પાકના યાસિર શાહે 19 વર્ષ બાદ કર્યું કુંબલે જેવું પ્રદર્શન, એક દિવસમાં ઝડપી 10 વિકેટ

પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે 10 વિકેટ ઝડપી હતી. 
 

પાકના યાસિર શાહે 19 વર્ષ બાદ કર્યું કુંબલે જેવું પ્રદર્શન, એક દિવસમાં ઝડપી 10 વિકેટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના યાસિર શાહે અનિલ કુંબલેના એક દિવસમાં 10 વિકેટ ઝડપવાના રેકોર્ડની બરોબરી કરી  લીધી છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટના ત્રીજા દિવસ સોમવારે (26 નવેમ્બર) આ સિદ્ધિ મેળવી હતી. રસપ્રદ  વાત તે છે કે, યાસિર શાહ પણ અનિલ કુંબલેની જેમ લેગ સ્પિનર છે. કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ  દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં 10 વિકેટ ઝડપી હતી. 

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ રમાઇ રહ્યો છે. આ મેચમાં પાકિસ્તાને પાંચ  વિકેટ ગુમાવીને 418 રન પર પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડે તેના જવાબમાં બીજા દિવસે વિના વિકેટે  24 રન બનાવી લીધા હતા. ત્રીજા દિવસે તેણે આગળ રમવાનું શરૂ કર્યું અને 90 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.  પાકિસ્તાને તેને ફોલોઓન આપ્યું. ત્યારબાદ ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે 2 વિકેટે 131 રન  બનાવી લીધા છે. 

યાસિર શાહે 19 વર્ષ બાદ કરી રેકોર્ડની બરોબરી
મેચનો ત્રીજો દિવસ લેગ સ્પિનર યાસિર શાહના નામે રહ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં આઠ વિકેટ  ઝડપી હતી. 32 વર્ષના યાસિરે પ્રથમ ઈનિંગમાં 12.3 ઓવર બોલિંગ કરી અને 41 રન આપ્યા હતા. યાસિરે  ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે એક દિવસમાં 10 વિકેટ ઝડપવાનો  અનોખો રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. 

કુંબલેએ એક ઈનિંગમાં ઝડપી હતી 10 વિકેટ
યાસિર શાહે અનિલ કુંબલેના એક દિવસમાં 10 વિકેટ ઝડપવાના રેકોર્ડની બરોબરી તો કરી લીધી છે. પરંતુ તે  કુંબલેના એક ઈનિંગમાં 10 વિકેટ ઝડપવાનો દુર્લ રેકોર્ડથી ઘણો દૂર રહી ગયો હતો. 141 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં  માત્ર બે બોલર 10 વિકેટ ઝડપી શક્યા છે. આ કારનામું સૌથી પહેલા 1956માં ઈંગ્લેન્ડના જિમ લેકરે કર્યું હતું.  ત્યારબાદ કુંબલેએ પણ આ સિદ્ધિ મેળવી હતી. 

ફિરોઝ શાહ કોટલાની તે યાદગાર ટેસ્ટ
વર્ષ 1999માં પાકિસ્તાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ દરમિયાન ટીમે બે ટેસ્ટ મેચ રમવાની હતી.  બીજી ટેસ્ટ દિલ્હીના ફિરોઝ શાહ કોટલામાં રમાઈ હતી. આ મેચમાં ભારતે પ્રથમ ઈનિંગમાં 252 અને બીજી  ઈનિંગમાં 339 રન બનાવ્યા. જેના જવાબમાં પાક પ્રથમ દાવમાં 172 રને આઉટ થઈ ગયું હતું. જ્યારે બીજી  ઈનિંગમાં 207 રન બનાવી શક્યું હતું. આ ઈનિંગમાં કુંબલેએ 26.3 ઓવરમાં 74 રન આપીને 10 વિકેટ ઝડપી  હતી. આ મેચ ભારતે 212 રને જીતી હતી. 

સિડની બર્નેસે 1902માં 1 દિવસમાં ઝડપી હતી 10 વિકેટ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલા ઈંગ્લેન્ડના સિડની બર્નેસે એક દિવસમાં 10 વિકેટ ઝડપી હતી. આ મેચ 1902માં  ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. મેલબોર્નમાં રમાયેલી આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 25 વિકેટ પડી  હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 112 રન બનાવ્યા. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ 61 રન બનાવી  ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમત પૂર્ણ થતા પાંચ વિકેટ પર 48 રન બનાવી લીધા  હતા. આ દિવસની રમતમાં સૌથી મોટો હીરો ઈંગ્લેન્ડનો સિડની બર્નેસ સાહિત થયો હતો. તેણે ઓસ્ટ્રેલિયાની  પ્રથમ ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news