INDvsAUS: આજે પ્રથમ ટી20, વિશ્વકપ પહેલા ખેલાડીઓને અજમાવવાની છેલ્લી તક

વિશાખાપટ્ટનમમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝનો પ્રારંભ થવાનો છે. ભારતીય ટીમ માટે વિશ્વકપની તૈયારી અને ટીમ પસંદગીને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખુબ મહત્વની સાબિત થવાની છે. 
 

INDvsAUS: આજે પ્રથમ ટી20, વિશ્વકપ પહેલા ખેલાડીઓને અજમાવવાની છેલ્લી તક

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજે પહેલા ટી20 મેચથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝની શરૂઆત કરશે જેના માધ્યમથી તે ઈંગ્લેન્ડમાં જનારી વિશ્વકપ ટીમ માટે બાકીના કેટલાક અંતિમ ઉપલબ્ધ સ્થાનો પર મોહર લગાવવા ઈચ્છશે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ સાત મેચોની સિરીઝમાં બે ટી20 આંતરરાષ્ટ્રીય અને પાંચ વનડે આંતરરાષ્ટ્રીય મેચ સામેલ છે અને 30 મેથી ઈંગ્લેન્ડ તથા વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વકપ પહેલા આ ભારતની અંતિમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે. 

ટીમમાં મોટાભાગના ખેલાડીઓનું સ્થાન નક્કી છે, માત્ર બે સ્થાન એવા છે જેના માટે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી આ બે ટી20 મેચથી વિશ્વકપની ટીમના દાવેદારોનું પ્રદર્શન જોવા ઈચ્છશે. કેપ્ટન વિરાટ કોહલી ત્રણ સપ્તાહ આરામ કર્યા બાદ પરત ફર્યો છે, તે રિષભ પંત અને વિજય શંકર જેવા ખેલાડીઓ પર નજર રાખશે જે આ યાદીમાં જગ્યા બનાવવાના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. 

વિશ્વકપની દોડમાં દિનેશ કાર્તિકને વનડે ટીમમાંથી બહાર કર્યા બાદ પંતને પોતાનો દાવો મજબૂત કરવાની વધુ કેટલિક તક મળશે. વિજય શંકર માટે પણ પોતાને સાબિત કરવાની સારી તક હશે જે પીઠની ઈજાને કારણે બહાર થયેલા હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમમાં છે. શંકર દેખાડી ચુક્યો કે તે બેટિંગથી આક્રમક પ્રદર્શન કરી શકે છે. પરંતુ સવાલ તેની બોલિંગ પર છે કે તે કેટલી પ્રભાવશાળી હોઈ શકે છે. 

તો દિનેશ કાર્તિક પણ સારૂ પ્રદર્શન કરવા માટે તૈયાર હશે. પોતાને સાબિત કરવા માટે તેની પાસે માત્ર બે ટી20 મેચ છે, કારણ કે વનડે ટીમમાંથી તેને બહાર કરી દેવામાં આવ્યો છે. તમિલનાડુના આ અનુભવી ખેલાડીને તમામની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝના નિર્ણાયક ટી20 મેચમાં તેણે એક રન લેવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે બીજા છેડે ક્રુણાલ પંડ્યા હતા. ભારતના નંબર એક બોલર જસપ્રીત બુમરાહની વાપસીથી બોલિંગ વિભાગમાં મજબૂતી આવશે. 

બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરવાથી માત્ર બે વિકેટ દૂર છે અને તે આ સિદ્ધિ માત્ર આર અશ્વિનના નામે છે, જે અત્યારે ટીમમાંથી બહાર છે. લેગ બ્રેક બોલર મયંક માર્કેંડેય ટીમમાં છે. ભારતીય ટીમ યુજવેન્દ્ર ચહલ અને ક્રુણાલ પંડ્યાની સાથે ઉતરે તેવી સંભાવના છે, જેણે હાલના સમયમાં ડોમેસ્ટિક ટીમ માટે સારૂ પ્રદર્શન કર્યું છે. પરંતુ રમતનું આ નાનું ફોર્મેટ ભારતીય ટીમ માટે સાતત્યભર્યું રહ્યું નથી, ટીમને હાલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1-2થી હાર મળી હતી. 

ભારત ભલે ટી20માં ઓસ્ટ્રેલિયા સામે જીતનો રેકોર્ડ 11-6થી આગળ હોય પરંતુ તેની વિરુદ્ધ છેલ્લી બે સિરીઝ (ઘરઆંગણે 2017 અને ઓસ્ટ્રેલિયામાં 2018)માં સ્કોર 1-1થી બરોબર રહ્યો છે. 2016માં ભારતે ધોનીના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3-0થી અંતિમ જીત મેળવી હતી અને આ વખતે કોહલીની ટીમ આ સ્કોર 2-0 કરવા ઈચ્છશે. પરંતુ તેનાથી વધુ આ સિરીઝ વિશ્વકપ માટે 'ડ્રેસ રિહર્સલ'નું કામ કરશે કારણ કે કોહલી વિશ્વકપ પહેલા અંતિમ અંદાજ લગાવવા ઈચ્છશે. 

કોહલી 2018માં શાનદાર પ્રદર્શન બાદ રન બનાવવા ઈચ્છશે, જેણે વર્ષનો અંત તમામ ફોર્મેટમાં 38 મેચોમાં 2735 રન બનાવીને કર્યો હતો. તેણે વનડેમાં 14 ઈનિંગમાં 133.55ની એવરેજથી 1202 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 13 ટી20માં તેની એવરેજ 61ની રહી છે, જેમાં પાંચ અડધી સદી સામેલ છે. 

એરોન ફિન્ચની ટીમ ત્રણ મહિના પહેલા ભારત વિરુદ્ધ અંતિમ સિરીઝ બાદ ટી20 મેચ રમી નથી, પરંતુ તેના છ ખેલાડી બિગ બેશ લીગમાં રમીને અહીં પહોંચ્યા છે. બીબીએલ ફાઇનલ 17 ફેબ્રુઆરીએ રમાઈ, જેના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ડાર્સી શોર્ટે આ સિઝનમાં હોબાર્ટ હેરિકેન્સ માટે 15 મેચોમાં 53.08ની એવરેજથી 637 રન બનાવ્યા હતા. તો કેન રિચર્ડ્સને બોલિંગમાં 24 વિકેટ હાસિલ કરી હતી. 

ટીમોઃ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કડેય. 

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હૈંડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, ઝાઇ રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news