પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડશે-અરુણ જેટલી
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નિવાસ સ્થાન 7 લોક કલ્યાણમાર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મહત્વની બેઠક થઈ. બેઠક બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક થઈ. આ બેઠકમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. પુલવામાની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરાઈ. વિદેશ મંત્રાલય આ મામલે લેવાનારા પગલાં અંગે સમય સમય પર જાણકારી આપતું રહેશે. ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેચ્યો છે. વાણીજ્ય મંત્રાલય આ અંગે સૂચના બહાર પાડશે. સુરક્ષાદળો સુરક્ષા અંગે પગલાં લેશે. જે લોકોએ આ આતંકી ઘટનાને અંજામ આપ્યો છે અને જે લોકોએ તેનું સમર્થન કર્યું છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષાદળો આકરી કાર્યવાહી કરશે. ગૃહ મંત્રી કાશ્મીર જશે અને તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે.