IPL 2019: આરસીબીનો સતત છઠ્ઠો પરાજય, દિલ્હી કેપિટલ્સનો 4 વિકેટે વિજય

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 12ના 20માં મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 4 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. તો બેંગલુરૂ આ સિઝનમાં પોતાના પ્રથમ વિજય મેળવવાથી વંચિત રહ્યું છે. 

IPL 2019:  આરસીબીનો સતત છઠ્ઠો પરાજય, દિલ્હી કેપિટલ્સનો 4 વિકેટે વિજય

બેંગલુરૂઃ કાગિસો રબાડા (21/4) વિકેટ અને કેપ્ટન શ્રેયર અય્યરની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અહીં રમાયેલી આઈપીએલ-2019ના 20માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 5 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાનો ત્રીજો વિજય મેળવ્યો છે. વિરાટ કોહલીની આરસીબીનો આ સિઝનમાં સતત છઠ્ઠો પરાજય છે. આ સાથે તેની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ વિરાટ કોહલીના 41 અને મોઇન અલીના 32 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.5 ઓવરમાં 152 રન બનાવીને આ લક્ષ્યને હાસિલ કરી લીધો હતો.  દિલ્હી માટે કેપ્ટન શ્રેયસ અય્યરે 50 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની સાથે સૌથી વધુ 67 રન ફટકાર્યા હતા. 

150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં શિખર ધવન શૂન્ય પર આઉટ થયો હતો. ટિમ સાઉદીની બોલિંગમાં નવદીપ સૈનીએ તેનો કેચ ઝડપ્યો હતો. પૃથ્વી શો 22 બોલ પર 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે અય્યરની સાથે બીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. કોલિન ઇનગ્રામ (22)ને મોઇન અલીએ આઉટ કર્યો હતો. ત્યારબાદ નવદીપ સૈનીએ શ્રેયસ અય્યર (67) અને ક્રિસ મોરિસ (0)ને આઉટ કર્યાં હતા. ઈનિંગની 19મી ઓવરમાં મોહમ્મદ સિરાજે રિષભ પંત (18)ને આઉટ કરીને દિલ્હીને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ
કાગિસો રબાડા (21 રન પર 4 વિકેટ)ની આગેવાનીમાં પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને આઠ વિકેટ પર 149 રન પર રોકી દીધું હતું. બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. આ સિવાય મોઈન અલીએ 32 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ માટે રબાડાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના મિજાજથી વિપરીત ધીમી બેટિંગ કરી હતી. હાલની સિઝનમાં પ્રથમ જીત માટે સંઘર્ષ કરી રહેલા આરસીબીના બેટ્સમેનોને મુશ્કેલી પડી કારણ કે વિકેટ પર શોટ રમવા મુશ્કેલ હતા. 

કેપ્ટન વિરાટ કોહલીએ 33બોલ પર એક ફોર અને બે સિક્સની મદદથી 41 અને મોઇન અલીએ 18 બોલ પર એક ફોર અને ત્રણ સિક્સની મદદથી 32 રનનું યોગદાન આપ્યું હતું. બંન્ને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે સૌથી વધુ 37 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય અક્ષદીપ નાથે 19, માર્કસ સ્ટોઇનિસે 15 અને ટીમ સાઉદીએ અણનમ 9 રન બનાવ્યા હતા. બેંગલુરૂએ અંતિમ ચાર ઓવરમાં 35 રન બનાવ્યા અને ચાર વિકેટ પણ ગુમાવી હતી. દિલ્હી માટે રબાડાએ સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ ચાર વિકેટોમાં કોહલી અને ડિવિલિયર્સની વિકેટ પણ સામેલ છે. તેનું ટી20માં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રબાડા સિવાય ક્રિસ મોરિસે બે અને અક્ષર પટેલ તથા સંદીપ લામિછાનેએ એક-એક વિકેટ ઝડપી હતી. 

આરસીબીની શરૂઆત ખરાબ રહી અને બીજી ઓવરમાં પાર્થિવ પટેલને ક્રિસ મોરિસે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પાર્થિવે 9 રન બનાવ્યા હતા. છઠ્ઠી ઓવરમાં કાગિસો રબાડાએ ડિવિલિયર્સને કોલિન ઇન્ગ્રામના હાથે કેચ કરાવીને બેંગલુરૂને બીજો ઝટકો આપ્યો હતો. એબી ડિવિલિયર્સ 17 રન બનાવીને આઉટ થયો હતો. 

11મી ઓવરમાં માર્કસ સ્ટોઇનિસને અક્ષર પટેલે પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. બેંગલુરૂને ચોથો ઝટકો મોઇન અલીના રૂપમાં લાગ્યો હતો. તેને સંદીપ લામિછાનેએ આઉટ કર્યો હતો. મોઇન અલીએ 32 રન બનાવ્યા હતા. 113ના સ્કોર પર વિરાટ કોહલી આઉટ થયાં બાદ 9 રનની અંદર બેંગલુરૂએ ત્રણ વિકેટ ગુમાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news