અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે કટોકટી લાગુ કરી, મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવાશે
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી દીધી અને કહ્યું કે ગેરકાયદેસર ઈમીગ્રન્ટ્સના ધસારાથી દેશને બચાવવા માટે આ જરૂરી છે. આ પગલાથી અમેરિકા-મેક્સિકોની સરહદે દીવાલ નિર્માણ માટે ફેડરલ ફંડમાંથી અબજો ડોલર જારી થઈ શકે છે. ટ્રમ્પના આ પગલાને ડેમોક્રેટ્સ અને અધિકાર સંગઠનોએ ગેરકાયદે અને બંધારણીય શક્તિઓનો દૂરઉપયોગ ગણાવ્યું છે.
રાષ્ટ્રપતિએ રોઝ ગાર્ડનમાં પત્રકારોને જણાવ્યું કે કટોકટીની જાહેરાતનું આ પગલું ગેરકાયદે ઈમીગ્રેન્ટ્સ, અપરાધીઓ તથા માદક પદાર્થોના તસ્કરોથી દેશને બચાવવા માટે જરૂરી હતું.
અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વાર્ષિક સ્ટેટ ઓફ યુનિયનના સંબોધનમા બદલા, પ્રતિકાર, પ્રતિશોધના રાજકારણને ફગાવવાનું આહ્વાન કર્યું હતું. ટ્રમ્પે કાયદેસરના ઈમીગ્રન્ટ્સને વખાણતા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે લોકો અમેરિકા આવે, પરંતુ તેમણે કાયદેસર રીતે આવવું પડશે. ટ્ર્મ્પે પોતાના ભાષણમાં અમેરિકા- મેક્સિકો સરહદે દીવાલ બનાવવાનું પણ વચન આપ્યું હતું.
તેમણે કહ્યું કે રૂમમાં હાજર મોટાભાગના લોકોએ દીવાલ બનાવવાના પક્ષમાં મતદાન કર્યું. પરંતુ દીવાલ હજુ સુધી બની નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું કે અમેરિકી રોજગાર અને ધનની ચોરી બંધ થવી જોઈએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોંગ્રેસને યુએસ રેસીપ્રોકલ ટ્રેડ એક્ટ પસાર કરવાની પણ વાત કરી. જેનાથી તેમને વધુમાં વધુ ટેક્સ લગાવવાની સ્વતંત્રતા મળે. તેમણે જણાવ્યું કે ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉન સાથે તેઓ 27-28 ફેબ્રુઆરીના રોજ વિયેતનામમાં મુલાકાત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે