PM મોદીના હસ્તે આજથી ખેડૂત યોજનાની શરૂઆત, આ રાજ્યોના ખેડૂતોને મળશે 2,000 રૂપિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાની શરૂઆત કરશે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાની શરૂઆત કરશે. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો જમા કરવામાં આવશે. કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસોમાં અન્ય એક કરોડ ખેડૂતોને આ લાભ પહોંચતો કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20ના વચગાળના બજેટમાં પીએમ ખેડૂત યોજનાની જાહેરાત કરી હતી. જે મુજબ બે હેક્ટર જમીન ખેડનારા 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની કેશ મદદ કરવાની જાહેરાત કરાઈ હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આવતી કાલ એક ઐતિહાસિક દિવસ છે! વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિની શરૂઆત ગોરખપુરથી થશે. આ યોજનાથી આકરી મહેનત કરનારા કરોડો ભારતીય ખેડૂતોની આકાંક્ષાઓને પાંખો લાગશે. જે આપણા દેશનું પોષણ કરે છે. તેમણે કહ્યું કે આવતી કાલે પીએમ ખેડૂત સન્માન નિધિની શરૂઆત બે વસ્તુઓ દર્શાવે છે: ખેડૂતોના કલ્યાણ પ્રત્યે એનડીએની અતૂટ પ્રતિબદ્ધતા અને ઝડપી નિર્ણયની પ્રક્રિયા-- પહેલી ફેબ્રુઆરીએ જાહેર થયેલી યોજના ખુબ ઓછા સમયમાં અમલીકરણનું રૂપ લઈ રહી છે. આ નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિ છે.
આ યોજના આ નાણાકીય વર્ષથી જ લાગુ થઈ ગઈ છે અને આ જ કારણ છે કે ખેડૂતોને માર્ચના અંત સુધીમાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો પણ મળી જશે. આ યોજના કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓને દૂર કરવાની કેન્દ્રની કોશિશોનો ભાગ છે. અનાજના બમ્પર ઉત્પાદનના કારણે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. શેરડી, કપાસ અને અન્ય પાકના મામલે પણ આ જ સ્થિતિ છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે લઘુ અને સીમાંત ખેડૂતોને નિશ્ચિત આવક મદદ માટે સરકાર વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિની શરૂઆત કરી રહી છે. નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ નથી કે રવિવારે કેટલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો પહેલો હપ્તો જમા કરાવાશે.
જો કે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિત 14 રાજ્યોના એક કરોડથી વધુ ખેડૂતોને રવિવારે બે હજાર રૂપિયા અપાશે. આ ઉપરાંત 28 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને આ લાભ આગામી બે-ત્રણ દિવસમાં આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે