RCB vs RR: પ્લેઓફથી એક જીત દૂર બેંગલોર, રાજસ્થાનનો સીઝનમાં 7મો પરાજય

બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્લેન મેક્સવેલની અડધી સદીની મદદથી આરસીબીએ શાનદાર જીત મેળવી છે. 

RCB vs RR: પ્લેઓફથી એક જીત દૂર બેંગલોર, રાજસ્થાનનો સીઝનમાં 7મો પરાજય

દુબઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શાનદાર પ્રદર્શન કરતા આઈપીએલ-2021ની 43મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે બેંગલોરની ટીમ 11 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલીની આરસીબી હવે પ્લેઓફની ટિકિટ મેળવવાથી માત્ર એક જીત દૂર છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે 17.1 ઓવરમાં 3 વિકેટે 153 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

બેંગલોરની ઈનિંગનો રોમાંચ
કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે આરસીબીને સારી શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોએ 5.2 ઓવરમાં 48 રન જોડી દીધા હતા. દેવદત્ત પડિક્કલ 17 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. બેંગલોરે પાવરપ્લેમાં 1 વિકેટે 54 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી 20 બોલમાં 25 રન બનાવી રનઆઉટ થયો હતો. 

મેક્સવેલની અડધી સદી
બેંગલોરે 58 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શ્રીકર ભરત અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટે 69 રનની ભાગીદારી કરી હતી. શ્રીકર ભરત 35 બોલમાં 44 રન બનાવી મુસ્તફિઝુરનો શિકાર બન્યો હતો. ગ્લેન મેક્સવેલે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. મેક્સવેલ 30 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 50 રન બનાવી અમનમ રહ્યો હતો. જ્યારે ડિવિલિયર્સ 4 રન બનાવી અણનમ રહ્યો હતો. 

લેવિસની અડધી સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ અને ઇવિન લુઇસે પાવરપ્લેમાં ટીમનો સ્કોર વિના વિકેટે 56 રન પર પહોંચાડી દીધો હતો. ટીમને 77 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. યશસ્વી 22 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે 31 રન બનાવી ડેનિયલ ક્રિસ્ટિયનનો શિકાર બન્યો હતો. લેવિસે શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. લેવિસ 37 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 58 રન બનાવી ગોર્ડનનો શિકાર બન્યો હતો. 

મિડલ ઓર્ડરનો ધબડકો
રાજસ્થાન રોયલ્સને ટીમે 11 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા. પરંતુ ત્યારબાદ બેંગલોરના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. મહિપાલ લોમરોર 3 રન બનાવી ચહલની ઓવરમાં આુટ થયો હતો. ત્યારબાદ શાહબાઝ અહમદે કેપ્ટન સંજૂ સેમસન (19)ને આઉટ કરી બેંગલુરૂને મોટી સફળતા અપાવી હતી. રાહુલ તેવતિયા (2) રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સફળતા પણ શાહબાઝને મળી હતી. 

ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન આજે પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ચહલે લિવિંગસ્ટોનને 6 રનના સ્કોરે આઉટ કરી રાજસ્થાનને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. રિયાન પરાગ 9 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ પટેલે ક્રિસ મોરિસ (14) અને ચેતન સાકરિયા (2)ને અંતિમ ઓવરમાં આઉટ કર્યા હતા. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ચહલ અને શાહબાઝને બે-બે તથા ગોર્ડન અને ક્રિસ્ટિયનને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news