INDvsAUS: આજે બીજી વનડે, નાગપુરમાં ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે નથી હાર્યું ભારત

હૈદરાબાદ વનડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયા મંગળવાર (5 માર્ચ) નાગપુર વનડે પોતાના નામે કરીને સિરીઝમાં સરસાઇ મજબૂત કરવા ઉતરશે.
 

INDvsAUS: આજે બીજી વનડે, નાગપુરમાં ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે નથી હાર્યું ભારત

નાગપુરઃ પ્રથમ વનડેમાં શાનદાર જીતથી આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ આજે અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડે મેચમાં પણ જીતની સાથે પોતાની સરસાઈ મજબૂત કરવાના ઈરાદાથી ઉતરશે. આ વચ્ચે વિશ્વકપના દાવેદાર ખેલાડીઓની પાસે ફરી એકવાર છાપ છોડવાની તક હશે. વિરાટની આગેવાનીવાળી ભારતીય ટીમે શનિવારે પ્રભાવી પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો હતો. 

આ જીત ભારત માટે મનોબળ વધારનારી હતી કારણ કે આ પહેલા તેને બે મેચોની ટી20 સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વકપ પહેલા ભારતે હવે માત્ર ચાર એકદિવસીય મેચ રમવાની છે અને તેવામાં યજમાન ટીમ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે બે સ્થાનો પર ખેલાડીઓને પસંદ કરવાનો પ્રયત્ન કરશે, જ્યારે બાકી ખેલાડીઓની પસંદગી લગભગ નક્કી છે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન હૈદરાબાદમાં નિષ્ફળ રહ્યો પરંતુ તેને વધુ એક તક મળવાની આશા છે. 

તેવામાં લોકેશ રાહુલને રમવાની સંભાવના ઓછી છે પરંતુ જો તેને તક મળશે તો તે તેનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરશે. વાઇસ કેપ્ટન રોહિત શર્મા કોઈપણ આક્રમણને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે અને કેપ્ટન કોહલીની સાથે તેની જોડી શાનદાર છે. કોહલીએ પ્રથમ વનડેમાં 44 રન બનાવ્યા હતા. રોહિત અને કોહલી જો વીસીએ સ્ટેડિયમમાં એક સાથે ચાલે તો ફરી મહેમાન ટીમની મુશ્કેલી વધી શકે છે. 

અંબાતી રાયડૂ પ્રથમ મેચમાં ફેલ રહ્યો પરંતુ તેની ક્ષમતા અને ટીમ મેનેજમેન્ટ પાસેથી મળી રહેલા સમર્થનને જોતા અંતિમ ઈલેવનમાં તેની જગ્યા ખતરામાં દેખાતી નથી. મહારાષ્ટ્રના બેટ્સમેન કેદાર જાધવે પ્રથમ વનડેમાં અણનમ 81 રનની ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને છઠ્ઠા નંબર પર તેણે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. તે ઓફ સ્પિન બોલિંગ કરવાની ક્ષમતાને કારણે ટીમ માટે સારો વિકલ્પ છે. 

મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ વનડેમાં અણનમ અડધી સદી ફટકારીને કોચ રવિ શાસ્ત્રીની ચિંતા ઓછી કરી હશે. ધોનીએ 59 રનની અણનમ ઈનિંગમાં દેખાડ્યું કે તેનામાં હજુ ક્ષમતા છે. ધોનીએ ટોપ ઓર્ડરના ધબડકા બાદ શાનદાર ભાગીદારી કરી હતી. બંન્ને પાસે ફરી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. 

ભારતીય ટીમ ઓલરાઉન્ડર વિજય શંકરની જગ્યાએ યુવા રિષભ પંતને તક આપી શકે છે. વિજય શંકર પ્રથમ વનડેમાં બોલથી પ્રભાવિત કરવામાં અસફળ રહ્યો હતો. ભારતીય બોલિંગની આગેવાની ફરી એકવાર ડેથ ઓવરોનો નિષ્ણાંત બુમરાહ કરશે જ્યારે તેનો સાથ શમી આપશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ સ્પિન વિભાગની આગેવાની કરી રહ્યો છે અને મિડલ ઓવરોમાં પ્રભાવી રહ્યો છે. હવે જોવાનું રહેશે તે જાડેજાને અંતિમ ઇલેવનમાં સ્થાન મળશે કે ચહલની વાપસી થશે. 

જાડેજાને પ્રથમ વનડેમાં કોઈ સફળતા ન મળી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને 2-0ની લીડ હાસિલ કરવાથી રોકવાનો પ્રયત્ન કરશે. કોચ જસ્ટિન લેંગર માટે કેપ્ટન ફિન્ચનું ફોર્મ ચિંતાનો વિષય બનતું જાય છે. ટી20 સિરીઝમાં 0 અને 8 રનની ઈનિંગ રમનાર ફિન્ચ પ્રથમ વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ 32 વર્ષીય બેટ્સમેન મંગળવારે સારી ઈનિંગ રમીને ફોર્મમાં પરત ફરવા ઈચ્છશે. પ્રથમ વનડેમાં ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસે સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી અને હવે પોતાની ભૂલ સુધારીને મોટી ઈનિંગ રમવાનો પ્રયત્ન કરશે. 

યુવી પીટર હૈંડ્સકોમ્બ અને વિકેટકીપર એલેક્સ કેરી પણ છાપ છોડવાનો પ્રયત્ન કરશે. બોલિંગ વિભાગમાં સ્પિનર એડમ ઝમ્પાએ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા છે અને ફરી એકવાર મહેમાન ટીમ માટે તેની હાજરી મહત્વપૂર્ણ હશે. પરંતુ તેની ટીમના મુખ્ય ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને નાથન કુલ્ટર નાઇલના સહયોગની જરૂર છે. ઓસ્ટ્રેલિયન ટીમ જેસન બેહરેનડોર્ફની જગ્યાએ એંડ્રયૂ ટાઇને તક આપી શકે છે જે નિયમિત રીતે આઈપીએલમાં રમે છે. 

આમાંથી પસંદ કરવામાં આવશે ટીમઃ
ભારતઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, વિજય શંકર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ. કુલદીપ યાદવ, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ. 

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, પીટર હૈંડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર, એડમ ઝમ્પા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news