T20 WC 2021: ફાઇનલમાં પહોંચવા માટે આજે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ, મોર્ગન-વિલિયમસન આમને-સામને

England vs New Zealand Semifinal: બંને ટીમોના ખેલાડીઓના મગજમાં 2019ના વનડે વિશ્વકપ ફાઇનલની યાદો પણ તાજી હશે જ્યારે ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી ફટકારવાના કારણે ટાઇટલ જીત્યું હતું.

T20 WC 2021: ફાઇનલમાં પહોંચવા માટે આજે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ, મોર્ગન-વિલિયમસન આમને-સામને

અબુધાબીઃ ટાઇટલની પ્રબળ દાવેદાર પરંતુ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાનો સામનો કરી રહેલ ઈંગ્લેન્ડની ટીમ ટી20 વિશ્વકપમાં આજે રમાનાર પ્રથમ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાવી થવાનો પ્રયાસ કરશે. 

ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટ પહેલા ટાઇટલની દાવેદાર માનવામાં આવી રહી હતી અને તેણે પોતાની ખ્યાતી અનુરૂપ પ્રદર્શન પણ કર્યું, પરંતુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સુપર-12ના અંતિમ મેચમાં હારથી તે સ્પષ્ટ થઈ ગયું કે ઇયોન મોર્ગનની આગેવાનીવાળી ટીમ અજેય નથી. 

જેસન રોયની ઈજા ટીમ માટે ઝટકો
ઓપનિંગ બેટર જેસન રોય ઈજાગ્રસ્ત થવાથી ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. રોય અને જોસ બટલર ટૂર્નામેન્ટની વિસ્ફોટક ઓપનિંગ જોડી રહી છે. રોય વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે અને તેવામાં બટલરની સાથે જોની બેયરસ્ટો ઈનિંગની શરૂઆત કરવા ઉતરી શકે છે. ઈંગ્લેન્ડ માટે બટલર, બેયરસ્ટો અને મોઇન અલી જેવા ખેલાડી વિશેષ રહ્યા છે, જે મેચનું પરિણામ પલટવાની ક્ષમતા રાખે છે. 

રોયના સ્થાને સેમ બિલિંગ્સને મધ્યમક્રમના બેટરના રૂપમાં અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ માટે સારી વાત છે કે તેના બેટરોએ ક્રીઝ પર વધુ સમય પસાર કર્યો છે અને તે સેમીફાઇનલ માટે તૈયાર છે. 

બોલિંગમાં ટાઇમલ મિલ્સ જાંઘની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે ઈંગ્લેન્ડની ચિંતા વધી છે. મિલ્સ ડેથ ઓવરોમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો હતો. તેવામાં આ એક એવું ક્ષેત્ર હશે જેનો વિરોધી ટીમ ફાયદો ઉઠાવવા ઈચ્છશે. 

માર્ક વુડની પાસે ગતિ છે પરંતુ મિલ્સ જેવી વિવિધતા નથી. તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મોંઘો સાબિત થયો હતો. ઈંગ્લેન્ડ પરંતુ તે હારને ભૂલીને નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. 

સ્પિનર મોઈન અલી અને આદિલ રાશિદની ભૂમિકા મહત્વની રહેશે. તે પાવરપ્લે અને વચ્ચેની ઓવરોમાં સફળતાઓ હાસિલ કરી ન્યૂઝીલેન્ડ પર દબાવ બનાવવા ઈચ્છશે. બંને ટીમોના ખેલાડીઓના મગજમાં 2019ના વનડે વિશ્વકપની યાદો તાજી હશે, જ્યારે ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી ફટકારવાને કારણે ટ્રોફી જીતી હતી. 

ન્યૂઝીલેન્ડ માટે તે દિલ તોડનારી હાર હતી પરંતુ ત્યારબાદ પણ તેની ટીમે આઈસીસી સ્પર્ધામાં સતત સારૂ પ્રદર્શન કર્યું છે. તેમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ પણ સામેલ છે. 

બોલ્ટ-સાઉદી બની શકે છે ખતરો
ન્યૂઝીલેન્ડની પાસે ચોક્કસપણે ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ બોલર છે, જેણે ભારત જેવી મજબૂત ટીમને 110 રન પર રોકી દીધી હતી. ત્યાં સુધી કે અફઘાનિસ્તાન પણ તેની સામે માત્ર 125 રન બનાવી શક્યું હતું. 

બોલ્ટ અને ટિમ સાઉદીની ખતરનાક જોડીનો સામનો કરવો સરળ નથી, જે શાનદાર લાઇન તથા લેંથથી બોલિંગ કરે છે. લોકી ફર્ગ્યુસનની ઈજાને કારણે ટીમમાં સામેલ થયેલ એડન મિલ્ને પણ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. બંને સ્પિનર ઈશ સોઢી અને મિશેલ સેન્ટનર પણ પ્રભાવી રહ્યાં છે. 

કીવી બેટરોએ કરવું પડશે સારૂ પ્રદર્શન
ન્યૂઝીલેન્ડના બેટરોએ અત્યાર સુધી પોતાનો પ્રભાવ છોડ્યો છે. ઓપનિંગ બેટર માર્ટિન ગુપ્ટિલે તેના તરફથી સર્વાધિક રન બનાવ્યા છે, જ્યારે તેનો જોડીદાર ડેરિલ મિશેલ પણ સારા ફોર્મમાં છે. 

કેપ્ટન કેન વિલિયમસન તેનો વિશ્વાસપાત્ર બેટર છે અને તે સેમીફાઇનલમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા ઈચ્છશે. અબુધાબીની પિચ બેટિંગ માટે અનુકૂળ રહી છે અને આ મેચમાં મોટો સ્કોર બની શકે છે.

ટીમ આ પ્રકારે છેઃ
ઈંગ્લેન્ડઃ
ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જેમ્સ વિન્સે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ, ટોમ કરન, રીસ ટોપલે. 

ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, માર્ટિન ગુપ્ટિલ, કાઇલ જેમીસન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશામ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સેફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, એડન મિલ્ને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news