અમેરિકાએ દુનિયાના 'જગત જમાદાર' બનવાનો કોન્ટ્રાક્ટ નથી લીધોઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાંથી અમેરિકાની સેનાને પાછી ખેંચી લેવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું કે, આઈએસને હરાવવા માટે અમેરિકન સૈન્યને ત્યાં વધુ સમય સુધી રાખી શકાય નહીં 

અમેરિકાએ દુનિયાના 'જગત જમાદાર' બનવાનો કોન્ટ્રાક્ટ નથી લીધોઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, "અમેરિકાએ દુનિયાના 'જગત જમાદાર' બનવાનો કોન્ટ્રાક્ટ લીધો નથી." અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રથમ મહિલા મેલેનિયા સાથે સ્થાનિક સમયાનુસાર સાંજે લગભગ 7.16 કલાકે ઈસાકના અલ અસદ સૈનિક થાણા ખાતે અચાનક આવી પહોંચ્યા હતા. અહીં મીડિયાએ જ્યારે તેમને સીરિયામાંથી અમેરિકન સૈન્યને પાછું ખેંચી લવાના કારણ અંગે સવાલ પુછ્યો ત્યારે ટ્રમ્પે આવો જવાબ આપ્યો હતો. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાંથી અમેરિકાની સેનાને પાછી ખેંચી લેવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું કે, આઈએસને હરાવવા માટે અમેરિકન સૈન્યને ત્યાં વધુ સમય સુધી રાખી શકાય નહીં. સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના યોદ્ધાઓ સામે લડવા માટે આંતરરાષ્ટ્રિય ગઠબંધન સેના અંતર્ગત અમેરિકાના લગભગ 2000 સૈનિકો છે. 

ટ્રમ્પે જણાવ્યું કે, "અમેરિકાના જનરલે ફરી વખત કહ્યું હતું કે, શું અમને વધુ સમય મળી શકે છે? મેં ના પાડી કે તમને વધુ સમય મળશે નહીં. પહેલાથી જ પુરતો સમય અપાયો છે. આપણે તેમને હાંકી કાઢ્યા છે." ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એર્દોગન સાથે પણ વાતચીત કરી છે અને તે સકારાત્મક રહી છે. અમારા વચ્ચે આઈએસ અંગે પણ ચર્ચા થઈ હતી. 

અમેરિકાએ જગત જમાદાર બનવાનો કોન્ટ્રાક્ટ નથી લીધોઃ ટ્રમ્પ
ટ્રમ્પે જણાવ્યું કે, "અમેરિકા દુનિયાની સુરક્ષા કે દેખરેખ રાખવાનું ચાલુ રાખી શકે એમ નથી. આ યોગ્ય નથી કે બધો જ ભાર અમેરિકાના માથે નાખી દેવામાં આવે." ઈરાકના પોતાના પ્રવાસ અંગે ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાના સૈનિકોએ અદભૂત કામ કર્યું છે. તેમની સેવાઓ અને બલિદાનો માટે તેમનો આભાર વ્યક્ત કરવા અહીં આવ્યો છું. ટ્રમ્પ બુધવારે ઈરાકના વડા પ્રધાનને મળવાના હતા, પરંતુ કોઈ કારણોસર મુલાકાત થઈ શકી ન હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કરી ટ્વીટ
ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "મેલેનિયા અને હું ઈરાકના અલ અસર સૈનિક થાણા પર અમારા સર્વશ્રેષ્ઠ સૈનિકો વચ્ચે પહોંચીને ગર્વ અનુભવી રહ્યા છીએ. ભગવાન અમેરિકા પર કૃપા દૃષ્ટિ જાળવી રાખે." ટીવી ચેનલ અનુસાર ટ્રમ્પની અચાનક ઈરાની આ મુલાકાત માત્ર બે કલાકની રહી અને તેઓ અહીં ઈરાકના એક પણ નેતાને મળ્યા વગર પાછા રવાના થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news