INDvsAUS: ધોની-જાધવની વિજયી ભાગીદારી, ભારત 6 વિકેટે જીત્યું, શ્રેણીમાં 1-0થી આગળ
હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજય આપીને પાંચ મેચોની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Trending Photos
હૈદરાબાદઃ મહેન્દ્ર સિહ ધોની અને કેદાર જાધવની અણનમ 141 રનની ભાગીદારીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ વનડેમાં 6 વિકેટે પરાજય આપીને પાંચ મેચોની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 236 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 10 બોલ બાકી રાખીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. એમએસ ધોની 72 બોલમાં 59 અને કેદાર જાધવ 87 બોલમાં 81 રન બનાવી અણનમ રહ્યાં હતા. એક સમયે ભારતે 99 રન પર 4 વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં હતું પરંતુ ધોની અને જાધવે ભારતને વિજય અપાવ્યો હતો. ધોનીએ 6 ફોર અને એક સિક્સ તથા કેદાર જાધવે 9 ફોર અને એક સિક્સ ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પા અને નાથન કુલ્ટર નાઇલે બે-બે વિકેટ ઝડપી હતી. મેચમાં અણનમ 81 રન ફટકારનાર કેદાર જાધવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
શિખર ધવનની ગોલ્ડન ડક
237 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ઈનિંગની બીજી ઓવરના પ્રથમ બોલે શિખર ધવન (0)ને નાથન કુલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો.
કોહલી-રોહિત વચ્ચે 76 રનની ભાગીદારી
ભારતે પ્રથમ વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અડધી સદી ચુકી ગયો હતો. તે (44) એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. તેણે 45 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી.
રોહિત શર્મા (37) નાથન કુલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો. રોહિતે 66 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ભારત 99 રનના સ્કોરે પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂ (13)ને એડમ ઝમ્પાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. રાયડૂએ 19 બોલમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી.
કેદાર જાધવ અને ધોનીએ સંભાળી ઈનિંગ
ભારત એક સમયે 99 રનમાં ચાર વિકેટ ગુમાવતા મુશ્કેલીમાં આવી ગયું હતું. પરંતુ કેદાર જાધવ અને એમએસ ધોનીએ શાનદાર બેટિંગ કરતા ભારતને 150ને પાર પહોંચાડ્યું હતું. બંન્નેએ સદીની ભાગીદારી કરી હતી. આ દરમિયાન કેદાર જાધવે વનડે કરિયરની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. જાધવે 67 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. એમએસ ધોનીએ પોતાના વનડે કરિયરની 71મી અડધી સદી ફટકારી હતી. ધોનીએ 68 બોલમાં 4 બાઉન્ડ્રી અને એક સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંન્નેએ પાંચમી વિકેટ માટે અણનમ 141 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજાએ સૌથી વધુ 50, મેક્સવેલે 40, કેરીએ અણનમ 36 અને નાથન કુલ્ટર નાઇટલે 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શમી, બુમરાહ અને કુલદીપે બે-બે વિકેટ ઝડપી હતી.
એરોન ફિન્ચ ફરી નિષ્ફળ
બંન્ને ટી20 મેચોમાં નિષ્ફળ રહેનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ફરી નિરાશ કર્યા હતા. પોતાની 100મી વનડેમાં ફિન્ચ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેને ઈનિંગની બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે શૂન્ય રન પર વિકેટકીપર ધોનીના હાથે કેચઆઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને માર્કસ સ્ટોઇનિસે ઈનિંગ સંભાળી હતી.
ઉસ્માન ખ્વાજા-સ્ટોઇનિસ વચ્ચે 87 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ શૂન્ય રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ સ્ટોઇનિસ અને ઉસ્માન ખ્વાજાએ બીજી વિકેટ માટે 87 રન જોડ્યા હતા. બંન્નેએ શાનદાર બેટિંગ કરતા ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. ઈનિંગની 21મી ઓવરમાં કેદાર જાધવે માર્કસ સ્ટોઇનિસ (37)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. સ્ટોઇનિસે 53 બોલનો સામનો કરતા 6 બાઉન્ડ્રી ફટકારી હતી.
ખ્વાજાની વનડેમાં છઠ્ઠી અડધી સદી
ઉસ્માન ખ્વાજાએ 74 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 5 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. પરંતુ તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. અડધી સદી ફટકાર્યા બાદ તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. વિજય શંકરે શાનદાર કેચ ઝડપીને ખ્વાજાની ઈનિંગનો અંત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઈનિંગની 25મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા.
ત્યારબાદ પીટર હૈંડ્સકોમ્બ (19)ને કુલદીપ યાદવે ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. તેણે 30 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી ફટકારી હતી. હૈંડ્સકોમ્બ આઉટ થયા બાદ એસ્ટોન ટર્નર બટિંગ કરવા આવ્યો હતો. તેણે મેક્સવેલ સાથે મળીને પાંચમી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. શમીએ ટર્નર (21)ને બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ટર્નરે 23 બોલમાં એક ફોર અને એક સિક્સ ફટકારી હતી. મેક્સવેલ (40)ને શમીએ બોલ્ડ કર્યો હતો.
એલેક્સ કેરી અને નાથન કુલ્ટર નાઇલે સાતમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. નાથન કુલ્ટર નાઇટલ (28) રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે