INDvsENG: સ્પિનરો સામે ઈંગ્લેન્ડ ફેલ, ભારતનો ઈનિંગ અને 25 રને વિજય, શ્રેણી 3-1થી કરી કબજે
India vs Englend: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર વિજય મેળવી સિરીઝ 3-1થી કબજે કરી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ દમદબાભેર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Trending Photos
અમદાવાદઃ અક્ષર પટેલ (5) અને રવિચંદ્રન અશ્વિન (5) ની દમદાર બોલિંગની મદદથી ભારતે અહીં ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ત્રીજા દિવસે ઈનિંગ અને 25 રને પરાજય આપી સિરીઝ 3-1થી કબજે કરી છે. આ સાથે ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમ 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 365 રન બનાવી 160 રનની લીડ મેળવી હતી. જેના જવાબમાં બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 135 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય સ્પિનરોનો દબદબો
ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં પણ સ્પિનરોનો સામનો કરવામાં ફેલ રહી. અક્ષર પટેલે દમદાર પ્રદર્શન કરતા કરિયરમાં ચોથી વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. ભારત તરફથી અક્ષરે 24 ઓવરમાં 47 રન આપી 5 વિકેટ ઝડપી હતી. તો અશ્વિને 47 રન આપી 5 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
ભારતીય ટીમે 3-1થી સિરીઝ જીતવાની સાથે જૂનમાં રમાનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સિરીઝ શરૂ થઈ તે પહેલા ભારતીય ટીમે ઓછામાં ઓછી ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 2-1થી જીતવાની જરૂર હતી. ભારતે 3-1થી સિરીઝ જીતીને ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ રમવાની ટિકિટ મેળવી લીધી છે.
ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડ ફેલ
ઈંગ્લેન્ડની આ સિરીઝમાં સૌથી મોટી સમસ્યા સ્પિન બોલિંગનો સામનો કરવાની રહી છે. ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પણ ભારતીય સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિન સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો નબળા સાબિત થયા હતા. 160 રનના દેવા સાથે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને 10 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. સિબલી (3)ને અશ્વિને આઉટ કર્યો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટો (0)ને અશ્વિને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી.
સ્ટોક્સ, રૂટ, ક્રાઉલી, પોપ ફરી ફેલ
ઈંગ્લેન્ડની ટીમને 20 રનના સ્કોર પર ક્રાઉલી (5)ના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. આ સફળતા અક્ષર પટેલને મળી હતી. બેન સ્ટોક્સ માત્ર 2 રન બનાવી અક્ષરની ઓવરમાં આઉટ થયો હતો. આ સિવાય ઓલી પોપ (15)ને અક્ષરે આઉટ કરી ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો. જો રૂટ (30)ને અશ્વિને LBW આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી.
ભારતની પ્રથમ ઈનિંગ, રિષભ પંતની શાનદાર સદી
ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. રિષભના કરિયરની આ ત્રીજી ટેસ્ટ સદી છે. તો ભારતમાં આ તેની પ્રથમ સદી છે. પંતે 118 બોલનો સામનો કરતા 13 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 101 રન બનાવ્યા હતા. એક સમયે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી. પરંતુ પંતે સુંદર સાથે મળીને 113 રનની ભાગીદારી કરી ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી.
વોશિંગટન સુંદરે શાનદાર 96 રન બનાવ્યા
ભારતીય ટીમે 121 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બેકફુટ પર હતી. પરંતુ સુંદરે શાનદાર બેટિંગ કરી પહેલા રિષભ પંત અને ત્યારબાદ અક્ષર પટેલ સાથે સદીની ભાગીદારી કરી હતી. સુંદરે 174 બોલમાં અણનમ 96 રન બનાવ્યા હતા. સુંદરે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં રોહિત શર્માએ 49 રન બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલે પણ 43 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ચેતેશ્વર પૂજારા 17, વિરાટ કોહલી 0, રહાણે 27 અને અશ્વિન 13 રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઈનિંગમાં બેન સ્ટોક્સે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જેમ્સ એન્ડરસનને ત્રણ સફળતા મળી હતી.
ઈંગ્લેન્ડની ઈનિંગ, સ્ટોક્સની અડધી સદી
ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો ડોમ સિબ્લીના રૂપમાં લાગ્યો, જે અક્ષર પટેલના બોલ પર 2 રન બનાવી આઉટ થયો હતો. જેક ક્રાઉલીના રૂપમાં ભારતને બીજી સફળતા મળી હતી. આ વિકેટ પણ અક્ષર પટેલને મળી, તેણે ક્રાઉલીને 9 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો કેપ્ટન જો રૂટ (5)ના રૂપમાં લાગ્યો હતો. રૂટને મોહમ્મદ સિરાજે lbw આઉટ થયો હતો.
ચોથો ઝટકો ઈંગ્લેન્ડને જોની બેયરસ્ટોના રૂપમાં લાગ્યો જે 28 રન બનાવી સિરાજ શિકાર બન્યો હતો. બેન સ્ટોક્સે 55 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડ તરફથી અડધી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન હતો. તેને વોશિંગટન સુંદરે આઉટ કર્યો હતો. ભારતને છઠ્ઠી સફળતા આર અશ્વિને અપાવી હતી. અશ્વિને ઓલી પોપ (29) ને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો.
ત્યારબાદ બેન ફોકસના રૂપમાં ઈંગ્લેન્ડે સાતમી વિકેટ ગુમાવી હતી. તેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. અક્ષર પટેલે ડેનિયલ લોરેન્સન (46) ને આઉટ કરી ભારતને આઠમી સફળતા અપાવી હતી. ત્યારબાદ ડોમિનિક બેસ 3 રન બનાવી અક્ષરની ઓવરમાં આઉટ થયો હતો. જેક લીચને અશ્વિને LBW આઉટ કરી ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત કર્યો હતો.
ભારતીય સ્પિનરોનો દબદબો
અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા 26 ઓવરમાં 68 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આર અશ્વિને 19.5 ઓવરમાં 47 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજને બે અને વોશિંગટન સુંદરને એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે