IND vs AUS 2nd Test: જાડેજા-અશ્વિન છવાયા, ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

Delhi Test: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું છે. ચાર મેચની આ ટેસ્ટ સિરીઝમાં હવે ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે અને તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રિટેન કરી લીધી છે. 
 

IND vs AUS 2nd Test: જાડેજા-અશ્વિન છવાયા, ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

નવી દિલ્હીઃ IND vs AUS: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે છ વિકેટે જીત મેળવી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા જરૂર મજબૂત સ્થિતિમાં હતી પરંતુ ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ જીત સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.

પ્રથમ દિવસે ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો હતો. તેણે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ઉસ્માન ખ્વાજા (81) અને પીટર હેન્ડ્સકોમ્બ (72) સિવાય અન્ય કોઈ બેટ્સમેન અહીં ટકી શક્યો નહોતો અને ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 અને જાડેજા અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. આ પછી પ્રથમ દિવસે ભારતીય ટીમે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા હતા.

બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ
બીજા દિવસની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા હતા. હાલત એવી હતી કે ભારતીય ટીમ 139 રનમાં 7 વિકેટ ગુમાવીને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. અહીંથી, અક્ષર પટેલ અને આર અશ્વિને 114 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને ફરી જીવંત કરી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 5 અને ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને 2-2 વિકેટ મળી હતી.

અહીં ઓસ્ટ્રેલિયાને એક રનની લીડ મળી હતી, સાથે તેણે બેટરોએ દિવસની રમત પૂરી  થવા સુધી એક વિકેટ ગુમાવી 61 રન બનાવી લીધા હતા. એટલે કે કુલ લીડ 62 રન થઈ ચુકી હતી. અહીં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. 

ત્રીજા દિવસે પહેલા સેશનમાં ભારતે કરી વાપસી
ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 61/1ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. અહીં પહેલા સેશનમાં ભારતીય સ્પિનર્સને થોડી મદદ મળી કે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાનો એકપણ બેટર પિચ પર વધુ સમય ટકી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલાં સત્રમાં માત્ર 52 રન જોડતા 9 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં જાડેજાએ 7 અને અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. 

ભારતને માત્ર 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો
જાડેજા અને અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમને માત્ર 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અહીં ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કેએલ રાહુલ (1) જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. તેણે માત્ર 20 બોલમાં 31 રન બનાવ્યા હતા પરંતુ તે રનઆઉટ થયો હતો. ભારતે 39 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઇનિંગ્સને આગળ ધપાવી હતી. ટોડ મર્ફીએ વિરાટ કોહલી (21)ને કુલ 69 રન પર સ્ટમ્પિંગ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી શ્રેયસ અય્યર (12) પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. ચેતેશ્વર પૂજારા (31) અને કેએસ ભરત (23)એ ભારતને જીત અપાવી હતી. બંને ખેલાડીઓ અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news