ચીને દુનિયાને બતાવી તાકાત, બનાવ્યું એવું રડાર જે રાખશે ભારતના ખૂણે-ખૂણા પર નજર
લિયુએ જણાવ્યું કે, જહાજમાં ફીટ થઈ શકે એવા આ OTH રડારે પીપલ્સ લિબરેશન આર્મીને એક મોટા વિસ્તાર પર દેખરેખ રાખવા માટે સક્ષમ બનાવી છે
Trending Photos
બીજિંગઃ ચીને એક અત્યાધુનિક સમુદ્રી રડાર વિકસાવ્યું છે, જે ભારત જેટલા આકાર ધરાવતા વિસ્તાર પર દેખરેખ રાખવા માટે સક્ષમ છે. ચીની મીડિયાએ બુધવારે આ માહિતી આપી હતી. હોંગકોંગ સ્થિત 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'માં ચીનના 'ઓવર ધ હોરિઝન' (OTH) રડાર કાર્યક્રમનો ભાગ રહેલા વૈજ્ઞાનિકોના હવાલાથી જણાવ્યું કે, ઘરેલુ સ્તરે વિકસાવાયેલી આ રડાર પ્રણાલી ચીનના નૌકાદળને સમુદ્ર પર દેખરેખ રાખવામાં સક્ષમ બનાવશે. તે દુશ્મનાં યુદ્ધ જહાજ, વિમાન અને મિસાઈલ વગેરેના ખતરાને વર્તમાન ટેક્નોલોજીની સરખામણીમાં વહેલાસર ઓળખી કાઢશે.
પોસ્ટે જણાવ્યું કે, 'ભારતના આકાર જેટલા મોટા વિસ્તાર પર દેખરેખ રાખવામાં આ નવું રડાર સક્ષમ છે.' ચીનની આ નવી રડાર ટેક્નોલોજીનો વિકાસ ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સિસના શિક્ષણશાસ્ત્રી લિયુ યોંગતાનના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લિયુ અને એક અન્ય સૈન્ય વૈજ્ઞાનિક કિયાન ક્વિહૂને તેમના યોગદાન માટે મંગળવારે વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવતા ટોચના પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
લિયુએ જણાવ્યું કે, જહાજમાં ફીટ થઈ શકે એવા આ OTH રડારે પીપલ્સ લિબરેશન આર્મીને એક મોટા વિસ્તાર પર દેખરેખ રાખવા માટે સક્ષમ બનાવી દીધી છે. તેમણે જણાવ્યું કે, પારંપરિક ટેક્નોલોજીની મદધથી અમારી સેના સમુદ્રી વિસ્તારના માત્ર 20 ટકા ભાગ પર જ દેખરેખ રાખી શકતી હતી. નવી ટેક્નોલોજીની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખી શકાશે.
અખબારમાં લખવામાં આવ્યું છે કે, આ રડાર દક્ષિણ ચીન સમુદ્ર, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર સહિત મહત્વનાં વિસ્તારોમાં ચીનના નૌકાદળની માહિતી એકઠી કરવાની ક્ષમતાને વધારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે