KKR vs RCB: લો-સ્કોરિંગ મેચમાં માંડ-માંડ જીત્યું બેંગલોર, કોલકત્તાને ત્રણ વિકેટે હરાવ્યું

IPL 2022, RCB vs KKR: આરસીબીએ આઈપીએલ-2022માં પોતાની પ્રથમ જીત મેળવી લીધી છે. લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં બેંગલોરે કોલકત્તાને ત્રણ વિકેટે હરાવ્યું છે. 

KKR vs RCB: લો-સ્કોરિંગ મેચમાં માંડ-માંડ જીત્યું બેંગલોર, કોલકત્તાને ત્રણ વિકેટે હરાવ્યું

મુંબઈઃ આઈપીએલ-2022ના છઠ્ઠા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકત્તા નાઇટ રાઇડર્સને ત્રણ વિકેટે પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ લો-સ્કોરિંગ રહી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાની ટીમ 18.5 ઓવરમાં માત્ર 128 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 7 વિકેટે 132 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. 

પાવરપ્લેમાં કોલકત્તાનો ધબડકો
કોલકત્તા નાઇટ રાઇડર્સને 14 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. વેંકટેશ અય્યર માત્ર 10 રન બનાવી અક્ષદીપનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રહાણે 9 રન બનાવી સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. ટીમનો સ્કોર 44 રન હતો ત્યારે નીતીશ રાણા 10 રન બનાવી અક્ષદીપની ઓવરમાં વિલીના હાથે કેચઆઉટ થયો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં 3 વિકેટે 44 રન બનાવ્યા હતા. 

હસરંગાની ચાર વિકેટ
પાવરપ્લે બાદ કેપ્ટન શ્રેયસ અય્યર હસરંગાની બોલિંગમાં 12 રન બનાવી ડુ પ્લેસિસને કેચ આપી બેઠો હતો. સુનીલ નારાયણ 8 બોલમાં 12 રન બનાવી હસરંગાનો શિકાર બન્યો હતો. શેલ્ડન જેક્સનને શૂન્ય રને હસરંગાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કોલકત્તા તરફથી સૌથી વધુ રન આંદ્રે રસેલે બનાવ્યા હતા. રસેલ 18 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 25 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. ઉમેશ યાદવે 18 અને વરૂણ ચક્રવર્તીએ અણનમ 10 રન બનાવ્યા હતા. 

આરસીબી તરફથી હસરંગાએ 4 ઓવરમાં 20 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. અક્ષદીપે 45 રન આપીને ત્રણ, હર્ષલ પટેલે 11 રન આપી બે અને સિરાજને એક સફળતા મળી હતી. 

બેંગલોરની ખરાબ શરૂઆત
કોલકત્તાએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 17 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ડુ પ્લેસિસ 5 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઉમેશ યાદવે અનુજ રાવત (0) અને વિરાટ કોહલી (12) ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. આરસીબીએ પાવરપ્લેમાં ત્રણ વિકેટે 36 રન બનાવ્યા હતા. 

આરસીબીને 62 રનના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. ડેવિડ વિલી 18 રન બનાવી નારાયણની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા શાહબાઝ અહમદે 20 બોલમાં ત્રણ સિક્સ સાથે 27 રન બનાવી બેંગલોરનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. શાહબાઝ વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. રૂધરફોર્ડે 40 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં દિનેશ કાર્તિક અણનમ 14 રન અને હર્ષલ પટેલ (અણનમ 10 રન) એ આરસીબીને જીત અપાવી હતી. 

કોલકત્તા તરફથી સાઉદીએ ત્રણ, ઉમેશ યાદવે બે અને વરૂણ ચક્રવર્તી અને નારાયણે એક-એક સફળતા મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news