખિયાઓ સાથે મળીને લોકોને સમજાવ્યું કે રસી લેવાથી કોઈ આડઅસર નહીં થાય અને તે સ્વાસથ્ય જાળવવા માટે ખુબ જરૂરી છે. 

માર્ચના અંતમાં શરૂ થયું હતું રસીકરણ
ગત શનિવાર સુધી આ બૌદ્ધ ધર્મના લોકોની બહુમતી ધરાવતા દેશમાં 4,48,000થી વધુ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સંખ્યા અહીંની કુલ વયસ્ક વસ્તીના 60 ટકાથી વધુ છે. આ બાજુ ભૂટાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે તેમણે પોતાની વયસ્ક વસ્તીના 93 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દીધો છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આ દેશમાં 1200 રસીકરણ કેન્દ્રો પર રસી પહોંચી ગઈ હતી. 

રસીકરણમાં દુનિયામાં છઠ્ઠા નંબરે ભૂટાન
ન્યૂયોર્ક ટાઈમ્સના ડેટાબેસ મુજબ શનિવાર સુધીમાં ભૂટાનમાં પ્રતિ 100 લોકોમાંથી 63 લોકોને રસી મળી ગઈ હતી. કોવિડ રસીકરણનો આ દર દુનિયામાં છઠ્ઠા નંબરે છે. સ્પષ્ટ અર્થ  છે કે દુનિયામાં ફક્ત પાંચ દેશ એવા છે જેમણે પોતાની વસ્તીને ભૂટાનથી વધુ વેક્સિનેટ કરી છે. ભૂટાનનો આ દર ભારતથી સાત ગણો અને વૈશ્વિક સરેરાશથી છ ગણો વધુ છે. 

ભૂટાનને ભારતે આપી હતી રસી
ભૂટાનના સ્વાસ્થ્ય મંત્રી ડેશો ડેચેન વાંગમોએ આ સફળતાનો શ્રેય રાજા અને લોકોને આપ્યો. તેમણે કહ્યું કે લોકોએ રસી લેવામાં કોઈ ખચકાટ અનૂભવ્યો નહીં. રાજાના નિર્દેશ પર સમગ્ર રસીકરણ અભિયાન ખુબ જ પ્રભાવી રીતે ચાલ્યું. ભૂટાનના રસીકરણમાં સૌથી મોટી વાત એ છે કે આ દેશમાં જેટલી પણ કોરોના રસી અપાઈ છે તેને ભારતે દાન કરી છે. આ રસીને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બનાવી છે. ભૂટાનની સરકારે કહ્યું કે તે પહેલા દોર બાદ લગભગ 8થી 12 સપ્તાહ બાદ બીજો ડોઝ આપવાની યોજના ઘડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફ માટે ભૂટાનમાં કામ કરનારા વિલ પાર્કર્સે પણ આ અભિયાનને ખુબ બિરદાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news