SRH vs KKR: હૈદરાબાદે હાથમાં આવેલી મેચ ગુમાવી, કોલકત્તાનો 5 રને રોમાંચક વિજય

SRH vs KKR, IPL 2023: અંતિમ ઓવરમાં વરૂણ ચક્રવર્તીની શાનદાર બોલિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે હૈદરાબાદને 5 રને હરાવ્યું છે. હૈદરાબાદને અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર ત્રણ રન બનાવી શકી. 

SRH vs KKR: હૈદરાબાદે હાથમાં આવેલી મેચ ગુમાવી, કોલકત્તાનો 5 રને રોમાંચક વિજય

હૈદરાબાદઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર વાપસી કરતા ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની 47મી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 5 રને પરાજય આપ્યો છે. કોલકત્તાની સીઝનમાં આ ચોથી જીત છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 166 રન બનાવી શકી હતી. હૈદરાબાદને 5 ઓવરમાં 38 રનની જરૂર હતી, પરંતુ અંતિમ ઓવરોમાં વિકેટ ગુમાવવાને કારણે ટીમ લક્ષ્ય હાસિલ કરી શકી નહીં. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે 29 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. મયંક અગ્રવાલ 11 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્મા માત્ર 9 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. રાહુલ ત્રિપાઠીએ 20 રનનું યોગદાન આપ્યું હતું. હેરી બ્રૂક ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. હૈદરાબાદે 54 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. 

હૈદરાબાદ તરફથી કેપ્ટન એડન માર્કરમે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. માર્કરમે 40 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય હેનરિક ક્લાસેને 20 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 36 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ 21 રન બનાવી આઉટ થયો હતો. માર્કો યાન્સેન 1 રન બનાવી વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. 

કોલકત્તાની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં માર્કો યાન્સેને ગુરબાઝ (1) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ વેંકટેશ અય્યર 7 રન બનાવી આઉટ થયો હતો. જેસન રોય પણ 19 બોલમાં 4 ચોગ્ગા સાથે 20 રન બનાવી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં 3 વિકેટે 49 રન બનાવ્યા હતા. 

શરૂઆતી ત્રણ ઝટકા બાદ કેપ્ટન નીતિશ રાણા અને રિંકૂ સિંહ વચ્ચે ચોથી વિકેટ માટે 61 રનની ભાગીદારી થઈ હતી. નીતિસ રાણા 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. રિંકૂ સિંહે 35 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 46 રન ફટકાર્યા હતા. આંદ્રે રસેલે 15 બોલમાં 24 રન બનાવ્યા હતા. નારાયણ 1, શાર્દુલ 8 રન બનાવી આઉટ થયા હતા. 

હૈદરાબાદ તરફથી માર્કો યાન્સેન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 3 ઓવરમાં 24 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય નટરાજને બે, ભુવનેશ્વર, કાર્તિક ત્યાગી, માર્કરમ અને મયંક માર્કેંડેયને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news