જાહેર સ્થળ પર ફોન ચાર્જમાં મુકવો કે wifi વાપરવું પડી શકે છે ભારે, જાણો શું છે કારણ
જો તમે કોઈ પણ વ્યક્તિનું ટૂથ બ્રશ વાપરશો તો શક્યતા છે કે એ વ્યક્તિની બિમારી આ બ્રશના માધ્યમથી તમારામાં આવી શકે છે. બસ એવી જ રીતે કોઈ પણ જગ્યા પર ચાર્જિંગ કેબલ કે પછી કોઈ અન્ય ચાર્જરમાં મોબાઈલ ચાર્જ કરશો તો શક્યતા છે કે તમારો મોબાઈલ ફોન હેક થઈ શકે છે.
જાહેર ચાર્જિંગ પોર્ટ, wifiના ઉપયોગથી સાવધાન
આ ભૂલ કરશો તો તમારો મોબાઈલ ડેટા થઈ શકે છે ચોરી
હેકર્સથી બચવા ફોન માત્ર પોતાના ચાર્જરથી ચાર્જ કરો
હેકર્સથી બચવા સાયબર એક્સપર્ટની શું છે ખાસ ટિપ્સ?
Trending Photos
હાર્દિક મોદી, અમદાવાદ: 21મી સદીમાં મોબાઈલ ફોન વગર જીવન અશક્ય બરાબર થઈ ગયુ છે. એમાંય કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ ચરમસીમા પર પહોંચી ગયો છે. ત્યારે હવે મોબાઈલમાં સૌથી વધુ અગત્યનું કઈક છે તો તે છે ફોનનો ડેટા, ફોનની બેટરી અને ચાર્જિંગની વ્યવસ્થા. તમને ફોન ચાર્જ કરવો છે, એ તમારી જરૂરિયાત છે, અને આ જ જરૂરિયાતનો સાયબર ગઠિયાઓ ગેરલાભ ઉઠાવે છે. શું તમે કોઈપણ જાહેર સ્થળે મોબાઈલ ચાર્જિંગ કરો છો? શું તમને પણ ગમે ત્યાં મફતમાં મળતા WiFi ડેટા વાપરવાની આદત છે? તો ચેતી જજો નહીં તો રોવાનો વારો આવશે.
કોઈ પણ જાહેર સ્થળ પર મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હોય છે. અને સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા લોકો આવી મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થાની શોધમાં જ રહેતાં હોય છે. બસ હોય કે ટ્રેન, સ્ટેશન હોય કે પાર્ક દરેક કોઈપણ સ્થળે ચાર્જિંગન પોર્ટ દેખાય એટલે મોબાઈલ રસિયાઓ તુરંત પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં લગાવી દેતાં હોય છે. બસ ત્યાંથી શરૂ થાય છે સાયબર ગઠિયાઓનું ષડયંત્ર. સામાન્ય ભાષામાં કહું તો જો તમે કોઈ પણ વ્યક્તિનું ટૂથ બ્રશ વાપરશો તો શક્યતા છે કે એ વ્યક્તિની બિમારી આ બ્રશના માધ્યમથી તમારામાં આવી શકે છે. બસ એવી જ રીતે કોઈ પણ જગ્યા પર ચાર્જિંગ કેબલ કે પછી કોઈ અન્ય ચાર્જરમાં મોબાઈલ ચાર્જ કરશો તો શક્યતા છે કે તમારો મોબાઈલ ફોન હેક થઈ શકે છે.
કેવી રીતે થઈ શકે છે તમારો ફોન હેક?
