શું પૃથ્વી પર આવી ચુક્યા છે એલિયન? વનવગડામાં વિશાળ ચાંદીનો થાંભલોઓ દેખાતા સમગ્ર વિશ્વમાં ચકચાર

અમેરિકાના વિશાળ અને ભેંકાર ઉટાહના રણમાં અચાનક દેખાયેલો ભેદી થાંભલો ત્યાંથી ગુમ થયા બાદ તેનાથી 9500 કિલોમીટર દૂર યુરોપના રોમાનિયામાં દેખાયો અને ત્યાંથી પણ ગણતરીના કલાકોમાં ગાયબ થઈ ગયો. હવે ફરીથી તે અમેરિકામાં દેખાયો છે પણ અલગ જ સ્થળે!

શું પૃથ્વી પર આવી ચુક્યા છે એલિયન? વનવગડામાં વિશાળ ચાંદીનો થાંભલોઓ દેખાતા સમગ્ર વિશ્વમાં ચકચાર

કુંતલ સોલંકી/વોશિંગ્ટન : અમેરિકાના વિરાન અને અનંત એવા ઉટાહના રણમાં આકાશી ખાલીપાને ખૂંદી રહેલાં હેલિકોપ્ટરના ક્રૂએ અચાનક નીચે આંજી નાખી તેવી ઝગમગતી ચીજ જોઈ અને નીચે ગયા તો તેમને મળ્યો રહસ્યમયી, ભેદી, ચકરાવે ચઢાવતો, સંભવતઃ સ્ટીલનો બનેલો થાંભલો. આ હેલિકોપ્ટર ક્રૂના સભ્યોએ સમજી ન શક્યા કે આ વિરાન રણમાં સાવ આવી ભેંકાર જગ્યાએ કોઈએ બબ્બે માથોડા ઊંચો આ થાંભલો અહીં શા માટે લગાવ્યો છે. કોઈ એનું કારણ આપી શકે એમ ન હતું. આ ક્રૂએએ વિસ્મયકારક થાંભલાની ફોટોગ્રાફી કરી તેને ઈન્ટરનેટ પર વહેતું કર્યું. ઈન્ટરનેટ પર આ ભેદી ઘટનાક્રમ આગની માફક વાયરલ થઈ ગયો. 

હજુ એની ચર્ચા ચાલતી જ હતી ત્યાં કોઈએ નવા ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર મુક્યાં. આ વખતે ફોટોગ્રાફ હતાં એ જ થાંભલાને કોઈ હટાવી રહ્યું હતું. જે વ્યક્તિએ આ ફોટોગ્રાફ લઈ લીધાં એણે પ્રત્યક્ષ રીતે જોયા પ્રમાણે ચાર ભેદી વ્યક્તિઓએએ થાંભલાને કાઢીને ત્યાંથી લઈ ગયા. દરમિયાન કોઈની પણ ઓળખ છતી થઈ ન શકી. ચર્ચાનો દોર ચાલ્યો કે શું આ કોઈ એલિયન કે પછી એ પ્રકારના કોઈ ભેદી પ્રોજેક્ટનો ભાગ છે. આખરે શું કારણ હોય શકે કે આવો સ્ટીલનો લાગતો ધાતુનો બે માથોડા ઊંચો થાંભલો આવી રીતે રણ વચાળે કોઈ નાખી જાય અને પછી પાછો કાઢી પણ જાય. 

જો કે એની પણ ભાળ મળી શકી નહીં બધા કયાસ જ લગાવી રહ્યાં હતાં. કોઈએ ઈન્ટરનેટ પર લખ્યું કે આ થાંભલો એવો જ છે જેવો હોલિવૂડ મૂવી 2001: સ્પેસ ઓડિસીમાં દર્શાવાયો હતો. થાંભલો હેલિકોપ્ટરના ક્રૂએ જોયો એ સૌથી પહેલી ઘટના હતી. એ તારીખ હતી 18મી નવેમ્બરની. એ પછી થોડાક જ દિવસોમાં એ થાંભલો હટાવી લેવાયો અને ત્યાં જ નવો ફણગો ફૂટ્યો. નોર્થ અમેરિકાના ઉટાહના રણથી છેક યુરોપના મધ્યમાં આવેલાં રોમાનિયામાં એવો જ ધાતુનો એક થાંભલો દેખાયો એ પણ રહસ્યમય રીતે એક ભેંકાર જગ્યા પર અચાનક જ જોવા મળ્યો. 


(કેલિફોર્નિયાના પાઈન પર્વત પર દેખાયો ભેદી થાંભલો)

ઘણાં બધાં લોકો આ સ્થળે પણ પહોંચીને તેનો ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર મુકવા લાગ્યાં. હજું વધુ કંઈ બહાર આવે તે પહેલાં ત્યાંથી પણ થાંભલો ગાયબ થઈ ગયો. જી હા, રોમાનિયાના એ પર્વત પરથી પણ થાંભલો અચાનક અદ્રશ્ય થઈ ગયો. ત્યાં જ હવે સમાચાર મળી રહ્યાં છે કે, કેલિફોર્નિયાના પાઈન પર્વત પર એક વિરાન જગ્યાએ ફરી એક થાંભલો દેખાયો છે. પાઈન પર્વત પર પહોંચીને ઘણાં બધાં લોકોએ આ થાંભલાની તસવીરો ખેંચી છે. તેને ઈન્ટરનેટ પર શેર પણ કરી રહ્યાં છે. 


(રોમાનિયાના પહાડ પર દેખાયો ભેદી થાંભલો)

જો કે લોકો ચર્ચા એ પણ કરી રહ્યાં છે કે બહુ જલદી આ થાંભલો પણ ગાયબ થઈ જશે. પણ આવું શા માટે થઈ રહ્યું છે? કોણ આવું કરી રહ્યું છે? શા માટે આવું થઈ રહ્યું છે? શું આ કોઈ અંતરિક્ષને લગતી વાત છે? શું આ કોઈ એલિયનની હરકત છે? શું આ કોઈ ભેદી પ્રોજેક્ટનો ભાગ છે? કે પછી કોઈ ટીખળખોરો આ કરી રહ્યાં છે ? આવા અનેક સવાલોના જવાબ શોધવા ગડમથલ ચાલી રહી છે. જોવાનું એ છે કે હવે આ થાંભલો આગળ ક્યાં જોવા મળે છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news