ભત્રીજીના એક પુસ્તકે ડોનાલ્ડ ટ્રમ્પની ઊંઘ ઉડાવી દીધી? લાખો કોપી વેચાઈ, જાણો શું લખ્યું છે તેમાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ભત્રીજીના પુસ્તકની બજારમાં એન્ટ્રી થતા જ છવાઈ ગયું છે. પહેલા જ દિવસે આ પુસ્તકની લગભગ 10 લાખ કોપીઓ વેચાઈ ગઈ. આ પુસ્તકમાં મેરી ટ્રમ્પે (Mary Trump)રાષ્ટ્રપતિને લઈને અનેક ખુલાસા કર્યા છે. વ્યવસાયે મનોવૈજ્ઞાનિક મેરી ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ ટ્રમ્પની પુત્રી છે. 
ભત્રીજીના એક પુસ્તકે ડોનાલ્ડ ટ્રમ્પની ઊંઘ ઉડાવી દીધી? લાખો કોપી વેચાઈ, જાણો શું લખ્યું છે તેમાં

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ભત્રીજીના પુસ્તકની બજારમાં એન્ટ્રી થતા જ છવાઈ ગયું છે. પહેલા જ દિવસે આ પુસ્તકની લગભગ 10 લાખ કોપીઓ વેચાઈ ગઈ. આ પુસ્તકમાં મેરી ટ્રમ્પે (Mary Trump)રાષ્ટ્રપતિને લઈને અનેક ખુલાસા કર્યા છે. વ્યવસાયે મનોવૈજ્ઞાનિક મેરી ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ ટ્રમ્પની પુત્રી છે. 

'ટુ મચ એન્ડ નેવર ઈનફ: હાઉ માય ફેમિલી ક્રિએટેડ ધ વર્લ્ડસ મોસ્ટ ડેન્જરસ મેન' (Too Much and Never Enough: How My Family Created the World's Most Dangerous Man) પુસ્તકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અંગેના અનેક રહસ્યોનો પર્દાફાશ થયો છે. આથી એવું કહેવાય છે કે ચૂંટણીના સમયે આ પુસ્તક ટ્રમ્પ માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે અને વિરોધીઓ તેમને નિશાન બનાવી શકે છે. 

મેરીએ પોતાના પુસ્તકમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિશે લખ્યું છે કે તે ખુબ ઘમંડી અને અજ્ઞાની છે. જો કે વ્હાઈટ હાઉસે પુસ્તકમાં લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારતા આ તેને જૂઠ્ઠાણા ગણાવ્યાં. પુસ્તકના પ્રકાશક સાઈમન એ્ડ શૂસ્ટર પબ્લિશિંગ હાઉસ તરફથી કહેવાયું કે મંગળવારે આ પુસ્તકની 9,50,000 કોપીઓ વેચાઈ ગઈ જેમાં પ્રી ઓર્ડરની સાથે સાથે ઓડિયો અને ડિજિટલ આવૃત્તિ પણ સામેલ છે. 

બાળપણથી જવાની સુધીના કિસ્સા
225 પાનાના આ પુસ્તકમાં મેરીએ ટ્રમ્પના બાળપણથી લઈને ઘણું બધુ લખ્યું છે. તેમના પુસ્તકમાં લખ્યું છે કે 'ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પિતા ફ્રેડી ટ્રમ્પ સીનિયરે બરબાદ કર્યાં. તેઓ ટ્રમ્પને હેરાન કરતા હતાં, તેમને પ્રેમને અર્થ ખબર નહતી, તેઓ ફક્ત આજ્ઞાનું પાલન ઈચ્છતા હતાં અને ડોનાલ્ડે જબરદસ્તીથી તેમની વાત માનવી પડતી હતી.' મેરીએ ટ્રમ્પના કોલેજના દિવસોનો પણ ઉલ્લેખ કર્યો છે. તે લખે છે કે 'ટ્રમ્પે પોતાની જગ્યાએ SAT ટેસ્ટ આપવા માટે પોતાના એક મિત્રને પૈસા આપ્યા હતાં અને તે મિત્રના કારણે જ તેમના સારા માર્ક્સ આવ્યાં હતાં. ટ્રમ્પ પાસે પૈસાની કોઈ કમી નહતી. આથી તેઓ પોતાના મિત્રો પર ખુબ ખર્ચ કરતા હતાં.'

મહિલાઓ સાથેના સંબંધો પર ખુલાસો
ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજીએ મહિલાઓ સાથેના તેમના સંબંધ ઉપર પણ પ્રકાશ ફેંક્યો છે. મેરીએ લખ્યું છે કે જે મહિલાઓ ટ્રમ્પ સાથે ડેટ પર જવાની ના પાડતી હતી તેમના નામ ટ્રમ્પ એક યાદીમાં ઉમેરતા હતાં. એટલું જ નહીં મેરી ટ્રમ્પે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે 'જ્યારે હું 29 વર્ષની હતી ત્યારે ટ્રમ્પે એ જાણવા છતાં કે હું તેમની ભત્રીજી છું છતાં મારા શરીરને લઈને પણ ભદ્દી ટિપ્પણી કરી હતી.' 

રોક લગાવવાની ઈચ્છા પૂરી ન થઈ
પુસ્તકના બજારમાં આવતા પહેલા જ તેને લઈને ટ્રમ્પ પરિવારમાં બેચેની વધી ગઈ હતી. રાષ્ટ્રપતિના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પે પુસ્તકને પ્રકાશિત થતું અટકાવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે મેરીએ પોતાના દાદાની સંપત્તિની વહેંચણી બાદ 2001માં થયેલા એક કરારનો ભંગ કર્યો છે પરંતુ કોર્ટે પુસ્તક પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો. 

પુસ્તકને મળેલા જબરદસ્ત રિસ્પોન્સને જોતા સાઈમન એન્ડ શૂસ્ટરે વધુ કોપીઓ છાપવાનો આદેશ આપી દીધો છે. આ પુસ્તક કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં એમેઝોનના વેચાણ ચાર્ટમાં સૌથી ઉપર પહોંચી ગયું છે. જાણકારોનું કહેવું છે કે આ પુસ્તક તમામ રેકોર્ડ તોડી શકે છે. 

જુઓ LIVE TV

કોણ છે મેરી ટ્રમ્પ
મેરી ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાઈ ફ્રેડ ટ્રમ્પ જૂનિયરની પુત્રી છે. તેમના પિતાનું 1981માં મોત થયું હતું. 55 વર્ષની મેરી હાલ પુત્રી સાથે ન્યૂયોર્કમાં રહે છે. તેણે એડવાન્સ્ડ સાઈકોલોજિકલ સ્ટડીના ડર્નર ઈન્સ્ટિટ્યૂટથી પીએચડીની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તે ક્લિનિકલ સાઈકોલોજીની પણ કોચ રહી ચૂકી છે. અહેવાલો મુજબ મેરી ન્યૂયોર્કમાં ટ્રમ્પ કોચિંગ ગ્રુપમાં વ્યવસાયિક લાઈફ કોચ છે. 

મેરીના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ સારા રહ્યાં નથી. આ જ કારણ છે કે 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તેમણે ટ્રમ્પના પ્રતિસ્પર્ધિ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટરનના સમર્થનમાં અનેક ટ્વિટ કર્યા હતાં. હવે એકવાર ફરીથી ચૂંટણી અગાઉ તેમણે પોતાના પુસ્તક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news