ટેસ્ટમાં કર્યો કમાલ, હવે વનડે સિરીઝ જીતીને ઈતિહાસ રચી શકે છે ભારત


ટેસ્ટ સિરીઝમાં યજમાન કાંગારૂને 72 વર્ષમાં પ્રથમવાર તે દેશમાં ઈતિહાચ રચનારી ટીમ ઈન્ડિયાની નજર હવે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમવાર કોઈ બાઇલેટરલ (દ્વિપક્ષીય) વનડે સિરીઝ જીતવા પર હશે. 


 

ટેસ્ટમાં કર્યો કમાલ, હવે વનડે સિરીઝ જીતીને ઈતિહાસ રચી શકે છે ભારત

સિડનીઃ ટેસ્ટ સિરીઝમાં યજમાન કાંગારૂને કચળીને 72 વર્ષમાં પ્રથમવાર તે દેશમાં ઈતિહાસ ચરનાર ટીમ ઈન્ડિયાની નજર હવે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમવાર કોઈ દ્વિપક્ષીય સિરીઝ જીતવા પર હશે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર 12 વનડે સિરીઝ રમી છે પરંતુ તેમાં એક સિરીઝને છોડી દેવામાં આવે તો બાદી તમામ મલ્ટીનેશન વનડે સિરીઝ રમી છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકમાત્ર દ્વિપક્ષીય વનડે સિરીઝ વર્ષ 2016મા રમાઈ હતી. પાંચ મેચોની આ સિરીઝમાં ભારતનો 1-4થી પરાજય થયો હતો. ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો ભારતે ઓસ્ટ્રેલિયામાં કુલ 48 વનડે મેચ રમી છે, જેમાં 11માં જીત અને 35માં પરાજય થયો છે. જ્યારે બે મેચોનું પરિણામ આવ્યું નથી. તેવામાં ટેસ્ટમાં કમાલ કરનારી ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર યજમાન કાંગારૂ વિરુદ્ધ કોઈ દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતવા મેદાને ઉતરશે. 

ટીમ ઈન્ડિયાએ આમ તો ઓસ્ટ્રેલિયામાં બે વનડે સિરીઝ જીતી છે, પરંતુ તે દ્વિપક્ષીય નહીં પરંતુ મલ્ટીનેશનલ વનડે સિરીઝ હતી. ભારતે 1984/85માં બેંસન એન્ડ હેઝેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ વર્ષ 2007/08મા કોમનવેલ્થ બેન્ક વનડે ટ્રાઇ સિરીઝ પોતાના નામે કરી હતી. 

1984/85માં ભારતે સુનીલ ગાવસ્તરની આગેવાનીમાં કાંગારૂની ધરતી પર મલ્ટીનેશન વનડે ટૂર્નામેન્ટ જીતી હતી. આ ટૂર્નામેન્ટના એક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને યાદગાર વિજય મેળવ્યો હતો. એમસીસી પર 1984/85માં બેંસન એન્ડ હેઝેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્ને માટે મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયાએ નોકઆઉટ કરવા માટે ઓસ્ટ્રેલિયાને 223 રન બનાવીને પ્રવાસી ટીમને 160 રનની અંદર રોકવાની જરૂર હતી. 

પરંતુ રોજર બિન્ની (27/3)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને 163 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ કૃષ્ણમચારી શ્રીકાંત શાનદાર બેટિંગ કરી અને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી. શ્રીકાંતે 93 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવીને બેંસન એન્ડ હેઝેસ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી હતી. 

2007-2008માં ધોનીની આગેવાનીનો ચાલ્યો જાદૂ
2007-2008 કોમનવેલ્થ બેન્ક સિરીઝમાં ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગૌતમ ગંભીરે 440 રન બનાવ્યા જ્યારે સચિને 399 રન બનાવ્યા હતા. ભારત માટે ઈરફાન પઠાણે 11, ઈશાંત શર્માએ 14 અને પ્રવીણ કુમારે 10 વિકેટ ઝડપી હતી. આ ટ્રોઈ સિરીઝના પ્રથમ અને બીજા ફાઇનલમાં સચિન તેંડુલકરે ક્રમશઃ 117 અને 91 રન ફટકાર્યા હતા. ત્યારે સચિને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી. ભારતે બીજી ફાઇનલ જીતીને ટ્રોફી પોતાના નામે કરી હતી. 

હવે વિરાટની પાસે ઈતિહાસ રચવાની તક
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો 12 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે. સિરીઝની બીજી વનડે એડિલેડમાં 15 જાન્યુઆરીએ રમાશે અને અંતિમ વનડે મેચ 18 જાન્યુઆરીએ મેલબોર્નમાં રમાશે. ટેસ્ટમાં કાંગારૂને હરાવ્યા બાગ વિરાટ બ્રિગેડની પાસે વનડે સિરીઝ જીતીને ઈતિહાસ રચવાની તક છે. વિરાટ કોહલી જો ટીમ ઈન્ડિયાને વનડે સિરીઝમાં જીત અપાવે તો તે એવો કેપ્ટન બની જશે જેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક પ્રવાસમાં ટેસ્ટ અને વનડે (દ્વિપક્ષીય) સિરીઝમાં વિજય મેળવ્યો હશે. સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 મેચ રમાઈ છે. તેમાંથી 13માં ઓસ્ટ્રેલિયાનો અને બે વનડેમાં ભારતનો વિજય થયો છે. જ્યારે એક મેચ રદ્દ થઈ ગઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news