વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં તોડી શકે છે રિકી પોન્ટિંગનો રેકોર્ડ
ભારતીય ટીમ આવતીકાલથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝની સાથે પોતાના આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પાસે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવાની તક હશે.
Trending Photos
નવી દિલ્હીઃ ગુરૂવારનો દિવસ ભારતીય ક્રિકેટપ્રેમિઓ માટે ખુબ ખાસ રહેવાનો છે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરવા જઈ રહી છે અને કોહલીની સેનાનું લક્ષ્ય 60 પોઈન્ટ હાસિલ કરવા પર હશે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની પાસે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના રિકોર્ડને તોડવાની તક હશે.
ભારતીય ટીમે હાલમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટી20 અને પછી વનડે સિરીઝમાં જીત મેળવી હતી. ક્રિકેટના આ સૌથી લાંબા ફોર્મેટમાં ભારતીય ટીમ લગભગ આઠ મહિના બાદ ઉતરી રહી છે. ભારતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં જીત હાસિલ કરી ઈતિહાસ રચ્યો હતો.
કોહલી તોડી શકે છે પોન્ટિંગનો રેકોર્ડ
નોર્થ સાઉન્ડ, એન્ટીગામાં રમાનારા પ્રથમ મુકાબલામાં ભારતીય કેપ્ટનની પાસે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ નિશાન પર હશે. વનડે સિરીઝમાં સતત બે સદી ફટકારનાર કોહલી જો પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારવામાં સફળ રહે તો કેપ્ટન તરીકે પોન્ટિંગની 19 સદીની બરોબરી કરી લેશે.
વિરાટે અત્યાર સુધી 46 ટેસ્ટ મેચોમાં ભારતની આગેવાની કરતા કુલ 18 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગ કેપ્ટન રહેતા 19 સદી ફટકારી છે. કોહલી તેનો રેકોર્ડ બરાબર કરવાની એક જ્યારે તોડવાથી બે સદી દૂર છે. ટેસ્ટ મેચોમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથે ફટકારી છે. 109 ટેસ્ટ મેચોમાં ટીમની કમાન સંભાળનાર સ્મિથે કુલ 25 સદી ફટકારી છે.
પોન્ટિંગની આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તૂટશે!
વિરાટ પૂર્વ કાંગારૂ કેપ્ટનની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડની પણ પાછળ છે. કોહલીએ અત્યાર સુધી કુલ 68 સદી ફટકારી છે, જ્યારે પોન્ટિંગના નામે 71 સદી છે. માત્ર ત્રણ સદી ફટકારતા કોહલી આ રેકોર્ડમાં પણ પોન્ટિંગને પાછળ છોડી દેશે. 100 સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે