સચિન અને લારા જેવો મહાન ખેલાડી છે વિરાટ કોહલીઃ સ્ટીવ વો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયામાં વિજય મેળવી શકે છે. જોકે, આ સીરીઝ અત્યંત રસપ્રદ રહેશે એ ચોક્કસ છે 

સચિન અને લારા જેવો મહાન ખેલાડી છે વિરાટ કોહલીઃ સ્ટીવ વો

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તાજેતરમાં જ પોતાના વિવાદિત નિવેદન 'ભારત છોડો' માટે ચર્ચામાં હતા. આ નિવેદનને કારણે વિરાટ ઘણો ટ્રોલ પણ થયો હતો. હવે, આ વિવાદ વચ્ચે કોહલીને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ વોનું સમર્થન મળ્યું છે. 

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કોહલીની સરખામણી સચિન તેંડુલકર અને બ્રાયલ લારા સાથે કરીને તેને મહાન ક્રિકેટર જણાવ્યો છે. સ્ટીવ વોએ ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી અંગે જણાવ્યું કે, 'ભારત પાસે સંતુલિત ટીમ છે. તેઓ આ શ્રેણીને એક મોટી તક તરીકે જોઈ રહ્યા છે. ભારતીય ટીમે આ પ્રવાસની લાંબા સમય પહેલાથી તૈયારી કરી હશે. મને લાગે છે કે આ શ્રેણી અત્યંત રસપ્રદ રહેશે.'

53 વર્ષના સ્ટીવ વોએ વિરાટ કોલહીના સતત શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી છે. તેણે ક્રિક ઈન્ફોને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, વિરાટ કોહલી એક મહાન ખેલાડી છે. તેને મોટી મેચ પસંદ છે. તે સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવો છે. તે તકની રાહ જોતો હતો અને અહીં જ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગતો હતો. તે દરેક પ્રસંગે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વિરાટ કોહલી સૌથી ખતરના બેટ્સમેને સાબિત થશે. જોકે, તેની પાસે બીજા પણ કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 16 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. બંને ટીમ પ્રથમ ટી20 મેચ 21 નવેમ્બરના રોજ રમશે. 

ટીમની શ્રેષ્ઠતા અંગે અસમંજસ
સ્ટીવ વોએ કોચ રવિ શાસ્ત્રી અંગે જણાવ્યું કે, 'રવિ શાસ્ત્રીને પોતાની ટીમ પર વિશ્વાસ છે એ સારી વાત છે, પરંતુ તેમણે આ પ્રકારના નિવેદન ન આપવા જોઈએ. તેનાથી ટીમ પર વધુ પડતું દબાણ પેદા થઈ જાય છે. જો એક વખત ટીમ હારવા લાગે તો તેની ટીકા થવા લાગે છે.'

ટીમની સર્વશ્રેષ્ઠતા અંગે હાલ કહી શકાય નહીં
સ્ટીવ વોએ ટીમ અંગે જણાવ્યું કે, 'ભારતની કેટલીક સર્વશ્રેષ્ઠ ટીમો સામે હું રમ્યો છું. જોકે, હાલ હું ચોક્કસપણે એમ ન કહી શકું કે વર્તમાન ટીમ એ ટીમો કરતાં શ્રેષ્ઠ છે, જેમની સામે હું રમ્યો છું.'

ઓસ્ટ્રેલિયાને તેના દેશમાં હરાવવું મુશ્કેલ 
સ્ટીવ વોએ જણાવ્યું કે, 'ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવવું મુશ્કેલ કામ છે. અમારું બોલિંગ આક્રમણ વિશ્વ ક્રિકેટની કોઈ પણ ટીમ કરતાં સારું છે. અમે વિકેટ મેળવી શકીએ છીએ. જો બેટિંગમાં પ્રથમ ઈનિંગમાં 350 રન બનાવી લીધા તો મને લાગે છે કે અમને હરાવવું મુશ્કેલ બની જશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news