IND vs SL T20: સૂર્યા-ગંભીરની જોડીની શાનદાર શરૂઆત, ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું

ભારતીય ટીમે ત્રણ મેચની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં યજમાન શ્રીલંકાને 43 રને પરાજય આપ્યો છે. ભારત તરફથી કેપ્ટન સૂર્યાએ અડધી સદી ફટકારી તો બોલિંગમાં રિયાન પરાગે ત્રણ વિકેટ લીધી હતી. 

IND vs SL T20: સૂર્યા-ગંભીરની જોડીની શાનદાર શરૂઆત, ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું

નવી દિલ્હીઃ  ભારતે શ્રીલંકાને ટી20 સિરીઝની પ્રથમ મેચમાં 43 રને પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં શાનદાર જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 213 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત માટે સૂર્યાએ કમાલની બેટિંગ કરી હતી. તેણે 26 બોલમાં 58 રન ફટકાર્યા હતા. રિષભ પંતે 33 બોલનો સામનો કરતા 49 રન ફટકાર્યા હતા. ભારતને બંને ઓપનરોએ આક્રમક શરૂઆત અપાવી હતી. યશસ્વીએ માત્ર 21 બોલમાં 40 રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગિલે 16 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. તો બોલિંગમાં રિયાન પગારે કમાલ કર્યો હતો. પરાગે માત્ર 1.2 ઓવરમાં 5 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહે 3 ઓવરમાં 24 રન આપીને બે તથા અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઈને એક-એક સફળતા મળી હતી. 

શ્રીલંકા માટે પથુમ નિસંકાએ 79 રન ફટકાર્યા હતા. તેણે 48 બોલમાં 7 ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. આ સિવાય કુસલ મેન્ડિસે 45 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કુસલ પરેરાએ 20 રન બનાવ્યા હતા. આ બંને ઓપનરોએ 8.4 ઓવરમાં 84 રનની ભાગીદારી કરી હતી. પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ શ્રીલંકાના અન્ય બેટર મોટી ઈનિંગ રમી શક્યા નહીં. ભારતીય ટીમે આ જીત સાથે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news