નેપિયર વનડેઃ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું, ગુપ્ટિલની શાનદાર સદી

પ્રથમ વનડેમાં 8 વિકેટે જીત મેળવીને ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

નેપિયર વનડેઃ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું, ગુપ્ટિલની શાનદાર સદી

નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલના અણનમ 117 રનની મદદથી ન્યૂઝીલેન્ડે બુધવારે નેપિયરમાં ત્રણ મેચોની વનડે સિરીઝના પ્રથમ મેચમાં બાંગ્લાદેશ પર 8 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે યજમાન ટીમને જીત માટે 233 રનનો લક્ષ્ય આપ્યો હતો, જે તેણે 44.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. ગુપ્ટિલને તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી અને તેણે 5 રનના કુલ સ્કોર પર તમિમ ઇકબાલ (5)ની વિકેટ ગુમાવી દીધી હતી. તેને ટ્રેન્ટ બાઉલ્ટે આઉટ કર્યો હતો. ફાસ્ટ બોલર મેટ હેનરીએ લિટન દાસ (1)ને પેવેલિયન પરત મોકલીને મહેમાન ટીમનો સ્કોર 2 વિકેટ પર 19 કરી દીધો હતો. 

ત્યારબાદ બાંગ્લાદેશની ઈનિંગનો ધબડકો થયો અને તેણે 100 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી. મેહદી હસન મિરાજ (26)ના રૂપમાં બાંગ્લાદેશે 131ના કુલ સ્કોર પર પોતાની સાતમી વિકેટ ગુમાવી હતી. તેને મિશેલ સેન્ટનરે આઉટ કર્યો હતો. 

મોહમ્મદ મિથુને મોહમ્મદ સૈફુદ્દીન સાથે મળીને આઠમી વિકેટ માટે 84 રન જોડ્યા હતા. સૈફુદ્દીન (41)ના રૂપમાં બાંગ્લાદેશે પોતાની આઠમી વિકેટ ગુમાવી હતી. આ સફળતા પણ સેન્ટનરને મળી હતી. ત્યારબા મિથુન (62) લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. કેપ્ટન મુશરફે મુર્તજા નવ રન બનાવીને અણનમ રહ્યો હતો. 

જવાબમાં ન્યૂઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે ગુપ્ટિલે હેનરી નિકોલ્સની સાથે મળીને 103 રન જોડ્યા હતા. નિકોલ્સ (53)ને મિરાજે આઉટ કરીને યજમાન ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. કેપ્ટન કેન વિલિયમસન (11)ને મહમુદુલ્લાહે આઉટ કર્યો હતો. ત્યારબાદ ગુપ્ટિલે અનુભવી રોસ ટેલર (45)ની સાથી મળીને ટીમને જીત અપાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news