IPL 2019, KXIP vs DC: પંજાબની સામે દિલ્હીનો પડકાર, ગેલની સામે હશે રબાડા

ઈન્ડિયન પ્રીમિયર લીગના 13માં મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે હશે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં રાત્રે 8 કલાકે રમાશે. 

IPL 2019, KXIP vs DC: પંજાબની સામે દિલ્હીનો પડકાર, ગેલની સામે હશે રબાડા

મોહાલીઃ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સોમવારે અહીં આઈપીએલમાં જ્યારે દિલ્હી કેપિટલ્સનો સામનો કરવા ઉતરશે તો તે જોવું રસપ્રદ હશે કે તે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સુપર ઓવરમાં જીતનો હીરો રહેલા કાગિસો રબાડાના યોર્કર બોલનો સામનો કઈ રીતે કરે છે. રબાડાની શાનદાર બોલિંગથી શનિવારે દિલ્હી કેપિટલ્સે આઈપીએલના ઈતિહાસમાં સુપર ઓવરમાં પોતાના સૌથી ઓછા સ્કોર (10 રન)નો સફળતાપૂર્વક બચાવ કરતા ત્રણ રનથી જીત મેળવી હતી. આ પહેલા બંન્ને ટીમો નિર્ધારિત 20 ઓવરમાં એક સમાન 185 રન બનાવી શકી હતી. 

હવે બધાનું ધ્યાન તે વાત પર હશે કે દક્ષિણ આફ્રિકાનો તે ફાસ્ટ બોલર ક્રિસ ગેલ લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ અને ડેવિડ મિલર જેવા સ્ટાર બેટ્સમેનોની સામે કેવું પ્રદર્શન કરશે. બંન્ને ટીમોએ શનિવારે પોત-પોતાના મેચમાં જીત મેળવી હતી, જેથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે. 

ઓપનિંગ બેટ્સમેન હશે ખાસ
ખાસ વાત તે છે કે, બંન્ને ટીમોની જીતમાં ઓપનિંગ બેટ્સમેનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હી માટે પૃથ્વી શો (55 બોલ 99)એ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ટીમને લક્ષ્યની ઘણી નજીક પહોંચાડી દીધો હતી તો બીજીતરફ લોકેશ રાહુલ (57 બોલમાં અણનમ 71)એ મુંબઈ વિરુદ્ધ પંજાબની જીત પાક્કી કરી હતી. પ્રથમ બે મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ રાહુલે મુંબઈ વિરુદ્ધ શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી જ્યારે ગેલ (40) અને મયંક અગ્રવાલ (43)ની જોડીએ આક્રમક બેટિંગ કરી હતી અને પંજાબે આસાનીથી 177 રનનો લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

મોહમ્મદ શમીની આગેવાનીમાં ટાઈ અને હાર્ડસ વિલોજેનની ફાસ્ટ બોલિંગનો સામનો કરવો દિલ્હી માટે આસાન રહેશે નહીં. કેપ્ટન આર. અશ્વિનની આગેવાનીમાં સ્પિનર પણ હોમ ગ્રાઉન્ડનો ફાયદો મેળવવા પ્રયત્ન કરશે. 

લયમાં છે દિલ્હીની ટીમ
કેકેઆર વિરુદ્ધ સુપર ઓવરમાં મળેલી જીત બાદ દિલ્હીની ટીમ લયને યથાવત રાખવા ઈચ્છશે. શો સિવાય દિલ્હીને શાનદાર ફોર્મમાં રહેલા રિષભ પંત પાસેથી આશા હશે, જેણે ટીમના પ્રથમ મેચમાં મુંબઈ વિરુદ્ધ 78 રન ફટકાર્યા હતા. શિખર ધવન, કેપ્ટન શ્રેયર અય્યર અને કોલિન ઇંગ્રામ પણ પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરશે. બોલિંગ વિભાગમાં રબાડા સિવાય કીવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, ઈશાંત શર્મા અને અક્ષર પટેલ પણ વિરોધી બેટ્સમેનોની મુશ્કેલી વધારી શકે છે. 

હેડ ટૂ હેડ
હેડ ટૂ હેડની વાત કરીએ તો પંજાબનો પક્ષ ભારે છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 22 મેચ રમાઈ છે, જેમાં દિલ્હીએ 9 મેચ જીતી છે, તો 13 મેચમાં પંજાબે બાજી મારી છે. છેલ્લા બે મેચની વાત કરીએ તો પંજાબે દિલ્હીને હરાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news