યુદ્ધ વચ્ચે થયો હતો પુતિનની હત્યાનો પ્રયાસ, યુક્રેને રચ્યું હતું ષડયંત્રઃ દાવો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ થયો પરંતુ તેઓ બચી ગયા. આ દાવો યુક્રેનના એક ટોપ સૈન્ય અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. 

યુદ્ધ વચ્ચે થયો હતો પુતિનની હત્યાનો પ્રયાસ, યુક્રેને રચ્યું હતું ષડયંત્રઃ દાવો

કિવ/મોસ્કોઃ જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચર્ચામાં છે. લોકો આ યુદ્ધ માટે રશિયન રાષ્ટ્રપતિને જવાબદાર માની રહ્યાં છે. રશિયાએ જ્યારથી યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી ઘણા દાવા કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે વધુ એક સનસનીખેજ દાવો સામે આવ્યો છે. યુક્રેનના એક સૈન્ય અધિકારીએ દાવો કર્યો કે બે મહિના પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે બચી ગયા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

હકીતતમાં યુક્રેનના એક સૈન્ય અધિકારીએ આ દાવો યુક્રેની ઓનલાઇન ન્યૂઝ એજન્સીને કર્યો છે. યુક્રેનના ડિફેન્સ ઇન્ટેલિજન્સના પ્રમુખ મેજર જનરલ કાયરલો બુડાનોવે જણાવ્યુ કે આ નિષ્ફળ પ્રયાસ કાકેશન નામની જગ્યા પર કરવામાં આવ્યો હતો. આ જગ્યા કાલા સાગર અને કેસ્પિયન સાગરની વચ્ચે છે. અધિકારીએ કહ્યું કે રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલા બાદ આ પ્રયાસ થયો જેમાં પુતિન બચી ગયા. રશિયાએ યુક્રેન પર આક્રમણનો પ્રયાસ વધારી દીધો છે, ત્યારે આ દાવો સામે આવ્યો છે. તો છેલ્લા કેટલાક દિવસથી પુતિનના સ્વાસ્થ્યને લનને પણ અનેક સમાચારો આવી રહ્યાં છે.

યુક્રેનની ન્યૂઝ એજન્સીએ તે પણ કહ્યું કે, સૈન્ય અધિકારીએ અનેક મુદ્દા પર વાત કરી, તેમનું ઈન્ટરવ્યૂ જલદી પ્રસારિત કરવામાં આવશે. એક અન્ય વાત સામે આવી કે બુડાનોવ તે અધિકારી છે, જેણે હાલમાં એક ન્યૂઝ સાથે ઈન્ટરવ્યૂમાં ભવિષ્યવાણી કરી હતી કે આ યુદ્ધ ઓગસ્ટ સુધી મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી જશે અને વર્ષના અંત સુધી સમાપ્ત થઈ જશે. જેથી રશિયાના નેતૃત્વમાં પરિવર્તન આવશે. 

પુતિનના સ્વાસ્થ્યને લઈને ચાલી રહી છે ચર્ચા
છેલ્લા કેટલાક દિવસથી દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન બીમાર છે. મે મહિનાની શરૂઆતમાં મોસ્કોમાં વિજય દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુતિન પણ પહોંચ્યા હતા. ત્યારે દાવો કરવામાં આવ્યો કે પુતિનને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસથી રશિયાના રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news