RRvsMI: સતત ત્રીજી મેચ હાર્યું રાજસ્થાન રોયલ્સ, મુંબઈનો 57 રને વિજય

મુંબઈએ આઈપીએલમાં પોતાનું વિજય અભિયાન જારી રાખતા રાજસ્થાન રોયલ્સને 57 રને હરાવ્યું છે. જસપ્રીત બુમરાહે મેચમાં ચાર વિકેટ ઝડપી છે. 
 

RRvsMI: સતત ત્રીજી મેચ હાર્યું રાજસ્થાન રોયલ્સ, મુંબઈનો 57 રને વિજય

અબુધાબીઃ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ આઈપીએલ 2020 (IPL 2020)મા પોતાનું ધમાકેદાર પ્રદર્શન જારી રાખતા રાજસ્થાન રોયલ્સ (RR)ને 57 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 136 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 20 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મુંબઈ અત્યાર સુધી છ મેચ રમ્યું છે અને ચોથી જીત મેળવી છે. તો રાજસ્થાન રોયલ્સનો પ્રથમ બે મેચમાં વિજય બાદ આ સતત ત્રીજો પરાજય છે. 

રાજસ્થાનનો ટોપ ઓર્ડરનો ધબડકો
મુંબઈએ આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરમાં યશસ્વી જાયસવાલ (0)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. તેને ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો હતો. યશસ્વી સતત બીજીવખત આઈપીએલમાં શૂન્ય રન બનાવી આઉટ થયો છે. ત્યારબાદ જસપ્રીત બુમરાહે સ્ટીવ સ્મિથ (6)ને ડિ કોકના હાથે કેચઆઉટ કરાવી રાજસ્થાનને બીજો ઝટકો આપ્યો હતો. પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી ચર્ચામાં આવેલ સંજૂ સેમસન પણ ખાતુ ખોલાવ્યા વગર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. આમ રાજસ્થાને માત્ર 12 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

જોસ બટલરની અડધી સદી
રાજસ્થાનની ટીમ એક તરફ વિકેટ ગુમાવી રહી હતી તો બીજીતરફ જોસ બટલર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. બટલરે આ સીઝનમાં પ્રથમ અડધી સદી ફટકારી હતી. તે 44 બોલમાં 70 રન બનાવી આઉટ થયો હતો. બટલરે પોતાની ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેને જેમ્સ પેટિન્સને આઉટ કર્યો હતો.

મહિપાલ લોમરોર માત્ર 11 રન બનાવી રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો. ટોમ કરન (15) પોલાર્ડે આઉટ કરીને રાજસ્થાનને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. રાહુલ તેવતિયા (6) અને શ્રેયસ ગોપાલ (1)ને બુમરાહે પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. જોફ્રા આર્ચરે 24 રનનું યોગદાન આપ્યું હતું. 

મુંબઈના બોલરોનો ધમાકો
મુંબઈ ઈન્ડિયન્યના ફાસ્ટ બોલરોએ દમદાર પ્રદર્શન કર્યું હતું. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. બુમરાહે ચાર ઓવરમાં 20 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જેમ્સ પેટિન્સને 3.1 ઓવરમાં 19 રન આપીને બે તથા રાહુલ ચાહર અને પોલાર્ડને એક-એક સફળતા મળી હતી. 

મુંબઈએ ફરી 190ને પાર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્વિન્ટન ડિ કોક અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ આક્રમક બેટિંગ કરતા 5 ઓવરમાં 49 રન બનાવ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો ડિ કોક (23)ના રૂપમાં ઈનિંગની પાંચમી ઓવરમાં લાગ્યો હતો. ડિ કોકે 15 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તેની વિકેટ અન્ડર-19ના સ્ટાર બોલર અને આઈપીએલમાં પર્દાપણ કરી રહેલા કાર્તિક ત્યાગીએ ઝડપી હતી. ટીમે રોહિતના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 23 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 35 રન બનાવી શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો. 

સૂર્યકુમારની દમદાર ઈનિંગ
મુંબઈની ટીમે ઈશાન કિશન (0) અને ક્રુણાલ પંડ્યા (12)ના રૂપમાં  ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી હતી. પરંતુ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે મોટી ઈનિંગ રમી હતી. પહેલા તેણે પોતાની અડધી સદી પૂરી કરી ત્યારબાદ મુંબઈનો સ્કોર 190ને પાર પહોંચાડ્યો હતો. સૂર્યકુમાર યાદવ 47 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 79 રન બનાવી અણનમ રહ્યો હતો. આ તેનો આઈપીએલમાં સર્વોચ્ચ સ્કોર છે. તો હાર્દિક પંડ્યા પણ 19 બોલમાં 30 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોફ્રા આર્ચર અને કાર્તિક ત્યાગીને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news