IPL 2022: ગુજરાત સામે હારી જતા રિષભ પંત બરાબરનો અકળાયો, પોતાની જ ટીમના આ ખેલાડીઓ પર ફોડ્યું હારનું ઠીકરું

DC vs GT: દિલ્હી કેપિટલ્સના કપ્તાન ઋષભ પંતે શનિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ સામે 14 રનથી મળેલી હાર માટે પોતાની ટીમના જ બેટ્સમેનોને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે પિચને ધ્યાનમાં રાખીને અમે લક્ષ્ય હાંસલ કરી શકાયું હોત.

IPL 2022: ગુજરાત સામે હારી જતા રિષભ પંત બરાબરનો અકળાયો, પોતાની જ ટીમના આ ખેલાડીઓ પર ફોડ્યું હારનું ઠીકરું

મુંબઈ: આઈપીએલમાં હવે રોમાંચ વધી રહ્યો છે. આ વર્ષે આઈપીએલમાં સામેલ થયેલી ગુજરાત ટાઈટન્સની ટીમ વિરોધી ટીમો પર ભારે પડી રહી છે. કારણ કે ગુજરાતે અત્યાર સુધી બે મહત્ત્વપૂર્ણ મેચ રમી છે અને બન્ને મેચમાં વિરોધી ટીમોના નાકે દમ લાવી દીધો છે. IPL 2022ની 10મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. આ મેચમાં ગુજરાતનો 14 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે દિલ્હી સામે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત આ હારથી ઘણો નારાજ થયો છે અને તેણે હાર માટે પોતાની જ ટીમના કેટલાક ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા છે.

પંતે હાર માટે દોષનો ટોપલો ઢોળ્યો
દિલ્હી કેપિટલ્સના કપ્તાન ઋષભ પંતે શનિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ સામે 14 રનથી મળેલી હાર માટે પોતાની ટીમના જ બેટ્સમેનોને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે પિચને ધ્યાનમાં રાખીને અમે લક્ષ્ય હાંસલ કરી શકાયું હોત. ટાઇટન્સના 172 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ફર્ગ્યુસન (28 રનમાં 4 વિકેટ) અને મોહમ્મદ શમી (30 રનમાં 2 વિકેટ)ની તીક્ષ્ણ બોલિંગ સામે 9 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી પંતે 43 રન બનાવ્યા હતા.

અગાઉ ટાઇટન્સે ગીલના 46 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 84 રનમાં છ વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના મુસ્તાફિઝુર રહેમાન (23 રનમાં 3 વિકેટ) અને ખલીલ અહેમદે (34 રનમાં 2 વિકેટ) ગુજરાતના બેટરોને અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવવા દીધા ન હતા.

લક્ષ્ય હાંસલ કરી શકાયું હોત - પંત
પંતે સ્વીકાર્યું કે આ લક્ષ્યાંક હાંસલ કરવું જોઈતું હતું. પંતે મેચ બાદ જણાવ્યું કે, 'વિકેટને ધ્યાનમાં રાખીને સ્કોર એટલો મોટો ન હતો. અમે વધુ સારી બેટિંગ કરી શક્યા હોત, ખાસ કરીને મધ્ય ઓવરોમાં. આટલી વિકેટો ગુમાવ્યા બાદ મેચમાં વાપસી કરવી મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તમારી ટીમ હારે છે દિલ તૂટી જાય છે પરંતુ અમે આગામી મેચમાં સુધારો કરીશું.

ગુજરાતની સતત બીજી જીત
ગુજરાતની ટીમનો આત્મવિશ્વાસ હાલ ટોચ પર છે અને હોવો પણ જોઈએ, કારણ કે આ સતત તેમનો બીજો વિજય છે. આ મેચમાં ગુજરાતે 172 રન બનાવ્યા હતા. ગુજરાત માટે ઓપનર શુભમન ગિલે 46 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટમાંથી 31 રન આવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીની ટીમ 13 રનથી પાછળ રહી ગઈ હતી. દિલ્હી તરફથી એકમાત્ર કેપ્ટન ઋષભ પંતે 43 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. બીજી તરફ ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસને 4 અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news