WPL 2024: સ્મૃતિ મંધાનાની ટીમે કર્યો કમાલ, દિલ્હી કેપિટલ્સને હરાવી આરસીબીએ બની ચેમ્પિયન

DCW vs RCBW: મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝનની વિજેતા ટીમનો નિર્ણય થઈ ગયો છે. દિલ્હીમાં રમાયેલી ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કમાલ કરતા દિલ્હી કેપિટલ્સને હરાવી ટ્રોફી કબજે કરી છે. 

WPL 2024: સ્મૃતિ મંધાનાની ટીમે કર્યો કમાલ, દિલ્હી કેપિટલ્સને હરાવી આરસીબીએ બની ચેમ્પિયન

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કમાલનું પ્રદર્શન કરતા મહિલા પ્રીમિયર લીગની ટ્રોફી કબજે કરી છે. સ્મૃતિ મંધાનાની ટીમે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે આરસીબી ફ્રેન્ચાઇઝી પ્રથમવાર (મહિલા અને પુરૂષ લીગ) કોઈ ટ્રોફી જીતી છે. મહિલા પ્રીમિયર લીગની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમ 113 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં આરસીબીએ 19.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

આરસીબીની ઈનિંગ, પેરીએ બનાવ્યા સૌથી વધુ રન
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સોફી ડિવાઇન અને સ્મૃતિ મંધાનાએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. સોફી ડિવાઇન 27 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 32 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાના 39 બોલમાં 3 ચોગ્ગા સાથે 31 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. એલિસ પેરી 35 અને રિચા ઘોષ 17 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

સારી શરૂઆત બાદ દિલ્હી કેપિટલ્સનો ધબડકો
એક સમયે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 6 ઓવરમાં વિના વિકેટે 61 રન હતો, પરંતુ આરસીબીના બોલરોએ કરિશ્માઈ બોલિંગ કરતા મેચમાં શાનદાર વાપસી કરી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબી માટે શ્રેયંકા પાટિલે 4 અને સોફી મોલિનક્સે 3 વિકેટ ઝડપી હતી. સોફિ મોલિનક્સે એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી મેચમાં આરસીબીની વાપસી કરાવી હતી.

શેફાલીની આક્રમક બેટિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે શેફાલી વર્મા અને મેગ લેનિંગે મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 61 રન પર પહોંચાડી દીધો હતો. દિલ્હીની પ્રથમ વિકેટ 8મી ઓવરમાં 64 રનના સ્કોર પડી હતી. ત્યારબાદ દિલ્હીનો ધબડકો થયો હતો.

દિલ્હી માટે શેફાલી વર્માએ 27 બોલમાં 2 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 44 રન બનાવ્યા હતા. તો કેપ્ટન મેગ લેનિંગે 23 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને સિવાય કોઈ બેટર ક્રિઝ પર ટકી શક્યો નહીં. ત્યારબાદ જેમિમા રોડ્રિગ્સ 0, એલિસ કેપ્સી 0, મારિઝાન કેપ 8, જેસ જોનાસન 3, રાધા યાદવ 12 અને મિનુ મણિ 5 રન બનાવી આઉટ થઈ હતી. આ સિવાય અરૂંધતિ રેડ્ડીએ 10 અને શિખા પાંડેએ અણનમ 5 રન બનાવ્યા હતા. 

જ્યારે શેફાલી અને લેનિંગ રમી રહ્યાં હતા ત્યારે લાગી રહ્યું હતું કે દિલ્હી કેપિટલ્સની ટીમ મોટો સ્કોર બનાવશે, પરંતુ આરસીબીની શાનદાર વાપસી અને બોલરોના દમદાર પ્રદર્શન સામે દિલ્હી કેપિટલ્સની ટીમ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news