AUS vs WI: એક સમયે કરતો હતો ગાર્ડની નોકરી, હવે કરિયરના પ્રથમ બોલ પર સ્મિથને કર્યો આઉટ

Australia vs West Indies: વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફે ડેબ્યૂ ટેસ્ટના પ્રથમ બોલ પર કમાલ કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરિયરના પ્રથમ બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કરી દીધો છે. શમર એક સમયે પરિવારના ભરણ પોષણ માટે ગાર્ડની નોકરી કરતો હતો.

AUS vs WI: એક સમયે કરતો હતો ગાર્ડની નોકરી, હવે કરિયરના પ્રથમ બોલ પર સ્મિથને કર્યો આઉટ

એડિલેડઃ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ એડિલેડમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 133 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવ્યા બાદ અંતિમ વિકેટ માટે કેમાર રોચ અને ડેબ્યૂ કરી રહેલા શમર જોસેફે 55 રન જોડ્યા હતા. જોસેફે 11માં નંબર પર આવી 36 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ 25 વર્ષના જોસેફે મોટો કમાલ બોલિંગમાં કર્યો હતો. 

જોસેફે પ્રથમ બોલ પર સ્મિથની વિકેટ લીધી
ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદ સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો નવો ઓપનિંગ બેટર બન્યો છે. પરંતુ તે પોતાની પ્રથમ પરીક્ષામાં ફેલ રહ્યો. વેસ્ટ ઈન્ડિઝ માટે ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર શમર જોસેફે સ્મિથને પોતાના કરિયરની પ્રથમ બોલ પર આઉટ કરી દીધો હતો. ઓફ સ્ટમ્પની બહારનો બોલ સ્મિથના બેટનો કિનારો લઈને સ્લિપ ફીલ્ડરના હાથમાં પહોંચી ગયો હતો. સ્મિથ માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો.

And it's Steve Smith who's the wicket! #AUSvWI pic.twitter.com/QpV0Aak1Dd

— 7Cricket (@7Cricket) January 17, 2024

એક સમયે કરતો હતો ગાર્ડની નોકરી
શમર જોસેફ માટે ક્રિકેટર બનવું સરળ રહ્યું નથી. તે બે બાળકોનો પિતા છે અને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે ગાર્ડની નોકરી કરતો હતો. પરંતુ તે હંમેશા ક્રિકેટર બનવા ઈચ્છતો હતો. તેણે પોતાનું ધ્યાન ક્રિકેટ પર આપવા માટે એક દિવસ પોતાની નોકરી છોડી દીધી હતી. 23 વર્ષની ઉંમરમાં તેનું પ્રોફેશનલ પર્દાપણ થયું હતું. હવે એક વર્ષની અંદર તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચી ગયો છે.

હોડીથી બે દિવસમાં પહોંચ્યો છે ઘર
શમર જોસેફ ગુયાનાના બારાકારા નામના ગામથી છે, જ્યાં જવા માટે કૈંજે નદી પર આશરે 225 કિમી હોડીમાં સવારી કરવી પડે છે. ગાઢ વનસ્પતિને કારણે યાત્રામાં બે દિવસ સુધીનો સમય લાગે છે. તેના ગામમાં માત્ર એક પ્રાથમિક શાળા છે. ત્યાં ઉચ્ચ અભ્યાસની સુવિધા નથી. 2018 સુધી ત્યાં ટેલીફોન અને નેટવર્કની સુવિધા પણ નહોતી. આ તમામ પડકારો છતાં શમર જોસેફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news