શહેરમાં હવે જાહેર સ્થળો પર મોબાઈલ ચાર્જિંગની ફેસિલિટી આપવામાં આવે છે. બસ ટર્મિનસ, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતના જાહેર સ્થળો, જ્યાં લોકોનો જમાવડો થતો હોય ત્યાં મોબાઈલ ચાર્જિંગ માટે સોકેટ અથવા તો કેબલ આપવામાં આવ છે. શક્યતા છે કે તમે તમારા ડોક્ટરના ક્લિનિક પર છો અને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યાં છો, તેવા સમયમાં દર્દીઓ માટે પણ ચાર્જિંગ યુનિટ મુકવામાં આવે છે. ત્યારે આવા ચાર્જિંગ યુનિટમાં એપલ અથવા તો એન્ડ્રોઈડ ફોનનો કેબલ આપવામાં આવે છે. લોકો કેબલ જોઈને જરૂર ના હોય તો પણ ફોનને ચાર્જિંગમાં મુકી દે છે. બસ માણસની આ જ કુટેવનો ફાયદો હેકર્સ ઉઠાવે છે. તમે ફોન ચાર્જિંગ માટે મુક્યો અને બસ તમારો ડેટા હેકર્સના હાથમાં પહોંચી જાય છે. (દર વખતે આવુ થાય તે જરૂરી નથી હોતું, આ માત્ર સર્વેના આધારે એક શક્યતા છે)
જાહેરમાં ચાર્જિંગ દરમિયાન ડેટા ચોરીથી કેવી રીતે બચી શકાય?
ડેટા ચોરીના વધતા કેસને ધ્યાનમાં રાખીને ZEE 24 કલાકે સાયબર એક્સપર્ટ સની વાઘેલા સાથે ખાસ વાત કરી. અને ડેટા ચોરીથી લોકો કેવી રીતે બચી શકે તે અંગે માહિતી મેળવી.
સાયબર એક્સપર્ટ સની વાઘેલાએ જાણાવ્યુંકે, બને ત્યાં સુધી પોતાનું ચાર્જર પોતાની સાથે લઈને ફરવું, અન્ય કોઈ પણ જગ્યા પર ફોન ચાર્જિંગમાં ના મુકવો. તેમ છતાં જો તમે ફોન ચાર્જિંગમાં મુક્યો છે તો એ ખાસ ધ્યાન રાખવું કે ચાર્જિંગ પર મુક્યા પછી તમારો ફોન ડિબગિંગ મોડ પર નથી ગયોને. અથવા તો પછી ફાઈલ ટ્રાન્સફર મોડ પર તો નથી જતો રહ્યોને. જો એવુ થાય છે તો તમારો ડેટા એ જગ્યા પર સુરક્ષિત નથી, એ સમજી લેવુ. એના કરતા સૌથી વધુ સુરક્ષિત, કોઈ પણ જગ્યા પર પોતાના ચાર્જર સિવાય અન્ય ચાર્જર કે પછી કેબલનો ઉપયોગ ના કરવો.
ડેટા ચોરીનું ધ્યાનમાં આવતા શું પગલા લેવા જોઈએ?
સાયબર એક્સપર્ટ સની વાઘેલાએ જાણાવ્યુંકે, જો તમને ખબર પડી છે કે આ ચાર્જિંગ યુનિટમાંથી ડેટાની ચોરી થઈ રહી છે તો તાત્કાલિક એ ચાર્જિગ યુનિટના OEM એટલે કે Original Equipment Manufacturerનો સંપર્ક કરો અને સમગ્ર ઘટના વિશે જાણ કરો, જેથી કરીને અન્ય કોઈ પણ વ્યક્તિ તેનો ભોગ ના બને.
જાહેર સ્થળો પર હવે ફ્રી wifiની સુવિધા પણ હોય છે
ચાર્જિગ પોર્ટની સાથે સાથે હવે wifiની સુવિધા પણ ધીમે ધીમે કરીને વધી રહી છે. જાહેર સ્થળો પર ફ્રી wifi આપવામાં આવે છે. લોકો જેવું ફ્રી wifi જોવે છે અને તરત જ પોતાનો ફોન wifi સાથે કનેક્ટ કરી લે છે. પરંતુ આ બાબતે સતર્ક્તા ખુબ જ જરૂરી છે. wifiના માધ્યમથી તમારા ફોનનો ડેટા ચોરી થઈ શકે છે.
જાહેર સ્થળ પર wifi વાપરતા પહેલા શું સાવધાની રાખવી જોઈએ તે અંગે પણ સાયબર એક્સપર્ટ સની વાઘેલા સાથે ખાસ વાતચીત કરવામાં આવી.
હેકર્સથી બચવા શું કરવું તે અંગે સાયબર એક્સપર્ટ સની વાઘેલાની ખાસ ટિપ્સ
· બને ત્યાં સુધી જાહેર સ્થળ પર wifiનો ઉપયોગ ના કરવો
· જે wifiમાં કોઈ પણ સિક્યોરિટી નથી, એટલે કે કોઈ પાસવર્ડ વગર તમે wifi કનેક્ટ કરી શકો છે, તે wifiનો ઉપયોગ તો ના જ કરવો.
· જાહેર સ્થળ પર કે પછી કોઈ પણ જગ્યાએ તમે પાસવર્ડ નાખીને wifiથી કનેક્ટ થયા તો તેના સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સનું ધ્યાન રાખવું. સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સ શું છે એ પણ જણાવીએ. wifi કનેક્ટ કરીએ ત્યાર પછી તેની નીચે wpa, wpa2, wep જેવા સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સ આપ્યા હોય છે. ત્યારે
જો તમને wpa2 જોવા મળે છે તો જ મોબાઈલને wifiથી કનેક્ટ કરવો, એના સિવાય કોઈ અન્ય જેમ કે wpa, wep જેવા સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સ જોવા મળે છે તો ફોનને wifiથી કનેક્ટ ના કરવો.
હેકર્સ પાસે ડેટા જાય પછી શું થઈ શકે છે?
એક વખત wifiના માધ્યમથી તમારો ડેટા હેકર્સ પાસે ગયો, ત્યાર પછી તમારો ડેટા બિલકુલ સુરક્ષિત નહીં રહી શકે. wifiમાંથી ડિસકનેક્ટ થયા પછી પણ હેકર્સ તમારા ફોનમાં કોઈ પણ પ્રકારનો ખેલ કરી શકે છે. તમારા ફોનમાં એક એપ ઈન્સ્ટોલ થઈ શકે છે, જેના પછી હેકર્સ કોઈ પણ સમય તમારો ફોન એક્સસેસ કરી શકે છે.
ડેટા ચોરીથી બચવા શું સાવધાની રાખવી?
તમારા ફોનમાં ડેટા એનેલાઈઝર સોફ્ટવેરનો ઉપયોગ કરવો જેથી કરીને તમારો ડેટા કઈ જગ્યા પર સૌથી વધુ વપરાય છે તે તમે જાણી શકો, અને જો ડેટા ચોરી થાય છે તો તેની સામે પગલા પણ લઈ શકો. સની વાઘેલાના જણાવ્યા અનુસાર My data manager એપ જે એન્ડ્રોઈડ અને iOSમાં ઉપ્લબ્ધ છે તેને ઈન્સ્ટોલ કરવી અને પોતાના ડેટાની માહિતીની જાણકારી મેળવી શક્શો. આજના જમાનામાં સોના ચાંદીથી વધુ કિંમતી લોકો ડેટા હોય છે. ડેટાની ચોરી થવી કે પછી ડેટા લોસ થવો કોઈને પણ નથી પોસાતું. પોતાનો ખાનગી ડેટા, વ્યવસાયને લગતો ડેટા સહિત અનેક એવો ડેટા હોય છે જે હેકર્સના હાથે ચઢે તો તમને મોટી ખોટ ભોગવવી પડી શકે છે. એટલે આપ સાવધાન રહો, સતર્ક રહો એ ખુબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે