જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી, ભારતનો પાસપોર્ટ 79મા ક્રમે
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી(IATA) દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીને આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વનાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસન સ્થળનો સમાવેશ કરવામાં આવે છે
Trending Photos
ટોકિયોઃ જાપાન સતત બીજા વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચના સ્થાને રહ્યું છે. આ યાદીમાં ભારતના પાસપોર્ટનો ક્રમ 79મો છે. હેલની પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા વર્ષ 2019ના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી બહાર પાડવામાં આવી છે. આ સંસ્થા નિયત સમયાંતરે દરેક દેશના પ્રવાસ દસ્તાવેજની ક્યાં સુધી પહોંચ છે તેની ચકાસણી કરી છે. વર્ષ 2019માં પણ જાપાન ટોચના સ્થાને રહ્યું છે, કેમ કે તેના પાસપોર્ટના આધારે વિશ્વના 190 દેશનો પ્રવાસ ખેડી શકાય છે અને ત્યાં તમારે દસ્તાવેજની વધુ જરૂર પડતી નથી.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે વિશ્વના પાસપોર્ટની ક્ષમતા અંગે એક સૂચકાંક બહાર પાડે છે. આ સૂચકાંક એ આધારે બહાર પાડવામાં આવે છે કે, તમે એક પાસપોર્ટ પર કેટલા દેશનો પ્રવાસ કોઈ પણ જાતના વધારાના દસ્તાવેજ વગર કરી શકો છો. આ વર્ષે દક્ષિણ કોરિયાએ ઓક્ટોબર મહિનાના સૂચકાંક બાદ એક પોઈન્ટનો કૂદકો મારીને સિંગાપોરની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. સિંગાપોર આ યાદીમાં બીજા સ્થાને છે. બીજા સ્થાને રહેલા સિંગાપોર અને દ.કોરિયાના પાસપોર્ટ પર 189 દેશનો પ્રવાસ ખેડી શકાય છે.
એશિયામાં ચીને સૌથી મોટો કૂદકો માર્યો છે. ચીન વર્ષ 2017માં 85મા ક્રમે હતું, જે આ વર્ષે 20 ક્રમનો કૂદકો મારીને 69મા ક્રમે આવી ગયું છે. ભારતના પાસપોર્ટનો ક્રમ 79મો છે અને ભારતીય પાસપોર્ટ પર અત્યારે 61 દેશનો પ્રવાસ ખેડી શકાય છે.
યુરોપિયન દેશોએ અત્યંત સુંદર પ્રદર્શન કર્યું છે, જેમાં યુરોપિયન સંઘના દેશો (નોર્વે અને અમેરિકા)એ પણ ટોચના ત્રણ રાષ્ટ્રો પછી સ્થાન હાંસલ કર્યું છે. જોકે, યુનાઈટેડ કિંગડમ અને અમેરિકાના ક્રમમાં નુકસાન થયું છે.
હેનલી એન્ડ પાર્ટનર્સ ગ્રૂપના ચેરમેન ક્રિશ્ચન કેલિન કે જેમણે આ પાસપોર્ટ સૂચકાંક તૈયાર કર્યો છે તેમણે જણાવ્યું કે, "વિશ્વના દેશો દ્વારા પોતાના દેશમાં પ્રવેશ માટેના દરવાજા ખુલ્લા મુકવાની નીતિનો સીધો ફાયદો વૈશ્વિક અર્થતંત્રને બિલિયન ડોલરમાં થયો છે. આ સાથે જ સમગ્ર વિશ્વમાં રોજગારની તકો પણ વધી છે."
(વિશ્વના વિવિધ દેશોના પાસપોર્ટઃ ફોટો સાભાર વેબસાઈટ-હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ)
હેનલી એન્ડ પાર્ટનર્સની આ યાદી આર્થિક સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતા સૂચકાંકમાંની એક છે, જેમાં તેમનાં દેશના નાગરિકોને પાસપોર્ટ પર કેટલા દેશના પ્રવાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી(IATA) દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીને આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વનાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસન સ્થળનો સમાવેશ કરવામાં આવે છે.
જ્યારે પણ કોઈ દેશની વિઝા નીતિમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે હેનલી પાસપોર્ટ સૂચકાંકને તાત્કાલિક ધોરણે અપડેટ કરવામાં આવતો રહે છે. એટલે કે, વિશ્વનાં દેશોની વિઝા નીતિ તેમના પાસપોર્ટની શક્તીને દર્શાવે છે.
ટોચના 10 દેશ જેમનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે
ક્રમ, દેશ (કેટલા દેશમાં માન્ય)
1. જાપાન (190 દેશમાં માન્ય)
2. સિંગાપોર, દ.કોરિયા (189 દેશમાં માન્ય)
3. જર્મની, ફ્રાન્સ (188 દેશમાં માન્ય)
4. ડેનમાર્ક, ફિનલેન્ડ, ઈટાલી, સ્વિડન (187 દેશમાં માન્ય)
5. સ્પેન, લક્ઝમબર્ગ (186 દેશમાં માન્ય)
6. ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, નોર્વે, પોર્ટૂગલ, યુકે, યુએસ, સ્વિટ્ઝરલેન્ડ (185 દેશમાં માન્ય)
7. બેલ્જિયમ, કેનેડા, ગ્રીસ, આયર્લેન્ડ (184 દેશમાં માન્ય)
8. ચેઝ રિપબ્લિક (183 દેશમાં માન્ય)
9. માલ્ટા (182 દેશમાં માન્ય)
10. ઓસ્ટ્રેલિયા, આઈસલેન્ડ, ન્યૂઝિલેન્ડ (181 દેશમાં માન્ય)
સૌથી તળિયાના 5 દેશ
ક્રમ, દેશ (કેટલા દેશમાં માન્ય)
104: અફઘાનિસ્તાન, ઈરાક (30 દેશમાં માન્ય)
103: સોમાલિયા, સીરિયા (31 દેશમાં માન્ય)
102: પાકિસ્તાન (33 દેશમાં માન્ય)
101: યમન (37 દેશમાં માન્ય)
100: એરિટ્રિયા (38 દેશમાં માન્ય)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે