Womens T20 WC 2020: વેસ્ટ ઈન્ડિઝને 46 રને હરાવી ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં
આઈસીસી વિશ્વકપમાં હવે સેમિફાઇનલની ત્રણ ટીમ નક્કી થઈ ગઈ છે. ભારત બાદ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડે પણ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Trending Photos
સિડનીઃ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં ગ્રુપ-બીના મુકાબલામાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આ ગ્રુપમાંથી બંન્ને સેમિફાઇનલની ટીમ નક્કી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ પહેલા આફ્રિકા પણ સેમિફાઇનલમાં પહોંચી ચુક્યું છે. તો ગ્રુપ-એમાંથી ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. સેમિફાઇનલની ચોથી ટીમ આવતીકાલે રમાનારી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મેચ બાદ નક્કી થશે.
ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું
રવિવારે સિડનીમાં રમાયેલી વિશ્વકપની મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા સિવર (57)ની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ પર 143 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ડેની વાટે 29 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય એમી જોન્સે 13 બોલ પર આક્રમક 23 રન ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ધબડકો થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે લી આન કિર્બીએ સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્ટેફની ટેલર (15) ઈજાગ્રસ્ત થતાં રિટાયર્ડ હર્ટ થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 18મી ઓવરમાં માત્ર 97 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઈંગ્લેન્ડે 46 રને વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સોફી એસેસ્ટોને 7 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય સારા ગ્લેનને બે સફળતા મળી હતી.
આફ્રિકા સેમિમાં પાક બહાર
રવિવારે આફ્રિકાએ સિડનીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 17 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. હાલ આ ગ્રુપમાં ઈંગ્લેન્ડની ટીમ 4 મેચોમાં 6 પોઈન્ટ સાથે નેટરનરેટના આધારે ટેબલમાં ટોપ પર છે, જ્યારે આફ્રિકાની ટીમે હજુ એક મેચ રમવાની બાકી છે.
આ મેચમાં આફ્રિકાએ વોલવાર્ટની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 136 રન બનાવ્યા હતા. વૂલવાર્ટે 36 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ સિવાય મેરીજેન કેપ (31) અને મિગનોન ડુ પ્રીઝ (17) રનનું યોગદાન આપ્યું હતું. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 5 વિકેટ પર 119 રન બનાવી શકી હતી. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો બીજો પરાજય છે. આ સાથે તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે