અફઘાનિસ્તાનના ગાઝી શહેરમાં આત્મઘાતી હુમલો, 12નાં મોત, 170થી વધુ ઘાયલ
ગાઝી શહેરમાં આવેલી નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઓફિસ પાસે વહેલી સવારે લગભગ 8.30 કલાકે એક કારમાં વિસ્ફોટકો ભરીને આત્મઘાતી હુમલો કરાયો હતો
Trending Photos
ગાઝીઃ અફઘાનિસ્તાનના ગાઝી શહેરમાં આવેલી નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઓફિસ પાસે રવિવારે વહેલી સવારે લગભગ 8.30 કલાકે એક કારમાં વિસ્ફોટકો ભરીને આત્મઘાતી હુમલો કરાયો હતો. આ હુમલામાં 12 લોકોનાં મોત થયા હતા અને 179 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના નાગરિકો છે. તાલિબાનોએ આ હુમલાની જવાબદારી સ્વિકારી છે.
અમેરિકાના મધ્યસ્થી અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ સાથે હાલ દોહામાં તાલિબાનોની વાટાઘાટો ચાલી રહી છે, તે દરમિયાન આ હુમલો કરાયો છે. આ વાટાઘાટોમાં તાલિબાનો અમેરિકા દ્વારા મુકવામાં આવેલી કેટલીક શરતોનો ઈનકાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વાટાઘાટોના 7 રાઉન્ડ પુરા થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નિકળી જવા મુદ્દે તલિબાનો દ્વારા પણ કેટલીક શરતો મુકવામાં આવી છે.
રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાં તાલિબાનો દ્વારા ગાઝીમાં આવેલી નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઓફિસને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં માર્યાગયેલા લોકોમાં મોટાભાગના એનડીએસના સુરક્ષા કર્મચારી હતા.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ હુમલાને 'માનવતા પર કાયરતાપૂર્ણ હુમલો' જણાવ્યો હતો. ઘનીએ જણાવ્યું કે, આ હુમલો કરીને તાલિબાનોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની કથની અને કરનીમાં ઘણું અંતર છે. એક તરફ તેઓ કતરમાં શાંતિની વાટાઘાટો કરી રહ્યા છે અને બીજી તરફ નિર્દોષ નાગરિકોનું લોહી વહાવી રહ્યા છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે