GT vs DC: ગુજરાતની ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ, દિલ્હીએ માત્ર 8.5 ઓવરમાં જીતી લીધી મેચ
IPL 2024: ગુજરાત ટાઈટન્સે આઈપીએલ-2024માં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. આજે અમદાવાદમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે પરાજય આપ્યો છે.
Trending Photos
અમદાવાદઃ દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને તેના ઘરઆંગણે 6 વિકેટે પરાજય આપી શાનદાર જીત મેળવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમવાર 100 રનની અંદર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ 17.3 ઓવરમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં 67 રન ફટકારી દીધા હતા. પૃથ્વી શો 7 રન બનાવી આઉટ થયો હતો. ફ્રેઝર-મેકગર્ક 10 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 20 રન બનાવી આઉટ થયો હતો. અભિષેક પોરેલે 7 બોલમાં 2 ફોર અને એક સિક્સ સાથે 15 રનનું યોગદાન આપ્યું હતું. રિષભ પંત 16 અને સુમિત કુમાર 9 રન બનાવી અણનમ રહ્યાં હતા.
ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં ત્રીજીવાર ઓલઆઉટ
ગુજરાત ટાઈટન્સની ટીમ આજે આઈપીએલ ઈતિહાસમાં ત્રીજીવાર ઓલઆઉટ થઈ હતી. દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઈટન્સ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ગુજરાત ટાઈટન્સ આઈપીએલ-2023માં ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નઈ સામે ઓલઆઉટ થઈ હતી. જ્યારે આ સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 130 રનમાં ઓલઆઉટ થઈ હતી.
ગુજરાત તરફથી રાશિદ ખાને બનાવ્યા સૌથી વધુ રન
ગુજરાત તરફથી રાશિદ ખાન ટોપ સ્કોરર રહ્યો હતો. રાશિદ ખાને 24 બોલમાં 2 ફોર અને 1 સિક્સ સાથે 31 રન બનાવ્યા હતા. ગુજરાતની ઈનિંગમાં માત્ર એક સિક્સ લાગી જે રાશિદે ફટકારી હતી. રાશિદ બાદ સાંઈ સુદર્શને 12 રન બનાવ્યા હતા. તો રાહુલ તેવતિયા 10 રન બનાવી આઉટ થયો હતો. ગુજરાતના માત્ર ત્રણ બેટર ડબલ ડિઝિટમાં પહોંચી શક્યા હતા.
મુકેશ કુમારની ત્રણ વિકેટ
રિદ્ધિમાન સાહા 2 અને ગિલ 8 રન બનાવી આઉટ થયા હતા. સાંઈ સુદર્શન 12 રન બનાવ્યા હતા. તો મિલર 2, અભિનવ મનોહર 8, શાહરૂખ ખાન 0, મોહિત શર્મા 2, નૂર અહમદ 1 રન બનાવી આઉટ થયા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી મુકેશ કુમાર સૌથી સફળ બોલર રહ્યો હતો. મુકેશ કુમારે 2.3 ઓવરમાં 14 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સને બે-બે તથા અક્ષર પટેલ અને ખલીલ અહમદને એક-એક વિકેટ મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે