Vijay Hazare Trophy: પૃથ્વી શોના વાવાઝોડામાં ઉડી ગયું સૌરાષ્ટ્ર, અણનમ 185 રન ફટકારી મુંબઈને અપાવી જીત

ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થયા બાદ પૃથ્વી શો શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે વિજય હઝારે ટ્રોફીમાં ત્રીજી સદી ફટકારતા સૌરાષ્ટ્ર સામે અણનમ 185 રન ફટકાર્યા છે. 

Vijay Hazare Trophy: પૃથ્વી શોના વાવાઝોડામાં ઉડી ગયું સૌરાષ્ટ્ર, અણનમ 185 રન ફટકારી મુંબઈને અપાવી જીત

નવી દિલ્હીઃ Vijay Hazare Trophy 2021: વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટ 2021ના ચોથા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મુંબઈના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ ફરી ધમાકેદાર પ્રદર્શન કરતા સૌરાષ્ટ્ર વિરુદ્ધ શાનદાર સદી ફટકારી છે. પૃથ્વી શોની ઈનિંગની મદદથી મુંબઈની ટીમે સૌરાષ્ટ્રને ક્વાર્ટર ફાઇનલ મેચમાં 9 વિકેટે હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

પૃથ્વી શોએ 123 બોલમાં બનાવ્યા અણનમ 185 રન
આ મેચમાં મુંબઈને જીત માટે 285 રનનો લક્ષ્ય મળ્યો હતો, જેને ટીમે 41.5 ઓવરમાં એક વિકેટના નુકસાન પર હાસિલ કરી લીધો અને 9 વિકેટે જીત મેળવી છે. મુંબઈની જીતમાં પૃથ્વી શોની ઈનિંગનું મોટુ યોગદાન રહ્યુ જેણે 123 બોલનો સામનો કરતા 7 છગ્ગા અને 21 ચોગ્ગાની મદદથી અણનમ 185 રન બનાવ્યા. તેની સ્ટ્રાઇક રેટ 150.41ની રહી. તો મુંબઈના અન્ય ઓપનર યશસ્વી જયસવાલે પણ 75 રનનું યોગદાન આપ્યુ હતું. પૃથ્વી અને જયસવાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 238 રનની ભાગીદારી થઈ હતી. 

પૃથ્વી શો ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ મેચ બાદ બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ તેની સદી આ ટૂર્નામેન્ટની ત્રીજી સદી છે. તેણે પુડુચેરી વિરુદ્ધ અણનમ 227 રનની ઈનિંગ રમી હતી. તો દિલ્હી વિરુદ્ધ અણનમ 105 રન બનાવ્યા હતા.

વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટના ચોથા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મુંબઈ વિરુદ્ધ સૌરાષ્ટ્રએ 284 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી સમર્થ વ્યાસે 71 બોલમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 90 રન તો ચિરાગ જાની 38 બોલમાં 53 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સિવાય વિશ્વરાજ જાડેજાએ પણ 53 રન, એસ બારોટે 37 અને સ્નેલ પટેલે 30 રનનું યોગદાન આપ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news