વર્લ્ડ કપ 2019: પાકિસ્તાન 11 વનડે બાદ જીત્યું, ઈંગ્લેન્ડને 14 રને આપ્યો પરાજય

આઈસીસી વિશ્વ કપ 2019ની છઠ્ઠી મેચમાં પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઈંગ્લેન્ડને 14 રને પરાજય આપ્યો છે. 

વર્લ્ડ કપ 2019: પાકિસ્તાન 11 વનડે બાદ જીત્યું, ઈંગ્લેન્ડને 14 રને આપ્યો પરાજય

નોટિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019ની છઠ્ઠી મેચમાં ટૂર્નામેન્ટની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડને પાકિસ્તાને 14 રને હરાવીને પોતાના સતત 11 પરાજયની હારમાળાનો અંત કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 348 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 334 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલર અને જો રૂટે સદી ફટકારી હતી. તો પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે 82 રન આપીને 3, આમિર અને શાદાબ ખાને બે-બે અને મલિક-હાફીઝે એક-એક વિકેટ ઝડપી હતી. 

રૂટે વિશ્વ કપ 2019માં ફટકારી પ્રથમ સદી, બટલરે બીજી
એક સમયે ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં હતી. ટીમે 118 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જો રૂટ અને જોસ બટલરે પાંચમી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. જો રૂટ વિશ્વ કપ 2019માં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ તેની વનડે કરિયરની 15મી અને વિશ્વકપમાં બીજી સદી છે. તે 104 બોલમાં 107 રન બનાવી આઉટ થયો હતો. રૂટે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બટલરે પણ પોતાની સદી પૂરી કરી હતી. તે 76 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 103 રન બનાવી આઉટ થયો હતો. મોહમ્મદ આમિરે તેની વિકેટ ઝડપી હતી. 

વહાબે વનડેમાં 787 દિવસ બાદ વિકેટ ઝડપી 
આ પહેલા કેપ્ટનઇયોન મોર્ગને 18 બોલ રમ્યા, પરંતુ 9 રન બનાવી શક્યો હતો. હાફીઝે તેને બોલ્ડ કર્યો હતો. જોની બેયરસ્ટો 31 બોલ પર 32 રન બનાવીને આઉટ થયો હતો. તે વહાબના બોલ પર વિકેટની પાછળ સરફરાઝ અહમદના હાથે કેચઆઉટ થયો હતો. વહાબે વનડે આંતરરાષ્ટ્રીયમાં 787 દિવસ બાદ વિકેટ ઝડપી છે. આ પહેલા તેણે 7 એપ્રિલ 2017ના પ્રોવિડેન્સના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિકેટ ઝડપી હતી. ત્યારે તેણે 9 ઓવરમાં 69 રન આપીને કીરન પોવેલની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ વહાબે 48મી ઓવરમાં બે બોલ પર મોઇન અલી અને ક્રિસ વોક્સને આઉટ કર્યાં હતા. 

ઈંગ્લેન્ડે રિવ્યૂ અને વિકેટ બંન્ને ગુમાવી 
જેસન રોય 8 રન બનાવીને આઉટ થયો. તેને શાદાબ ખાને LBW કર્યો. શાદાબની અપીલ પર અમ્પાયરે જેસનને આઉટ આપ્યો હતો. જેસનને અમ્પાયરના નિર્ણયથી સંતોષ ન થયો અને તેણે રિવ્યૂ લીધો. પરંતુ રિવ્યૂમાં મેદાની અમ્પાયરનો નિર્ણય યોગ્ય હતો અને જેસન પેવેલિયન પરત ફર્યો. વહાબ રિયાઝના બોલ પર બેયરસ્ટો વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો. 

પાકે બનાવ્યા 348 રન
નોટિંઘમના ટ્રેન્ટ બ્રિઝ મેદાન પર ઈંગ્લેન્ડે ટોસ જીતીને પાકને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પાકે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 348 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ વિશ્વકપમાં કોઈપણ ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. વિશ્વકપમાં કોઈપણ ખેલાડીની સદી વગર આ ટીમનો સર્વાધિક સ્કોર છે. આ પહેલા આફ્રિકાએ 2015ના વિશ્વકપમાં યૂએઈ વિરુદ્ધ 6 વિકેટ પર 341 રન બનાવ્યા હતા. 

વિશ્વકપમાં ફીલ્ડર તરીકે ચાર કેચ પકડનાર વોક્સ પ્રથમ ઇંગ્લિશ ક્રિકેટર
ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલી અને ક્રિસ વોક્સ સૌથી સફળ બોલર રહ્યાં. મોઇને 50 અને વોક્સે 71 રન આપીને 3-3 વિકેટ ઝડપી. વોક્સે પોતાની એક ઓવરમાં સરફરાઝ અને વહાબ રિયાઝની વિકેટ ઝડપી હતી. તેણે ચાર કેચ પણ ઝડપ્યા હતા. તે ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી, જેણે એક ફીલ્ડર તરીકે વિશ્વકપમાં ચાર કેચ લીધા છે. માર્ક વુડે 53 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 

હાફીઝે વિશ્વકપમાં પોતાનો સર્વોચ્ચો સ્કોર બનાવ્યો
પાકિસ્તાન તરફથી મોહમ્મદ હાફીઝ હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. તેણે 62 બોલ પર 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. હાફીઝે 39 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. હાફીઝનો વિશ્વકપમાં આ હાઇએસ્ટ સ્કોર છે. આ પહેલા તેનો હાઇએસ્ટ સ્કોર અણનમ 61 રન હતો, જે તેણે 2011માં બાંગ્લાદેશ વિરુદ્ધ બનાવ્યો હતો. 

કેચ છૂટ્યા બાદ હાફીઝે બનાવ્યા 70 રન
હાફીઝ જ્યારે 14 રન પર હતો, ત્યારે આદિલ રશીદના બોલ પર જેસન રોયે તેનો આસાન કેચ છોડી દીધો હતો. હાફીઝની વિશ્વકપમાં આ બીજી અડધી સદી છે. હાફીઝ સિવાય પાકિસ્તાન તરપથી કેપ્ટન સરફરાઝ અને બાબરે પણ અડધી સદી ફટકારી હતી. બાબર 66 બોલ પર 63 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગ દરમિયાન ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સરફરાઝ 44 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો. 

પાકિસ્તાનની મજબૂત શરૂઆત
આ પહેલા પાકિસ્તાની ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ફખર જમાન અને ઇમામ-ઉલ-હકે પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. જમાનને 36 રનના સ્કોર પર મોઇન અલીએ આઉટ કર્યો હતો. ઇમામ 44 રન બનાવી અલીનો શિકાર બન્યો હતો. તે 6 રનથી પોતાની અડધી સદી ચુકી ગયો હતો. આસિફ અલીને માર્ક વુડે પેવેલિયન પરત મોકલ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news