ફરી ગોધરાકાંડની યાદ તાજી થઈ, વડોદરામાં જોવા મળ્યો સળગતો ટ્રેનનો ડબ્બો, જાણો શું છે...

 દેશમાં ફરીએક વાર ગુજરાતમાં વર્ષ 2002 સમયે થયેલા ગોધરા કાંડની યાદ તાજી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મમાં ગોધરાકાંડનો સીન લેવાનો હોવાથી વડોદરાના પ્રતાપનગર વર્કશોપ ખાતે ટ્રેનનો કોચ મૂકી ગોધરાકાંડનું સેટઅપ તૈયાર કરી શૂટિંગ કરાતા લોકોને ગોધરાકાંડની યાદ તાજી થઇ છે. 

ફરી ગોધરાકાંડની યાદ તાજી થઈ, વડોદરામાં જોવા મળ્યો સળગતો ટ્રેનનો ડબ્બો, જાણો શું છે...

રવિ અગ્રવાલ/વડોદરા : દેશમાં ફરીએક વાર ગુજરાતમાં વર્ષ 2002 સમયે થયેલા ગોધરા કાંડની યાદ તાજી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મમાં ગોધરાકાંડનો સીન લેવાનો હોવાથી વડોદરાના પ્રતાપનગર વર્કશોપ ખાતે ટ્રેનનો કોચ મૂકી ગોધરાકાંડનું સેટઅપ તૈયાર કરી શૂટિંગ કરાતા લોકોને ગોધરાકાંડની યાદ તાજી થઇ છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક બાયોપિક ફિલ્મ બની રહી છે, જેમાં ગોધરાકાંડનો સેટ વડોદરાના પ્રતાપનગર વર્કશોપ ખાતે ઉભો કરાતાં લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે. પ્રતાપનગર રેલવે વર્કશોપ પાસેની રેલવે લાઈન પર ગોધરાકાંડનો સેટ ઉભો કરી સતત બીજા દિવસે શુટીંગ કરવામાં આવ્યું હતું. ગોધરાકાંડ સમયે સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6 ને કેટલાક અસામાજિક તત્વો દ્વારા સળગાવી દેવામાં આવ્યો હતો. ગોધરાકાંડની ઘટના નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન બની હતી. જેથી તેમની બાયોપિક ફિલ્મમાં ગોધરાકાંડના સીનને લેવા પ્રતાપનગર વર્કશોપ ખાતેની રેલવે લાઈન પર મોકડ્રીલ કરવા માટેની ટ્રેનનો કોચ મુકવામાં આવ્યો છે. જેમાં ટ્રેનની બારીઓ પર રૂ નાખી તેને સળગાવવામાં આવી છે. આવી રીતે આખો ઘટનાક્રમ કેમેરામાં શુટ કરાઈ રહ્યો છે. 

GodhrakandModi2.jpg

વડાપ્રધાનની બાયોપિક ફિલ્મનું નિર્માણ ‘ઓહ માય ગોડ’ ફિલ્મના ડાયરેક્ટર ઉમેશ શુકલા કરી રહ્યા છે. ગોધરાકાંડ બાદ નરેન્દ્ર મોદી સ્થળ વિઝીટ કરવા ગયા હતા જેથી ફિલ્મનો જે સેટ ઉભો કરાયો છે. ત્યાં પણ મુખ્યમંત્રીના વાહનોનો કાફલો મુકાયો છે. ગોધરાકાંડનો સેટ ઉભો કરી ફિલ્મની શુટીંગ ચાલતી હોવાથી રેલવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ વર્કશોપની આસપાસની જગ્યા સામાન્ય લોકો માટે બંધ કરાઈ છે. ફિલ્મના ડાયરેક્ટર ઉમેશ શુકલાએ કહ્યું કે હજી ફિલ્મની સ્ટોરીનું ફોર્મેટ નક્કી નથી કરાયું. જે નક્કી થાય બાદ ફિલ્મ વિશે માહિતી આપવામાં આવશે. 

GodhrakandModi3.jpg

આ શુટિંગ વિશે વડોદરા ડિવીઝનના પી.આર.ઓ ખેમરાજ મીનાએ કહ્યું કે, ફિલ્મ બનાવવા માટે ડાયરેક્ટર દ્વારા તમામ પરવાનગીઓ લેવાઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 

મહત્વની વાત છે કે નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ વિશે અત્યારે ખૂબ જ ગુપ્તતા સેવાઈ રહી છે. કોઈને પણ તેના વિશે માહિતી આપવામાં નથી આવી રહી. ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા રીલીઝ થાય તેવી પુરેપુરી શક્યતા છે ત્યારે ફિલ્મમાં ગોધરાકાંડના સીનને લઈ આવનારા સમયમાં મોટો વિવાદ ઉભો થાય તો નવાઈ નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news