RR vs MI: અબુધાબીમાં સ્ટોક્સ-સેમસનનું તોફાન, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે પરાજય આપ્યો

બેન સ્ટોક્સ (107*) અને સંજૂ સેમનસ (54*) વચ્ચે ત્રીજી વિકેટની 152 રનની અણનમ ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે કરો યા મરો મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે.
 

RR vs MI: અબુધાબીમાં સ્ટોક્સ-સેમસનનું તોફાન, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે પરાજય આપ્યો

અબુધાબીઃ બેન સ્ટોક્સ (107*) અને સંજૂ સેમનસ (54*) વચ્ચે ત્રીજી વિકેટની 152 રનની અણનમ ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે કરો યા મરો મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. રાજસ્થાનની ટીમે 12 મેચમાં પાંચમી જીત મેળવી છે. આ હાર બાદ પણ મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 195 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

રાજસ્થાનની ખરાબ શરૂઆત
મુંબઈએ આપેલા પહાડી લક્ષ્યનો સામનો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. રોબિન ઉથપ્પા (13) રન બનાવી જેમ્સ પેટિન્સનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ (11)ને પણ પેટિન્સને આઉટ કરીને રાજસ્થાનને બીજો ઝટકો આપ્યો હતો. આમ રાજસ્થાને માત્ર 44 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેમાં રાજસ્થાનનો સ્કોર 2 વિકેટે 55 રન હતો. 

બેન સ્ટોક્સ અને સંજૂ સેમસનનું તોફાન
પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ સંજૂ સેમસન અને બેન સ્ટોક્સે ઈનિંગને સંભાળી હતી. બેન સ્ટોક્સે આ ટૂર્નામેન્ટમાં દમદાર બેટિંગ કરતા પહેલા પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ સંજૂ સેમનસે પણ શાનદાર પ્રદર્શન કરતા માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ અને સંજૂ સેમસને ત્રીજી વિકેટ માટે અણનમ 152 રનની ભાગીદારી કરી હતી. સંજૂ સેમનસ 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવી અણનમ રહ્યો હતો. 

IPL: આર્ચર બની ગયો 'સુપર મેન', એક હાથે ઝડપી લીધો અવિશ્વસનીય કેચ- Video  

બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી
આ સીઝનમાં સતત ફ્લોપ રહી આલોચનાનો સામનો કરી રહેલ બેન સ્ટોક્સ આજે અબુધાબીમાં અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે મુંબઈની મજબૂત બોલિંગ લાઇનઅપનો આક્રમક રીતે સામનો કરી પોતાની સદી પૂરી કરી હતી. સ્ટોક્સે 59 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની બીજી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ 60 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 107 રન બનાવ્યા હતા. 

મુંબઈની ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર 7 રન હતો ત્યારે ડિ કોક (6)ને જોફ્રા આર્ચરે બોલ્ડ કર્યો હતો. ટીમે પાવરપ્લેમાં એક વિકેટે 59 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. ટીમને બીજો ઝટકો 11મી ઓવરમાં ઈશાન કિશન (37)ના રૂપમાં લાગ્યો હતો. ઈશાન કિશન 36 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો. 

ત્યારબાદ સૂર્યકુમાર યાદવ (40)ને શ્રેયસ ગોપાલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. સૂર્યાએ 26 બોલમાં ચાર ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન પોલાર્ડ માત્ર 6 રન બનાવી ગોપાલની ઓવરમાં બોલ્ડ થયો હતો. આમ એક ઓવરમાં બે વિકેટ ગુમાવવાથી મુંબઈનો સ્કોર 13 ઓવરમાં 4 વિકેટે 101 રન હતો.

હાર્દિક પંડ્યાનું વાવાઝોડું
પોલાર્ડ આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા અને સૌરભ તિવારીએ મુંબઈની ઈનિંગ સંભાળી હતી. હાર્દિક પંડ્યાએ આજે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 21 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને બે ચોગ્ગા સાથે અણનમ 60 રન બનાવ્યા હતા. તો સૌરભ તિવારી 25 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 34 રન બનાવી આર્ચરનો શિકાર બન્યો હતો. ક્રુણાલ પંડ્યા 3 રન બનાવી અણનમ રહ્યો હતો. 

રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 31 રન આપીને બે,  શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 30 રન આપીને બે તથા ત્યાગીને એક સફળતા મળી હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news