VIDEO: ભાઈ-બહેનની જોડીએ વિશ્વવિખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કર્યું સાહસિક 'રોપ વોક'
'ફ્લાયિંગ વોલેન્ડસ' સરકસના કલાકાર નીક અને લિજાના વોલેન્ડાએ 1300 ફૂટની ઊંચાએ ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઈમ્સસ્ક્વેર ખાતે 42મી અને 47મી સ્ટ્રીટ વચ્ચે દોરડા પર ચાલીને લોકોને અચંબામાં નાખી દીધા હતા
Trending Photos
ન્યૂયોર્કઃ 'ફ્લાયિંગ વોલેન્ડસ' નામથી ઓળખાતી ભાઈ-બહેનની જોડીએ ન્યૂયોર્કના વિશ્વવિખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે બે બિલ્ડિંગ વચ્ચે 25મા માળે બાંધેલા દોરડા પર ચાલીને ફરી એક વખત વિશ્વને અચંભિત કરી દીધું છે.
સાહસિક કાર્ય માટે પ્રખ્યાત એવા નીક વાલેન્ડા અને તેની બહેન લિજાના વાલેન્ડાએ આ અદમ્ય સાહસનું કાર્ય કર્યું હતું. તેમના સાહસને બિરદાવવા માટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે હજારોની સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા. 'ફ્લાયિંગ વોલેન્ડસ' સરકસના કલાકાર નીક અને લિજાના વોલેન્ડાએ 1300 ફૂટની ઊંચાએ ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઈમ્સસ્ક્વેર ખાતે 42મી અને 47મી સ્ટ્રીટ વચ્ચે દોરડા પર ચાલીને લોકોને અચંબામાં નાખી દીધા હતા.
ભાઈ-બહેનની જોડીએ રવિવારે રાત્રે શ્વાસ થંભાવી દે તેવું આ સ્ટન્ટ કર્યું હતું. 2017માં 30 ફૂટની ઊંચાઈએથી પડી ગયા પછી લિજાના આ પ્રથમ વખત પરફોર્મ કરી રહી હતી. ભાઈ નીકે 2 નંબરના ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ પરથી રાત્રે 9.30 કલાકે સૌ પ્રથમ દોરડા પર ચાલવાનું શરૂ કર્યું હતું. તેની બહેન લિજાનાએ સામેના છેડે આવેલી 1 નંબરની ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ પરથી એક મિનિટ પછી દોરડા પર ચાલવાનું શરૂ કર્યું હતું.
Stunt siblings Nik and Lijana Wallenda cross Times Square on a high wire 25 stories up. More here: https://t.co/4Ej3CIOpj0 pic.twitter.com/QVQdr7eknk
— Reuters Top News (@Reuters) June 24, 2019
આ સમગ્ર ઈવેન્ટનું એબીસી બ્રોડકાસ્ટ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. બંને ભાઈ-બહેન એક-બીજા સાથે વાતો કરતા-કરતા દોરડા પર સામ-સામે ચાલીને આવતા હતા. લિજાના ગીત ગાતી હતી અને તેના પિતા સાથે વાતો કરતી હતી. 17 મિનિટ સુધી દોરડા પર ચાલ્યા પછી બંને ભાઈ-બહેન સામ-સામે આવીને ઊભા રહી ગયા હતા. આથી, લિજાના દોરડા પર બેસી ગઈ હતી અને ભાઈ નિકે તેના પર થઈને આગળ પસાર થયો હતો.
બંને ભાઈ-બહેને એક બીજાને ક્રોસ કર્યું ત્યાર પછી લિજાનાને ખ્યાલ આવ્યો કે તેણે હાથમાં જે બંબુ પકડ્યો છે તે ખોટો છે. જોકે, તેમ છતાં તેણે હિંમત હાર્યા વગર સ્ટન્ટ પૂરો કર્યો હતો અને સામેના છેડા પહોંચી હતી. નીકે જણાવ્યું કે, તેના માટે આ એક સ્વપ્ન હતું. તેના પરિવારે 1928માં મેડિસન સ્ક્વેર ખાતે દોરડા પર ચાલીને એક વિક્રમ સ્થાપ્યો હતો. તેના દ્વારા કરવામાં આવેલા આ સ્ટન્ટ પરિવારને શ્રદ્ધાંજલિ હતો. બંને ભાઈ-બહેનોએ આ સ્ટન્ટ માટે શહેરની મંજૂરી લેવાની શરતોને આધીન સુરક્ષાની સાંકળ પણ પહેરી હતી.
નિક અને લિજાના ગ્રેટ વાલેન્ડાસ પરિવારની સાતમી પેઢીના સંતાન છે. તેમના દાદાના દાદા કાર્લ વાલેન્ડા જર્મનીથી અમેરિકા આવ્યા હતા અને એ સમયે રિંગલિંગ બ્રધર્સ તથા બર્નમ એન્ડ બેલી સર્કસમાં વિવિધ કરતબો દેખાડતા હતા. કાર્લ વાલેન્ડાની 73 વર્ષની વયે 1978માં પ્યર્ટો રિકો ખાતે બે બિલ્ડિંગ વચ્ચે દોરડા પર ચાલતા સમયે અકસ્માતમાં મોત થયું હતું.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે