માત્ર ઉપર છલ્લા સમાચાર નહીં પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...
મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને આપવામાં આવતા છૂટાછેડાને અપરાધ ઠેરવનારું બિલ રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, "આજે ભારત માટે ખુશીનો દિવસ છે." રાજ્યસભામાં બિલની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતિ ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાયો છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે."
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."