મોહમ્મદ શમીની ટીમમાં વાપસી, વનડે વિશ્વકપ ફાઈનલ બાદ રમશે પ્રથમ મેચ
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે. સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આશરે એક વર્ષ બાદ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. શમી બુધવારથી રણજી ટ્રોફીના મુકાબલામાં બંગાળ માટે મેદાનમાં ઉતરશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની લગભગ એક વર્ષ બાદ પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી થશે, જ્યારે તે બુધવારથી ઈન્દોરમાં મધ્યપ્રદેશ વિરુદ્ધ બંગાળ માટે રણજી ટ્રોફી મુકાબલો રમવા ઉતરશે. બંગાળ ક્રિકેટ સંઘએ આ જાહેરાત કરી છે.
વનડે વિશ્વકપ બાદ વાપસી કરશે
પાછલા વર્ષે 19 નવેમ્બરે વિશ્વકપ 2023 ફાઈનલ બાદ મોહમ્મદ શમી ક્રિકેટથી દૂર છે. ઈજાને કારણે શમીએ સર્જરી કરાવવી પડી અને તે લાંબા સમયથી વાપસીનો પ્રયાસ કરી રહ્યો છે. તેનું લક્ષ્ય બેંગલુરૂમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સલેન્સમાં રિહેબિલિટેશન બાદ મેચ સ્થિતિમાં મેચ ફિટનેસ સાબિત કરવા પર હશે.
બુધવારથી મેદાનમાં ઉતરશે શમી
બંગાળ ક્રિકેટ સંઘના સચિવ નરેશ ઓઝાએ કહ્યું- ભારતીય ક્રિકેટ ટીમ અને બંગાળનો બોલર મોહમ્મદ શમી બુધવારે રણજી ટ્રોફી મુકાબલામાં મધ્યપ્રદેશ સામે મેદાનમાં ઉતરશે. આ મેચ ઈન્દોરમાં રમાશે. એટલે કે શમી ઈજા બાદ પોતાની પ્રથમ મેચ રમશે.
શમી પર રહેશે બધાની નજર
ઓઝાએ કહ્યુ કે મોહમ્મદ શમી બંગાળના ફાસ્ટ બોલિંગ આક્રમણની આગેવાની કરશે અને ઓસ્ટ્રેલિયામાં રહેલા ભારતના થિંક ટેન્કની નજર પણ તેના પ્રદર્શન પર રહેશે. ભારતે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સાથ આપવા માટે આકાશ દીપ, હર્ષિત રાણા, નિતીશ કુમાર રેડ્ડી અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બિનઅનુભવી બોલરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
શમીએ કર્યું હતું શાનદાર પ્રદર્શન
મુકેશ કુમાર, નવદીપ સૈની અને ખલીલ અહમદ પણ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે, પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટનો વધુ અનુભવ નથી. શમીએ 2018-2019માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતની 2-1થી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવતા 16 વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે